Swamiji ni Vani part-17: સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે…
Swamiji ni Vani part-17: !!સફળતા અને નિષ્ફળતા!!
Swamiji ni Vani part-17: સમતા
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન કહે છે:
सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते|
સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહીને (હે ધનંજય, તું કર્મો કર.) મનની સમતાને જ યોગ કહે છે.
સિદ્ધિ એટલે સફળતા. અસિદ્ધિ એટલે નિષ્ફળતા. ભગવાન કહે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં, સફળતા અને નિષ્ફળતામાં સમાન રહીને કર્મ કર, કારણ સમત્વને યોગ કહેવાય છે. સફળતા કે નિષ્ફળતામાં મનની સમાનતા હોવી તેનું નામ સમત્વ.
હર્ષ અને શોકનો અભાવ, રાગ અને દ્વેષનો અભાવ, એનું નામ સમત્વ. સામાન્ય રીતે સફળતા પ્રાપ્ત થતાં આપણે હર્ષના આવેશમાં આવી જઈએ છીએ અને નિષ્ફળતા મળતાં અત્યંત નિરાશ થઈ જઈએ છીએ. જીવનના હરકોઈ પ્રસંગને આ રીતે હર્ષ કે શોકના પ્રત્યાઘાતથી આપણે આવકારતા હોઈએ છીએ.
આવી આવેગાત્મક અવસ્થામાં વિવેકબુદ્ધિ કામ કરતી નથી. જે માણસ સારા પ્રસંગોથી હર્ષમાં આવી જાય તે માઠા પ્રસંગોથી શોકાન્વિત થવાનો જ, પરંતુ જે માનવીની પ્રસન્નતાનો આધાર પોતાના ઉપર જ હોય છે તે અનુકૂળ કે પ્રતિકૂળ એવા કોઈ પણ સંજોગોમાં મનની સ્વસ્થતા કે સમતા જાળવી શકે છે.
જીવનમાં અનુકૂળતા-પ્રતિકૂળતાનું, સુખ-દુઃખનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. પ્રત્યેકના જીવનમાં સુખ અને દુઃખનું મિશ્રણ હોય છે. પરંતુ માનવી તટસ્થ દૃષ્ટિબિંદુથી ઘટનાઓને મૂલવતો હોતો નથી. ભગવાન કહે છે કે અનુકૂળતા કે પ્રતિકૂળતા, સુખ અને દુઃખ બન્નેમાં સમત્વ-બુદ્ધિ રાખ.
પ્રશ્ન થશે, ‘પણ સ્વામીજી! હું પરીક્ષામાં નાપાસ થાઉં ત્યારે નિરાશા જન્મે અને પાસ થાઉં તો હર્ષ પણ થાય તે સ્વાભાવિક નથી? આવી વિષમ ઘટના ઘટે ત્યારે મનની સ્વસ્થતા કેવી રીતે જાળવવી?’
પ્રશ્ન એ છે કે સફળતા કોને કહેવી અને નિષ્ફળતા કોને કહેવી. સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે. કોઈ પરિણામને સફળતા ગણવી એ પણ આપણો ર્નિણય છે અને એને નિષ્ફળતા ગણવી એ પણ આપણો ર્નિણય છે. બાકી જગતમાં સફળતા પણ નથી અને નિષ્ફળતા પણ નથી.
એક છોકરો એચ.એસ.સી.માં એટલે કે બારમા ધોરણમાં ૭૮ ટકા માક્ર્સ લાવે છતાં પોતાને નિષ્ફળ માને, કારણ કે એને દાકતરી લાઇનમાં પ્રવેશ જોઈતો હતો અને તે માત્ર ૭૮ ટકા ગુણ મળવાથી હવે નહીં મળે. જ્યારે બીજો છોકરો એ જ પરીક્ષામાં ૩૮ ટકા માર્ક્સે પાસ થવા છતાં પણ ખૂબ ખુશ હતો અને પોતાની સફળતા બદલ મિજબાની ગોઠવતો હતો, કારણ કે એને પાસ થવાની પણ આશા નહોતી!
૭૮ ટકા માક્ર્સવાળો પોતાને નિષ્ફળ ગણે છે જ્યારે ૩૮ ટકા માક્ર્સવાળો પોતાને સફળ લેખે છે!
સ્વામી દયાનંદજી કહે છે કે, કોઈ માણસ નિષ્ફળ છે જ નહીં. સફળતા-નિષ્ફળતા જેવું કાંઈ જગતમાં છે નહીં.
તો શું છે? કર્મનું ફળ છે.
કર્મ કરો અને તેનું ફળ મેળવો. બે હાથે તાળી પાડવાનું કર્મ કરીએ અને અવાજ થાય તો તે શું કહેવાય- સફળતા કે નિષ્ફળતા? મોટો અવાજ થયો તેથી સફળતા મળી એમ પણ કહી શકાય, પરંતુ અવાજ કેમ થયો એવી ફરિયાદ કરું તો નિષ્ફળતા એમ પણ કહી શકાય.
એમાં સફળતાયે નથી કે નિષ્ફળતાયે નથી. બે હથેળીઓ ટકરાય અને તેના ફળરૂપે નિયમ પ્રમાણે અવાજ થાય જ. આ ફૂલ મારા હાથમાંથી છોડી દઉં અને તે નીચે પડે એ સફળતા કહેવાય કે નિષ્ફળતા? એમાં સફળતા પણ નથી કે નથી નિષ્ફળતા. કર્મના નિયમ પ્રમાણે આ પરિણામ આવ્યું. પરંતુ હું ઇચ્છું છું કે તે નીચે ન પડવું જોઈએ, તો મને તેમાં નિષ્ફળતા જણાય અને એમ ઇચ્છું કે નીચે પડવું જોઈએ તો પછી સફળતા જણાય.
જે થવાનું હોય છે તે જ થતું હોય છે. પરંતુ એને સફળતા કે નિષ્ફળતાની છાપ કોણ મારે છે? હું મારું છું. સફળતા-નિષ્ફળતા, અનુકૂળતા-પ્રતિકૂળતા આ બધા ખ્યાલો એવા દૃઢપણે બંધાઈ ગયા છે કે હંમેશાં આપણે ઇચ્છતા હોઈએ છીએ કે આ જગતની અમુક ઘટનાઓ તો અમુક પ્રકારે જ ઘટવી જોઈએ અને તેમ થાય તો જ હું રાજી થાઉં અને મારી ઇચ્છા પ્રમાણે ન બને તો હું દુઃખી થાઉં. મારો આગ્રહ સારી રીતે પાર પડે તો હું સુખી, પાર ન પડે તો દુઃખી.
જગતની ઘટનાઓ સુખ-દુઃખ આપતી નથી, સુખ-દુઃખ તો આપે છે આપણા જ આગ્રહો.
આ પણ વાંચો…. IND VS PAK Match in World Cup 2023: વર્લ્ડ કપ રમવા પર પાકિસ્તાનની ટીમ માટે સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો…