Ekadashi Vrat: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ
પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે ગૂંથી લીધા છે કે જાણે એ જ સમગ્ર વર્ષની ભક્તિની વસંત બનીને મધમધી ઉઠે છે.
દેવશયની એકાદશીથી (Ekadashi Vrat) ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂતાં રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ ચાર મહિના ચાતુર્માસ કહેવાય છે. જે એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે એ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની અથવા પરિવર્તિની એકાદશી કહી છે અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે તેથી તેને દેવઊઠી એકાદશી કહી છે.
આજે ભાદરવા મહિનાનાં શુક્લપક્ષની અગિયારસ છે જેને પાર્શ્વવર્તીની કે પરિવર્તિની એકાદશીનાં નામથી ઓળખવામાં આવે છે. એકાદશીની તિથિ આજે રાત્રે ૩:૦૦ વાગે શરૂ થઇ અને આવતી કાલે રાત્રે ૧ઃ૧૧ મિનિટે સમાપ્ત થશે. આ ઉપરાંત આ એકાદશી વામન જયંતિ, વામન દ્વાદશી અને જળઝીલણી એકાદશી જેવા નામથી પણ ઓળખાય છે.
વામન દ્વાદશીની તિથિ અહીંયા સિડનીનાં સમય મુજબ આવતી કાલે ૧ઃ૧૧ મીનીટે શરૂ થઈ રાત્રે ૧૦ઃ૪૨ મીનીટ સુધી રહેશે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલાં ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજનાં દિવસને પરિવર્તિની એકાદશી કહે છે. ભારતીય સમય મુજબ મુહૂર્તનાં સમયમાં ફેરફાર હોઈ શકે માટે પંડિતની સલાહ માન્ય રાખવી. મને જે થોડું ઘણું પંચાંગ જોતાં આવડે છે એ મુજબ સમય લખ્યાં છે તો કોઈ ભૂલચૂક બદલ ક્ષમસ્વ ગણશો
આ પણ વાંચો:- Dandiya Queen Falguni Pathak: સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે
આ જળઝીલણી એકાદશીનાં દિવસે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે એવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભગવાને શુધ્ધ જળને ઝીલ્યું હતું તેથી જલઝીલણી એકાદશીનાં નામથી પણ પ્રચલિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુનાં વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુનાં વામન અવતારની કથા સાંભળવાની માન્યતા પ્રચલિત છે.
ચાલો આજે આપણે બધા પણ એ રસપ્રદ પ્રસંગને ફરી વાગોળીએ. બલિ રાજા નામનો એક દાનવ થઇ ગયો. તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સદાય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભકત હતો. એ કાયમ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને પોતાની ભકિતનાં પ્રભાવે તેણે સ્વર્ગનું રાજય પ્રાપ્ત કરેલું.
એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ તેના ત્રાસમાંથી છોડાવવા ભગવાન વિષ્ણુને વિનંતી કરી એટલે ભગવાન વિષ્ણુને વામનરૂપે અવતાર લેવો પડયો. ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે એના આંગણે ભીક્ષા માંગવા ગયા અને તેની પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી અને બલિ રાજાએ એ આપવા સંકલ્પ કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ વિરાટ સ્વરુપ ધારણ કર્યું અને એક ડગલાંથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજુ ડગલું કયા મૂકવું તે પૂછયું.
ત્યારે એમના પરમ ભકત બલિએ પોતાનું મસ્તક એમના ચરણોમાં મૂકી કહ્યું : “હે જગતપતિ ! આપ ત્રીજું ડગલું મારાં મસ્તક પર મૂકો” અને ભગવાને એમનો પગ તેના માથા પર મુકી તેને પાતાળમાં લઇ ગયા. ત્યાં તે એમના શરણે આવ્યો. ત્યારે ભગવાને કહ્યું, “હે રાજન ! તારી ભકિતીથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માંગ.” ત્યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું : “ભગવન ! હું સદાય તમારી પાસે રહીશ.” એમણે આ કાર્ય ભાદરવા સુદ અગિયારસનાં દિવસે કરેલું તે દિવસથી એમની એક મૂર્તિ બલિ રાજા પાસે છે અને બીજી ક્ષીર સાગરમાં છે.
મારી દ્રષ્ટિએ પરિવર્તિની એકાદશીની ઉજવણી ત્યારે જ ખરાં અર્થમાં સાર્થક બનશે જો આપણે પણ આપણા જીવનમાં કઈંક પરિવર્તન લાવીશું. હંમેશા કહેવાયું છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. આપણે પણ જમાના પ્રમાણે અપડેટ થતાં શીખીયે. ઘણી વાર એક જ પ્રકારની ઘરેડમાં જીવન ખર્ચાઈ જતું હોય છે. નવા સમય અને નવા સંજોગો સાથે તાલ મેળવીને આગળ વધીએ.
મુશ્કેલીઓ દરેક ક્ષણે અલગ-અલગ રૂપમાં આવતી જ રહેશે પણ એનાથી નિરાશ ન થઈને એમાંથી રસ્તો કરતાં શીખીયે. બધા જ પરિવર્તન ખરાબ નથી હોતા. નવી પેઢી પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે. સારા પરિવર્તનને શું કામ ન અપનાવી શકાય ? જૂની પેઢીનાં સારા વિચારોને નવી પેઢી સાથે એમની ભાષામાં આપ-લે કરી આ સમન્વય સાધી શકાય તો પરિણામ ચોક્કસ સારાં આવશે એવું મને હંમેશા લાગ્યું છે.
પેલી કહેવત છે ને કે “પાની તો બહતાં ભલા..” મતલબ કે પાણી વહેતું રહે તો જ એ નિર્મળ રહી શકશે તેવી જ રીતે આપણે પણ સમયની સાથે વહેતા રહીયે. જેમ પાણી ગમે તે સંજોગોમાં પોતાનો આકાર લઈ લે છે અને પોતાની જગ્યા કરી લે છે એમ આપણે પણ દરેક મૂંઝવણમાંથી રસ્તો કાઢતાં શીખીયે તો જ આપણે ખરાં અર્થમાં પરિવર્તિની એકાદશી ઉજવી શકીશું.
આપ સહુને મારાં તરફથી પરિવર્તિની એકાદશી, જલઝીલણી એકાદશી અને વામન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો