Banner naman

Public V/s Government: આ આસુંઓમાં ભરી છે દેશદાઝ !

Public V/s Government: લોકશાહીમાં શાસક-વિપક્ષ બદલાતા રહેતા હોય છે તેથી દેશ વિરોધી તત્વો સાથે હાથ મિલાવવા, દેશનું અહિત થાય તેવા કૃત્ય કરવા, દેશની બદનામી થાય તેવા પ્રપંચો રચવા એ સ્વતંત્રતાના કિલ્લા પર હુમલો કરવા સમાન છે, ભલે તેનાથી કિલ્લો ધ્વસ્ત નથી થતો પરંતુ કમજોર તો થાય જ છે

Public V/s Government: આખા વિશ્વનો ખેલમહાકુંભ ઓલિમ્પિક સમાપ્ત થયો છે, મેડલોની રેસમાં કોણ ક્યાં રહ્યું તે આપણે સતત જાણ્યું છે. દુનિયાભરમાં અનેક રમતો, અનેક સ્થળે, અનેક પ્રકારે અને અનેક ટાઇટલ હેઠળ સતત રમાતી જ હોય છે પરંતુ આટલી બધી રમતો, આટલા બધા દેશના, આટલા બધા ખેલાડીઓ સાથે એક જ દેશ, એક જ સ્થળે રમાતી હોય તેવું માત્ર ને માત્ર ઓલિમ્પિકમાં સંભવ થાય છે. ઓલિમ્પિકના પુત્ર સમાન કોમનવેલ્થ અને પૌત્ર સમાન એશિયાડ ગેમ્સમાં પણ રમતો અને ખેલાડીઓનો મેળાવડો જામે છે.

ઓલિમ્પિકથી ખેલાડીઓ સાથે દેશનું પણ માન-સન્માન વધે છે. હાર-જીત કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ સાથે ખેલાડીઓની ભાવના જોડાયેલી હોય છે. આપણા દેશના ખેલાડીઓ પણ વિવિધ રામતોમા સ્પર્ધામાં ઉતાર્યા હતા. કેટલાકના ભાગે મેડલ આવ્યા તો કેટલાક ચુક્યા છે. મોટેભાગે આવી ઇવેન્ટ પછી ખેલાડીઓ, તેમના કોચ, તેમના ફેડરેશન સાથે સરકારો પર માછલાં ધોવાતાં હોય છે જે સ્વાભાવિક છે કારણકે આટલા વિશાળ દેશમાં ઓલિમ્પિક ચંદ્રકનો તોટો જ રહે છે. ના, આપણે એવા કોઈ કારણો અને તારણો પર વાત નથી કરવી.

tokyo olympics update

આપણા ખેલાડીઓ માટે ટોકિયો ઓલિમ્પિકની ફલશ્રુતિ ખુબ જ પ્રોત્સાહક રહી છે. એક સમયે આપણા સમયની રાષ્ટ્રીય રમત હોકી પુનઃજીવિત થઇ છે. મેન અને વિમેન બંને ટીમોએ સેમી ફાઇનલ પ્રવેશ કરીને ઇતિહાસ તો રચ્યો જ છે સાથે ક્રિકેટ પાછળ ઘેલા રહેતા નાગરિકોને, દર્શકોને આકર્ષ્યા તો ચોક્કસ છે. ધન્ય તો એ માં-બાપ, પેરન્ટ્સ અને યુવા-યુવતી ખુદ છે જે ક્રિકેટની ચમક-દમક, રૂપિયાની લાલચ છોડી અન્ય રમતોમાં મહેનત કરે છે, પરસેવો પાડે છે અને લોહી સુધ્ધાં વહાવે છે.

આ પણ વાંચોઃ Surya pooja: 4 વર્ષ પછી સૂર્ય પૂજાનો આજે વિશેષ યોગ, તે પછી 2024માં આ સ્થિતિ બનશે

હોકીને જોમ અને જુસ્સો ફરી પ્રાપ્ત થયો તે માટે માં-બાપ, પેરન્ટ્સ અને યુવા-યુવતી સાથે સરકારના પ્રામાણિક અધિકારીઓ અને પક્ષ-વિપક્ષના કેટલાક નેતાઓ પણ અભિનંદનને પાત્ર છે. પ્રજાની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખી, નવા પ્રાપ્ત જુસ્સાના છોડને સિંચવા સરકારે ભારતીય હોકી લેજન્ડ મેજર ધ્યાનચંદને માનમાં ખેલ રત્ન એવોર્ડનું નામ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જાહેર કર્યું છે. એવોર્ડ અને એવોર્ડ પ્રાપ્ત કરનાર બંને સન્માનિત થયા છે ત્યારે આ એવોર્ડ સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ જોડાયેલું હતું તેથી કોંગ્રેસીઓ તેમજ તેમના સમર્થકોએ દુઃખ વ્યક્ત કર્યું છે.

