Indian Festivals: દિવાળીના તહેવારોની સાચી ખુશી: ઘરમાં સ્નેહ, આંગણે રંગોળી
Indian Festivals: રમા એકાદશીથી ભાઈબીજ અને લાભપાંચમ સુધી ઉજવાતા દિવાળીના પર્વમાં બાળકોને તાળાં લગાવેલા બારણાં નહીં, પરંતુ રંગોળી, દીવા અને પરિવારના સ્નેહભર્યા માહોલનો વારસો આપવાનો સંદેશ.
સૌજન્ય: વૈભવી જોશી (ફેસબુક): Indian Festivals: અંતે આખું વરસ જે તહેવારની આપણે સહુ આતુરતાથી રાહ જોઈએ છીએ એ વાજતેગાજતે આવી જ પહોંચ્યો. આવતીકાલે દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારોની વણથંભી વણઝાર શરુ થશે તે છેક લાભપાંચમ અને દેવદિવાળી સુધી આપણે ઉજવીશું.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોદિવાળીનાં સપ્તરંગી (Indian Festivals) પર્વની મજા કઈંક જુદી જ છે. હું હંમેશા કહેતી આવી છું કે સંતાનો માતાપિતાને સાંભળે ઓછું અને અનુસરે વધારે અને એટલે જ દરેક માબાપને આજે મારે પૂછવું છે કે બાળકોને દિવાળી જેવાં સ્નેહાળ તહેવારમાં બારણે તાળાં લટકાવતાં જોવા છે કે આંગણે રંગોળી પૂરતાં અને દીવાની હારમાળા સજાવતાં ?? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે.
મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે મારાં કંઈ કહેવા કરતા મારાં વર્તનને મારી દીકરી અનુસરે. દર વર્ષે અમે બંન્ને જણા સાથે મળીને ઘરના આંગણામા અને બેકયાર્ડમાં રંગોળી કરીયે અને દીવાઓની હારમાળા પ્રગટાવીએ. એના પપ્પા Phani Kumar રંગબેરંગી લાઈટિંગની વ્યવસ્થા કરતા હોય. જે તે દિવસે અમે બધા સાથે મળીને પૂજા કરીયે અને અહીંયા પરવાનગી હોય એવા નાના અમથાં ફટાકડાં પણ ફોડીએ.

અહીંયા ઘરે તાજી મીઠાઈઓ બનાવતી મહિલાઓ પાસેથી મીઠાઈના બોક્સ આવી ગયા હોય. ઘરમાં એક બાજુ મઠિયા ને ચોળાફળી જેવી વાનગીઓ તળાતી હોય ને એમાં પાછું જે વર્ષે Rashmi બહેન અને Bharat ભાઈ અહીંયા અમારી સાથે હોય ત્યારે તો ખાસ મારાં અત્યંત પ્રિય એવા ઘૂઘરા પણ અમે બધા ભેગા થઈને બનાવીએ. મારી દીકરી શાન્વી પણ એમાં હારોહાર મદદ કરાવે. એ બહાને એ પણ આ બધું જોવે અને શીખે.
એમ પણ વડીલોની હાજરી માત્રથી નાનો અમથો તહેવાર પણ ઉત્સવમાં ફેરવાઈ જતો હોય છે. મેં આ વાત પર કાયમ ભાર મુક્યો છે કે સંતાનોને સભ્યતાં અને સંસ્કાર ધરોહરમાં નથી મળતાં. એને ખૂબ જ લગન, મહેનત અને લાગણીથી સિંચવા પડે છે, ધીરજથી એની માવજત કરવી પડે છે અને એનું ખૂબ કાળજીથી જતન કરવું પડે છે.
આ પણ વાંચો:- Bamboo Craft: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની વાંસ-લાકડાની અનોખી કળા
આટલું જયારે ખંતપૂર્વક કરશો ત્યારે (Indian Festivals) બાળકરૂપી છોડ વટવૃક્ષ બની ફૂલશે, ફળશે, એનાં મૂળિયાં ઊંડે સુધી રોપાશે અને તમારી શાખને મજબૂત કરશે. એનામાં રહેલાં સભ્યતાનાં ફળોથી એ નમશે, એનાં પર સંસ્કારનાં ફૂલ ઉગશે અને સમાજમાં એની મહેંક ફેલાવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આજ ઘટાદાર વૃક્ષ તમને છાંયો આપશે.
જુઓ જરાં, અંધકારને અળગો કરી,
જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી..!!
મિત્રો, આ વખતે દિવાળી કઈંક આવી રીતે મનાવીએ. ચોતરફ ભલે અંધકાર હોય પણ આપણે દીપ પ્રગટાવીએ. આપણે જ આપણા અને અન્યનાં આભને પણ અજવાળીએ. સ્વ. અરવિંદભાઈની આ અપ્રતિમ રચના યાદ કર્યા વગર નથી રહી શકતી.
લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના,
પીડ એની જો કળો તો છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.
– સ્વ. શ્રી અરવિંદ પંડ્યા
દીપાવલીનાં પર્વને ખરાં અર્થમાં પ્રકાશનાં પર્વ તરીકે ઊજવીએ. નગરનાં કોઈ અંધારા ખૂણામાં આવેલી કોઈ જર્જરિત ઝૂંપડીનાં આથમતાં દીવામાં નવી આશાનું દિવેલ પૂરીએ. આટલું કરવા માટે આતશબાજીનાં કે ડિનર પાર્ટીનાં બજેટનો માત્ર નાનો અંશ પૂરતો છે. આ વાત આપણે પણ સમજીયે અને બાળકોને પણ સમજાવીએ.
નાનાં-નાનાં વ્યાપારીઓ પાસેથી દીવડાઓ, ફરસાણ, મીઠાઈ શણગારનો સામાન જેવી બને એટલી સ્વદેશી વસ્તુ ખરીદી આપણી ભુલાતી જતી કલાને પ્રોત્સાહન આપીયે અને એમની પણ દિવાળી રોશન કરીયે. હું અહીંયા રહીને પણ નાનાં વ્યાપારીઓ પાસેથી કે જે મહિલાઓ ઘરેથી બિઝનેસ ચલાવતી હોય એમની પાસેથી ખરીદવાનો આગ્રહ રાખું છું.
Indian Festivals: યાદ રાખજો મિત્રો કે ફરવાં જવા માટે તો આખા વર્ષમાં ક્યારેય પણ જઈ શકાય પણ પરિવાર, સ્નેહીજનો અને મિત્રો સાથે મળીને પરસ્પર સ્નેહ અને મીઠાઈ વહેંચીને તહેવાર ઉજવવાની પરંપરા અમથી નથી ચાલી આવતી ! અમે નાનાં હતાં ત્યારે ઘરનો માહોલ કઈંક અલગ જ રહેતો. એક બાજુ ફરસાણમાં મઠિયા, ચોળાફળી ને સેવ જેવા જાતજાતનાં ફરસાણ તળાતાં હોય તો બીજી બાજુ ઘૂઘરા, લાડું ને મોહનથાળ જેવી મીઠાઈઓ ઘરમાં બનતી હોય. કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ ત્યારે ખાસ આવતા ને સાથે જાતભાતનાં મુખવાસ પણ.
ત્યારે ટેબલ પર ખાસ નવું લાવેલું ટેબલ ક્લોથ પાથરી અમે ખૂબ હરખાતાં. કોનાં ઘરે કેટલો સરસ નાસ્તો બન્યો છે કે મીઠાઈ બની છે એની લાંબી ચર્ચાઓ ચાલતી. અમને બધાના ઘરે જઈ આ બધું ચાખવાની ખાસ છૂટ મળતી. અમે દિવાળીમાં ખાસ ઘર ગણતાં અને ઘરે-ઘરે જઈને વડીલોને પગે લાગી એમના આશીર્વાદ પણ લેતાં અને એમની આપેલી રૂપિયાની કડક નોટો ભેગી કરતાં ત્યારે કુબેર ભંડાર ભરાયો હોય એવી લાગણી થતી.
હવે તો આવી દિવાળીઓ જવલ્લે જ જોવા મળે છે એ છતાંય હું એટલું હંમેશા માનું કે એટલાં બધા આગળ ન નીકળી જવું કે જ્યાંથી પાછાં ફરવું મુશ્કેલ પડે. આશા રાખું કે આપણે હજી મોડાં નથી પડ્યાં ને એટલાં બધા આગળ નથી નીકળી ગયા કે પાછાં ન વળી શકીયે. આ આવનારી દિવાળીનાં દીવડાઓ તમારાં અંતરને ઝગમગાવે, આંગણે પૂરેલાં સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે. વડીલોનાં આશીર્વાદ સદાય અમીછાંટણા બની વરસતાં રહે.
એક અત્યંત મહત્વની વાત દેવીદેવતાનાં ચિત્રો વાળા ફટાકડાં તો ન જ ખરીદીયે. કેમિકલયુક્ત ધુમાડાં શ્વાસમાં ન જાય અને સ્વાસ્થ્યને અને પર્યાવરણને નુકસાન ન થાય એ પણ સાચવીયે. હું ફટાકડાં ફોડવાની વિરોધી સહેજ પણ નથી એ જમાનામાં એની પાછળનું અલગ વિજ્ઞાન હતું જે હજી પણ એટલું જ જરૂરી છે પણ આજકાલ ચાઈનાથી આવતાં માલમાં નુકસાન થવાની શક્યતા વધુ રહેલી છે માટે શક્ય હોય તો આવી ખરીદી ટાળીયે.
આશા રાખું કે દિવાળી માત્ર ફટાકડાં અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહે એવી આપ સહુને મારાં તરફથી આવનારાં દિવાળીનાં તમામ તહેવારોની હાર્દિક શુભેચ્છાઓ..!!
@followers: દિવાળી નિમિત્તે દસ મણકાની લેખમાળા તૈયાર કરી છે. આવતીકાલે દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને વર્ષની અંતિમ એકાદશી એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં દિવાળીના અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ.
