Speech of Swami Viditatmananda Saraswatiji: જીવસૃષ્ટિના બોજથી મુક્ત જ્ઞાની પુરુષો સદૈવ આનંદમાં હોય છે.
ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ(Speech of Swami Viditatmananda Saraswatiji)
પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-07
શાસ્ત્રો કહે છે કે બે પ્રકારની સૃષ્ટિ છે: એક ઈશ્વરસૃષ્ટિ અને બીજી જીવસૃષ્ટિ. ઈશ્વરે આ સુંદર જગતનું સર્જન કર્યું છે, આનંદમય સર્જન કર્યું છે. સમગ્ર સૃષ્ટિનું સર્જન આનંદમાંથી થયું છે. આનંદ જ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે અને આનંદમાં જ સમગ્ર સૃષ્ટિનું વિસર્જન થાય છે.
પરંતુ મને કે તમને જગતમાં ભાગ્યે જ આનંદ દેખાતો હોય છે, કારણ કે આ સૃષ્ટિ જેવી છે તેવી રીતે ભાગ્યે જ આપણે એને જોતા હોઈએ છીએ, ભાગ્યે જ એની સાથે એ રીતે સંપર્ક કરતા હોઈએ છીએ. ઈશ્વરે તો પંચમહાભૂતમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું. આપણાં દેહ, મન, બુદ્ધિ એ પણ ઈશ્વરની રચના છે. પણ આ સૃષ્ટિની સાથોસાથ બીજી પણ એક સૃષ્ટિ છે અને તે છે જીવસૃષ્ટિ. આપણા પોતાના રાગ-દ્વેષ, ક્રામ-ક્રોધ, ઇર્ષ્યા, આત્મતિરસ્કાર – આ બધા વિકારો આપણે જ રચેલા છે, તે આપણાં જ સર્જન છે, આપણી રચેલી સૃષ્ટિ છે, જેનાં ચશ્માં પહેરીને જ આપણે ઈશ્વરની સૃષ્ટિને જોતા હોઈએ છીએ.
સ્વપ્નમાં જેવી રીતે હું મારા સંસ્કાર પ્રમાણે મને ગમે તેવા જગતની રચના કરું છું, મારી વ્યક્તિગત સૃષ્ટિનું સર્જન કરું છું, તેવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ મન કોઈક પ્રકારનું સર્જન કરતું જ હોય છે. મનને એવી ટેવ જ પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવે એટલે નિજી સંસ્કાર પ્રમાણે એ વસ્તુ ઉપર કોઈ ને કોઈ પ્રકારના આરોપો કરીને જ તેને જુએ. અર્થાત્ ઈશ્વરની સૃષ્ટિને જેવી છે તેવી જોવાને બદલે પોતાની રચેલી જીવસૃષ્ટિનાં ચશ્માંથી માણસ જોતો હોય છે.
ભૂતકાળમાં જેનાથી સારો અનુભવ થયો હોય તેના પ્રત્યે રાગ, જેનાથી ખરાબ અનુભવ થયો હોય તેના પ્રત્યે દ્વેષ, પોતાની દૃષ્ટિએ અનુકૂળ પરિસ્થિતિ પ્રત્યે રાગ, પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે દ્વેષ – આમ, દરેક અનુભવમાંથી રાગ કે દ્વેષ સામાન્ય રીતે જન્મતો હોય છે.
આપણે સામાન્ય રીતે આપણી વ્યક્તિગત દુનિયામાં જ રાચતા હોઈએ છીએ અને ઈશ્વરની દુનિયાને, જેને વ્યાવહારિક જગત કહે છે, તેને ભાગ્યે જ તે જેવી છે તેવી રીતે જોતા હોઈએ છીએ. આપણે તો વ્યાવહારિક જગતને બદલે પ્રાતિભાસિક જગતમાં એટલે કે આપણી કલ્પનાના જગતમાં, આપણે કરેલા આરોપોમાં જ રત હોઈએ છીએ.
