Swamiji ni Vani part-18: જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે..
પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી (Swamiji ni Vani part-18)
Swamiji ni Vani part-18: વિકારમુક્ત મન: એક ભાઈએ મને કહ્યું ‘સ્વામીજી ! તમે કહો છો કે જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે. એનો અર્થ એ થયો કે જે કાંઈ છે તે એમ ને એમ સ્વીકારી લેવું. લોકો આપણા ઉપર જુલમ કરતા હોય, આપણું શોષણ કરતા હોય, જાણીબૂઝીને આપણને ત્રાસ આપતા હોય, આપણને ભારોભાર અન્યાય કરતા હોય તો શું આ બધું એમ ને એમ સહન કરી લેવું ?’ના.
પરિસ્થિતિ સ્વીકારી લેવી એનો અર્થ એવો નથી કે કોઈ પ્રકારનો પ્રતિભાવ ન દર્શાવવો કે જરૂર પડે તો પરિસ્થિતિ સામે બળવો ન કરવો. પરિસ્થિતિને ઈશ્વરનો પ્રસાદ છે તેમ માનીને સ્વીકારી લેવી એનો અર્થ એટલો જ છે કે પરિસ્થિતિ સામે આપણને કોઈ પ્રકારનો દ્વેષ ન હોવો જોઈએ. અર્થાત્ રાગ-દ્વેષના પ્રભાવમાં આવ્યા વગર પરિસ્થિતિમાં વર્તન કરવું, તેનો સામનો કરવો. ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં જે કાંઈ કર્તવ્ય હોય, જે યોગ્ય હોય તે તો કરવું જ જોઈએ. અન્યાય થતો હોય અને તેની સામે લડવાની મારી તાકાત હોય તો લડત આપવી જ જોઈએ.
પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની આપણામાં ક્ષમતા હોય તો તે માટે અવશ્ય પ્રયત્ન કરવો – પરંતુ ક્રોધ કે દ્વેષથી નહીં. કોઈએ આપણા પ્રત્યે ગેરવર્તન કર્યું તેથી આપણને તેના પ્રત્યે દ્વેષ થાય અને જો આપણે ક્રોધના આવેગમાં આવીને વર્તીએ તો તે યોગ્ય નથી. એવા વર્તનને કે વ્યવહારને કર્મ ન કહેવાય, તેને તો પ્રત્યાઘાત કહેવાય. ક્રોધ કે દ્વેષથી પ્રેરાઈને કરાયેલ કર્મ આપણા મોભાને છાજે તેવું નહીં હોય. વળી, આપણે તે કર્મ દ્વારા જે સિદ્ધ કરવા માગીએ છીએ તે પણ સિદ્ધ કરી શકીએ નહીં. યોગ્ય તો તે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ મનની સ્વસ્થતા જાળવી રાખીને તેમની સામે લડત આપીએ.
આને કહેવાય પરિસ્થિતિનો સ્વીકાર.
ટૂંકમાં, પરિસ્થિતિ સ્વીકારી લેવી એટલે પરિસ્થિતિમાં સ્વસ્થતા જાળવવી, કોઈ પણ પ્રકારના આવેગમાં ન આવી જવું. ઘણી વાર આપણાં કર્મો આવા રાગ-દ્વેષના આવેગના પ્રભાવમાં થતાં હોય છે, કારણ કે નાનપણથી જ આપણે ક્રોધ કે દ્વેષને પોષતા આવ્યા છીએ અને તેથી આ વિકૃતિઓ આપણામાં દૃઢ થઈ ગઈ હોય છે. જીવનમાં ક્યારેય બધી પરિસ્થિતિઓ અનુકૂળ નથી હોતી. અનેક પ્રકારની પ્રતિકૂળતાનો અનુભવ બાળપણથી જ આપણે કરતા આવ્યા હોઈએ છીએ. આપણી બધી ઇચ્છાઓ પૂરી થતી હોતી નથી. કંઈ કેટલીયે વાર આપણી ઇચ્છાવિરુદ્ધનું આપણે ચલાવી લેવું પડે છે. નાના હતા, ચોકલેટ ખાવાની ઇચ્છા થઈ પણ મમ્મીએ ધરાર ના પાડી દીધી.
શાળામાંથી પર્યટને જવાનું હતું, સો રૂપિયા ભરવાના હતા, પિતાજીએ કહી દીધું, ‘નહીં મળે, નથી જવાનું.’ વારંવાર આપણી ઇચ્છાઓનો અનાદર થતો આવ્યો છે. જાતજાતના પ્રતિકૂળ અનુભવો થતા આવ્યા છે – કુટુંબમાં, શાળામાં, શેરીમાં સર્વત્ર. તે સામે આપણને દ્વેષ જન્મે, ક્રોધ પણ થાય, છતાં ન છૂટકે એ બધું આપણે મનમાં જ સમાવી દેતા આવ્યા છીએ. પણ મનમાં ભરી પડેલી આ વિકૃતિઓ સમય આવ્યે અભિવ્યક્ત થતી હોય છે. આજકાલ તો ઘરમાં, ઑફિસમાં, મુસાફરીમાં, સામાજિક પ્રસંગોમાં, એકમેકને હેરાન કેમ કરવા એ જ પ્રવૃત્તિ ચાલી રહી હોય તેમ જણાય છે. એને લઈને નિરાશા, હતાશા પેદા થાય છે.
વળી, આપણી પોતાની ઘણી આંતરિક નબળાઈઓ હોય છે જેનાથી આપણે સભાન હોઈએ છીએ. આપણે મનમાં કરેલા સંકલ્પો ઘણી વાર આપણાથી અમલમાં મૂકી શકાતા નથી.
સવારે વહેલા ઊઠવાનો નિશ્ચય કરીએ અને ઊઠી ન શકીએ; એટલે મનમાં પોતાના જ ઉપર ગુસ્સો આવતો હોય છે. વારંવાર નિશ્ચય કરીએ કે બીજાઓ પ્રત્યે ક્રોધ નથી કરવો, પરંતુ વખત આવ્યે એની જાતે જ ક્રોધ થઈ જતો હોય છે. તેથી વળી મનમાં હતાશા જન્મે. સાચું બોલવાનો નિયમ લીધો હોય અને ક્યારેક જૂઠું બોલાઈ ગયું એટલે નિરાશા. આમ આપણે, આપણે પોતાને માટે પણ અનેક ધોરણો નક્કી કરેલાં હોય છે, પરંતુ હંમેશ આપણે તે પ્રમાણે વર્તી શકતા હોતા નથી. એને કારણે આત્મ-તિરસ્કાર જન્મતો હોય છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ભય, આત્મ-તિરસ્કાર, નિરાશા આવી બધી જાતજાતની વૃત્તિઓ આપણામાં હોવાને લીધે આપણે પરિસ્થિતિને તે જેવી છે તેવી રીતે ભાગ્યે જ જોતા હોઈએ છીએ. આ બધા વિકારોને કારણે પરિસ્થિતિ પર આરોપ કરીને આપણે પરિસ્થિતિને મૂલવતા હોઈએ છીએ. તેથી પરિસ્થિતિ જેવી છે તેવી તો આપણે તેને ભાગ્યે જ મૂલવી શકતા હોઈએ છીએ.
મનમાં આ પ્રકારના વિકારો હોય, ભાતભાતની ગ્રંથિઓ બંધાયેલી હોય, વિષાદ હોય કે તણાવ હોય ત્યારે આપણું મન આનંદમાં ન હોઈ શકે, પ્રસન્ન ન હોઈ શકે. આપણે પ્રસન્ન ત્યારે જ હોઈ શકીએ જ્યારે મન આ બધા વિકારોથી મુક્ત હોય.
મનને વિકારોથી મુક્ત રાખી પરિસ્થિતિનો સામનો કરીએ એ જ છે પરિસ્થિતિની પ્રસન્નતાપૂર્વકની સ્વીકૃતિ, પ્રભુના પ્રસાદ તરીકે સ્વીકૃતિ.
આ પણ વાંચો:–Swamiji ni Vani part-17: સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે…