self control: મનની અંદરનું મહાયુદ્ધ
self control: આંતરયુદ્ધ (Swami ji ni vani part-53)
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઆપણને વારંવાર કહેવામાં આવે છે કે કામનાનો ત્યાગ કરવો જોઈએ, ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, લોભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે આ બધી વૃત્તિઓ માનવીના પતનનું કારણ છે. આપણે આ માટે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. પરંતુ આપણો અનુભવ છે કે વારંવારના પ્રયત્નો છતાં આપણને આપણા પ્રયત્નમાં નિષ્ફળતા સાંપડતી હોય છે. કામાદિ વૃત્તિઓ ઉપર આપણો કાબૂ રહેતો નથી. તે વૃત્તિઓ આપોઆપ પ્રગટ થઈ જતી હોય છે અને આપણા મનનો કબજો લઈ લેતી હોય છે. પરિણામે આપણું મન વિષાદથી છવાઈ જાય છે. આપણા ભૂતકાળના સંસ્કારોને કારણે અને વર્તમાનમાં અવિવેકને કારણે આવું બનતું હોય છે અને આપણને જણાય છે કે આપણા મન ઉપર જ આપણો કાબૂ નથી, આપણે જ આપણા વ્યક્તિત્વનું યોગ્ય સંચાલન કરી શકતા નથી.
આવે વખતે આપણને આપણી પોતાની આતંરિક અસહાયતાનો ખ્યાલ આવે છે.
વળી, બાહ્ય સંજોગો ઉપર તો આપણો કાબૂ નથી જ. વારંવાર આપણે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડતો હોય છે અને આ સામે પણ આપણે અસહાયતા અનુભવતા હોઈએ છીએ. આમ, વ્યાવહારિક જીવનમાં માનવી ડગલે ને પગલે એવો અનુભવ કરતો હોય છે કે તેનું નથી આંતરિક પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ કે નથી બાહ્ય પરિસ્થિતિ ઉપર તેનો કોઈ કાબૂ. છતાં માનવીએ શક્ય તેટલો પુરુષાર્થ આ દિશામાં કરવો જ રહ્યો – વિશેષે કરીને આંતરિક પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવાનો; અને એ ત્યારે બનશે
આ પણ વાંચો:- Think before you speak: જીભ પર સંયમ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
જ્યારે તેનું મન શુદ્ધ થાય, તેના મનની મલિનતા દૂર થાય, તેના મનમાંથી કામ-ક્રોધ, રાગ-દ્વેષ વગેરે મેલ જાય.
મનની મલિન કે નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આપણે કરવા જોઈએ. રાગ, દ્વેષ, કામ, ઈષ્ર્યા, લોભ, વિષાદ, આત્મતિરસ્કાર ઇત્યાદિ મળને કારણે આપણું મન મલિન બની ગયું છે. આ મલિનતાનો ત્યાગ એટલે જ આંતરિક શુદ્ધિ.
આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવાનું એક મહાન સાધન છે પ્રતિપક્ષભાવના.
ક્રોધ જન્મે ત્યારે તેની વિરુદ્ધની ભાવના, એટલે કે સ્નેહ અને ક્ષમાની ભાવના મનમાં સ્થાપિત કરવી.લોભના મારણ તરીકે સંતોષની ભાવના મનમાં વિકસાવવી. કામ ઉપર આત્મસંયમ દ્વારા કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. સ્વાધ્યાય અર્થાત્ શાસ્ત્રનું નિયમિત અધ્યયન પણ આત્મસંયમ કેળવવામાં ખૂબ સહાયભૂત બને છે.
પણ ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં ક્રોધ, ઈષ્ર્યા વગેરે વૃત્તિઓ દૂર ન કરી શકાય તો પછી કોઈ ઉપાય ખરો કે નહીં ?
ઉપાય ખરો, અને તે છે સહાય માટે ઈશ્વર પાસે માગણી કરવી, ઈશ્વરને પ્રાર્થના કરવી તે. પરંતુ જ્યાં સુધી આપણે આપણી અસહાયતાનો સ્વીકાર કરીએ નહીં ત્યાં સુધી કોઈની સહાય માગી શકીએ નહીં. આથી સંસારરૂપી આ ગજગ્રાહમાં ડગલે ને પગલે અનુભવાતી લાચારીની પળે નિરાશ કે નિરુપાય થઈને ફસડાઈ પડવાને બદલે નમ્રતાપૂર્વક આર્ત હૃદયે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તો આપણને અવશ્ય મદદ પ્રાપ્ત થાય છે.
ગજેન્દ્ર-મોક્ષની કથા આપણે જાણીએ છીએ. ગજેન્દ્ર એક સરોવરમાં જળ પીવા ગયો. ત્યાં મગરે તેનો પગ જોરથી પકડ્યો અને તેને પાણીમાં ખેંચ્યો. ગજેન્દ્રે છૂટવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. મગર અને ગજેન્દ્ર બન્ને વચ્ચે મહા સંઘર્ષ ચાલ્યો. ખૂબ ખેંચતાણ ચાલી. અંતે જ્યારે ગજેન્દ્રનાં નાક-કાન ડૂબવાં લાગ્યાં ત્યારે તેને લાગ્યું કે પોતાનો કોઈ પ્રયત્ન ચાલવાનો નથી. ત્યારે છેવટે આર્તભાવે તેણે ‘હે ગોવિંદ ! હે ગોપાલ !’ એમ પોકારીને પ્રભુની સહાય માગી, પ્રભુની આર્ત હૃદયે પ્રાર્થના કરી, પ્રભુએ તે સાંભળી અને ગજેન્દ્રને બચાવ્યો.
આપણે આ કથા ઉપરથી પ્રેરણા લેવાની છે. કામ, ક્રોધ, ઈષ્ર્યા વગેરે આંતરિક શત્રુઓ સામે આપણે અસહાય બની જઈએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરવાની. પ્રભુના અનુગ્રહથી જ આપણે આ શત્રુઓથી છૂટી શકીશું. આમ, સાવધાની અને પ્રતિપક્ષભાવનારૂપી આપણો પ્રયત્ન અને ઈશ્વરનો અનુગ્રહ એ બેથી આપણે પણ આપણા આંતરયુદ્ધમાં જીતી જઈશું.