ક્યારેક ક્યારેક આ કાલ્પનિક આંતરસૃષ્ટિમાંથી મુક્ત થઈને ઈશ્વરની સૃષ્ટિ જેવી છે તેવી જ તેને અનુભવીએ છીએ ત્યારે નિરાંતનો, આનંદનો અનુભવ કરી શકીએ છીએ. કોઈ વખત આપણે કુદરતના સાૈંદર્યની મધ્યમાં હોઈએ, ગંગાકિનારે ફરતાં ફરતાં સામેના પહાડો નિરખતા હોઈએ અને તે સમયે આપણું મન આ બધા આરોપોમાંથી મુક્ત થઈ જાય, બધી ચિંતાઓનો બોજ તેના પરથી ઊતરી જાય, રાગ-દ્વેષ, સંસાર-જંજાળમાંથી તે મુક્ત બની જાય ત્યારે એ સાૈંદર્યનો આનંદ પરિપૂર્ણ માણી શકીએ છીએ.
આ આનંદ ડુંગરાઓના પથ્થરોમાં છે ?
ગંગાજીના ઠંડા પાણીમાં છે ?
ના. પણ પહાડો અને ગંગાજીના દર્શન થાય ત્યારે આપણું મન તેની પોતાની બધી ગ્રંથિઓથી, સઘળા રાગ-દ્વેષથી મુક્ત છે, અને આપણો અમદાવાદનો સંસાર ઘડીભર આપણે વિસરી ગયા છીએ, તેનો એ આનંદ છે. આપણે ઘણો બધો બોજ લઈને ફર્યા કરતા હોઈએ છીએ. જ્યારે આપણે આ બોજ ઘડીભર બાજુ પર મૂકી દઈએ, ઈશ્વરની સૃષ્ટિનું સાૈંદર્ય આપણને આકર્ષી લઈ તેનામાં તન્મય બનાવી દે, તે જેવું છે તેવું આપણે નિર્ભેળ રીતે માણી શકીએ ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ, સુખ અનુભવીએ છીએ.
સુખના કોઈ પણ અનુભવનું વિશ્લેષણ કરીએ તો સમજાશે કે જ્યારે આપણને સુખનો અનુભવ થાય છે ત્યારે જે સંજોગોમાંથી કે ઘટનાઓમાંથી સુખ પ્રાપ્ત કર્યું હોય તે ઘટનાઓ, નિમિત્તો ભલે બદલાતાં રહેતાં હોય, પરંતુ તે નિમિત્તને કારણે આપણી જે માનસિક સ્થિતિ ઊભી થાય છે જેને આપણે સુખ કહીએ છીએ તે દરેકેદરેક અનુભવમાં સમાન હોય છે. આ સમયે આપણું મન ઘડીભર રાગ-દ્વેષ આદિથી મુક્ત થઈ જાય છે અને આપણને સુખનો અનુભવ થાય છે. ત્યારે આપણને લાગે છે કે આ આનંદ પેલા નિમિત્તમાંથી આવ્યો, બહારથી આવ્યો.
પરંતુ આ આનંદ ખરેખર તો આપણા અંતરમાં જ હોય છે જે પેલા રાગ-દ્વેષરૂપી જીવસૃષ્ટિથી ઢંકાઈ ગયેલો હોય છે અને કોઈ વિષય કે સંજોગોની હાજરીમાં રાગ-દ્વેષનાં પડળ દૂર થતાં અભિવ્યક્ત થતો હોય છે. આ ક્ષણે આપણું મન જીવસૃષ્ટિના બોજથી મુક્ત થઈ જતું હોય છે અને તેથી ઈશ્વરસૃષ્ટિ પર જે અધ્યારોપ થતો હતો, તેને જે વિકૃત દૃષ્ટિથી જોવામાં આવતી હતી, તેને બદલે હવે તે જેવી છે તેવી જ આપણે માણતા હોઈએ છીએ. માટે ઈશ્વરે જે સર્જન કર્યું છે તેને મુક્ત મનથી માણી શકીએ, જીવે કરેલ સર્જનથી મુક્ત રહીને માણી શકીએ તો હંમેશાં આનંદ જ આનંદ છે.
તેથી જ તો જીવસૃષ્ટિના બોજથી મુક્ત જ્ઞાની પુરુષો સદૈવ આનંદમાં હોય છે.