Rain forecast with thunderstorms: ગુજરાતમાં જતાં જતાં પણ મેઘરાજા વરસી જશે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી- વાંચો વિગત
Rain forecast with thunderstorms: ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર
અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃRain forecast with thunderstorms: ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી.