દુઃખ તો આપણા ખેલાડીઓને પણ થયું છે. મેરી કોમ કે વિમેન હોકી ટીમની ખેલાડીઓને રડતા જોયા છે. અન્ય રમતોના સ્પર્ધકોને નિરાશ વદને નિહાળ્યા છે. આ આંસુ, આ દુઃખ તેમની હાર માટે ન હતા, હાર તો દરેક સ્પર્ધકના હિસ્સામાં આવે જ છે. શું મેરી કોમ પહેલી વાર હારી હતી ? વિમેન્સ હોકી ટીમે પહેલી વાર હારનો સ્વાદ ચાખ્યો હતો ? બધા જ ખેલાડીઓ જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે હાર રમતનું પાસું છે.

આ આંસુ અને આ દુઃખ દેશદાઝને કારણે હતા. દેશને મેડલ ન અપાવી શકવાને કારણે હતા. આ આંસુ બહુમૂલ્ય છે કારણ તેની પાછળ એક પદક ગુમાવવાનું દુઃખ નહિ પરંતુ દેશ માટે ચુક્યા હોવાનો રંજ હતો. આજે ૧૫મી ઓગસ્ટ, દેશ ૭૫માં સ્વતંત્ર વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે યુવાઓની આ દેશદાઝ નેતાઓને, નાગરિકોને સ્પર્શે તો આ વર્ષ ખરા અર્થમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓ પ્રત્યે સન્માનિત લેખાશે.  

આ પણ વાંચોઃ 75th independence day: સુરક્ષાદળોના ૧૩૮૦ જવાનોને પુરસ્કારો અપાશેઃ કાશ્મીરમાં આતંકીઓ સામે પરાક્રમ બતાવનારા છ અધિકારીઓને શૌર્યચક્ર અપાશે

અમૂલ્ય આઝાદીનું જતન કરવાની જવાબદારી ફક્ત સૈનિકોની નથી, આ આપણા સૌની ફરજ છે. આ ફરજ પક્ષાપક્ષી કે રાજકારણથી પર છે, રાજકીય વિચારધારા ગમે તે હોય, કોઈ નેતા પસંદ કે નાપસંદ હોય, ધર્મ-જાતિ ગમે તે હોય પરંતુ દેશની સ્વતંત્રતા સાથે સમજૂતી કોઈ કાળે ન થવી જોઈએ. ફક્ત શાસક પસંદ ન હોવાથી રાજ દાવ પર ન લગાવી શકાય. ગમે તેમ પરંતુ શાસક આપણા જ દેશની બહુમતી પ્રજાએ ચૂંટેલો, સ્વીકારેલો, પસંદ કરેલો હોય છે. લોકશાહીમાં શાસક-વિપક્ષ બદલાતા રહેતા હોય છે તેથી દેશ વિરોધી તત્વો સાથે હાથ મિલાવવા, દેશનું અહિત થાય તેવા કૃત્ય કરવા, દેશની બદનામી થાય તેવા પ્રપંચો રચવા એ સ્વતંત્રતાના કિલ્લા પર હુમલો કરવા સમાન છે, ભલે તેનાથી કિલ્લો ધ્વસ્ત નથી થતો પરંતુ કમજોર તો થાય જ છે. વિરોધ એક વાત છે, વિદ્રોહ બીજી વાત છે. આંદોલન લોકશાહીનું અંગ છે પરંતુ આંદોલનમાં રાષ્ટ્રઘ્વજનું અપમાન વિદ્રોહ છે, વિરોધ નહિ. આશા રાખીએ ખેલાડીઓના આંસુઓ વ્યર્થ નહિ જાય.

Whatsapp Join Banner Guj