Swamiji ni Vani part-20: ઉપનિષદો “વૈશ્વિક યજ્ઞ”નું બહુ સુંદર વર્ણન કરે છે…

Swamiji ni Vani part-20: વૈશ્વિક યજ્ઞ: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી

तस्मादग्नि: समिधो यस्य सूर्य:

Swamiji ni Vani part-20: આ જે વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં સૌથી પહેલાં અગ્નિની એટલે કે સ્વર્ગની ઉત્પત્તિ થઈ. સ્વર્ગમાં પણ યજ્ઞ ચાલી રહ્યો છે. સૂર્ય સમિધ અર્થાત્‌ બળતણ છે. તે સતત હોમાઈ રહ્યો છે, સર્વને શક્તિ પૂરી પાડી રહ્યો છે. એનાથી જ ચંદ્રને શક્તિ પ્રાપ્ત થાય છે. સૂર્ય અને ચંદ્રની પ્રતિક્રિયાઓને કારણે વાદળની ઉત્પત્તિ થાય છે.

વાદળ જ્યારે હોમાય છે ત્યારે આ પૃથ્વી પર ઔષધિ અર્થાત્‌ વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આ વનસ્પતિ પાછી જ્યારે મનુષ્યના શરીરમાં આહાર તરીકે હોમાઈ જાય ત્યારે તે શક્તિ કે વીર્યના રૂપે આવે છે અને એ જ્યારે સ્ત્રીમાં હોમાય ત્યારે પ્રજાની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વૈશ્વિક યજ્ઞ ચાલે છે, જેમાં સર્વ તત્ત્વો પોતાનું સમર્પણ કરે છે અને તેથી જગતનું ચક્ર ગતિમાન રહે છે.

ભગવાન પણ કહે છે:

      अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसंभवः|
      यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भवः||

આ સમગ્ર વૈશ્વિક યજ્ઞમાં જગતનાં સર્વ તત્ત્વો ભાગ લઈ રહ્યાં છે. જગતમાં કાંઈ પણ નિષ્ક્રિય નથી કે કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી. બધી જ વસ્તુ ઉપયોગી છે. પ્રત્યેક તત્ત્વ અન્યને ઉપયોગી થવા પ્રયત્નશીલ છે. સૂર્ય, ચંદ્ર, તારા સતત ઘૂમ્યા કરતા હોવા છતાં ક્યારેય અંદર-અંદર અથડાતા નથી કે ઝઘડો કરતા નથી. કોઈ કોઈની આડે આવતું નથી. સૌ એકમેક સાથે સંવાદિતામાં છે.

આપણા દેહમાં પણ હાથ, પગ, આંખ, કાન, નાક- સઘળી કમેર્ન્દિ્રયો તેમ જ જ્ઞાનેન્દ્રિયો એકબીજાના સહકારથી સંવાદિતામાં ચાલી રહી છે. પગમાં ઠોકર વાગે કે તરત જ હાથ ત્યાં પહોંચી જઈને પંપાળે. હાથ કદી એમ ન કહે કે ‘પગને વાગ્યું છે તેમાં મારે શું?’

આંખમાં સાધારણ કાંઈ થાય કે કચરો ઊડે કે તરત જ હાથ જઈને મદદ કરે. કદી પણ ન કહે કે ‘આંખમાં થયું છે તેમાં મારે શું?’ આ દેહમાં ક્યાંય કાંઈ થાય તો આખો દેહ વિવિધ અંગોની પ્રતિક્રિયાથી તે અંગ ઉપર આવેલી મુશ્કેલી કેમ દૂર થાય એ માટેનો એક સમગ્ર પ્રયત્ન કરે છે.

આ દેહમાં સંવાદિતા કેમ છે?

કારણ કે દેહનાં અંગોમાં અનેકતા અને વિવિધતા હોવા છતાં પણ એક જ તત્ત્વ સમગ્ર દેહને જોડી રહેલું છે. દેહનાં બધાં અંગોનો આત્મા તો એક જ છે. તેથી અનેકતા અને વિવિધતા હોવા છતાં પણ બધામાં એકતા છે.

જેવું આ દેહમાં છે તેવું જ સમગ્ર વિશ્વમાં છે. વિશ્વનાં વિવિધ તત્ત્વોને જોડનારો કોઈ એક નિયમ છે, કોઈ એક ધર્મ છે. તેને આપણે ઈશ્વર પણ કહી શકીએ. એક ઈશ્વર આ સઘળાંને જોડનારું સૂત્ર છે. ઈશ્વર શબ્દ ગમતો ન હોય તો તેને ધર્મ કહો. ધર્મ શબ્દ ગમતો ન હોય તો તેને સંવાદિતા અથવા એક મૂળભૂત નિયમ કહો. પરંતુ અનેકને જોડતું એક તત્ત્વ છે એ તો ખરું જ.

આપણે એ સંવાદિતામાં સૂર પુરાવીએ તો આપણું જીવન પણ સંવાદિત બને. જીવનને કેવી રીતે સંવાદિત બનાવવું, સુખી બનાવવું તેનો ઉપદેશ ભગવાન ગીતામાં આપે છે. આ જે મહાન વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં આપણા કર્મ દ્વારા આપણે પણ યોગદાન આપીએ.

તેથી ભગવાન કહે છે:

यज्ञार्थत्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन: |
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्ग: समाचर ||

યજ્ઞની ભાવનાથી કરેલું કર્મ મનુષ્યને કર્મબંધનથી મુક્ત કરનાર બને છે. યજ્ઞની ભાવના સિવાય અન્ય ભાવનાથી અર્થાત્‌ સ્વાર્થભાવનાથી કરવામાં આવેલું કર્મ બંધન કરનારું નીવડે છે. માટે હે કૌન્તેય ! તું યજ્ઞની એટલે કે સમર્પણની ભાવનાથી કર્મ કર.

આ પણ વાંચો… Sprouts Poha Recipe: નાસ્તામાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી સ્પ્રાઉટ્સ પોહા, નોંધી લો સરળ રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો