Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swamiji ni vani Part-39
Kind of wealth: સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે.

ભગવાન ભગવદ્ગીતામાં કહે છે કે, કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકનાં, યાતનાનાં દ્વારો છે. આથી તેમનાથી મુક્ત થયેલો મનુષ્ય જ પોતાનું શ્રેય અર્થાત્ કલ્યાણ કરી શકે છે. જ્યાં સુધી મારા જીવનનું સંચાલન આ કામ વગેરે આવેગોથી થાય છે ત્યાં સુધી મારા જીવનમાં યાતનાઓ, દુઃખ અને અંધકાર એટલે કે અજ્ઞાનનું પ્રાધાન્ય રહે છે. આ ત્રણ આવેગોમાંથી મુક્ત થાઉં ત્યારે મારા કલ્યાણનો માર્ગ હું પોતે જ ખોલું છું અને જીવનના પરમ ધ્યેયને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધું છું.
એવું નથી કે માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે જ મનુષ્યે આ ત્રણ દુવૃર્ત્તિઓથી મુક્ત થવું જરૂરી છે; વ્યાવહારિક સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ આમ કરવું આવશ્યક છે, કેમ કે જ્યારે જ્યારે આમાંની એક પણ વૃત્તિ મારા મનમાં હોય ત્યારે ત્યારે હું દુઃખનો અનુભવ કરતો હોઉં છું, મનની શાંતિ ગુમાવતો હોઉં છું. તેથી વ્યાવહારિક સુખ-શાંતિ મેળવવાનો પણ આ એક જ ઉપાય છે કે કામાદિ આવેગોથી મનને મુક્ત કરવું.
જે માણસે ધનવાન થવું હોય તેણે ધન પ્રાપ્ત કરવું પડે. જેને સત્તાવાન થવું હોય તેણે સત્તા મેળવવી પડે. પ્રતિષ્ઠાવાન થવું હોય તેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ જેને સુખી થવું હોય તેણે શું કરવું જોઈએ ? એણે કશું જ પ્રાપ્ત કરવાની જરૂર નથી. એણે તો કશાકનો ત્યાગ કરવાની જરૂર છે; કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરવાની જરૂર છે.
સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે. કુરુક્ષેત્રમાં લડાયેલું પાંડવો અને કૌરવોનું યુદ્ધ એ દૈવી અને આસુરી સંપત્તિના સંઘર્ષનું પ્રતીક છે. પ્રત્યેક માનવીના હૃદયમાં દૈવી-આસુરી સંપત્તિનો સંઘર્ષ ચાલતો હોય છે. હૃદયમાં જ્યારે દૈવી સંપત્તિનો પ્રભાવ હોય ત્યારે સુખ માટેનો માર્ગ ખૂલી જાય છે. આપણું જીવન આધ્યાત્મિક હોય કે ન હોય છતાં પણ માત્ર સુખી થવું હોય તો પણ બાહ્ય સંપત્તિથી સુખ પ્રાપ્ત થતું નથી, આંતરિક કે દૈવી સંપત્તિથી જ સુખ પ્રાપ્ત થાય છે.
આ દૈવી સંપત્તિ કેમ પ્રાપ્ત કરવી ?
દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવાની નથી. દરેકેદરેક મનુષ્ય સ્વભાવથી દૈવી જ છે. આ દેવ પ્રત્યેકના હૃદયમાં બેઠેલો છે. સ્વામી વિવેકાનંદજી કહેતા : ‘મનુષ્યો ! તમે તો અમૃતના પુત્રો છો. તમે તો દેવતાના પુત્રો છો.’ અર્થાત્ સ્વભાવથી દેવતા છો. કોઈ માણસ જો અસુરની જેમ વર્તન કરતો જણાય તો એનું કારણ એ નથી કે તે સ્વભાવથી અસુર છે, પરંતુ કોઈ કારણસર આસુરી વૃત્તિઓએ એના ઉપર કબજો જમાવ્યો છે. તેથી પેલું જે દેવત્વ છે તે ઢંકાઈ ગયું છે. એટલે માનવીએ જે કાંઈ કરવાનું છે તે એટલું જ કે આસુરી વૃત્તિઓનો ત્યાગ કરવો.
આ પણ વાંચો:- Bhagavad Gita: જીવનનું ધ્યેય સિદ્ધ કરવા આપણે આપણા જીવનનું યોગ્ય સંચાલન કેમ કરવું ?
ગીતાના સોળમા અધ્યાયમાં આ દૈવી અને આસુરી બન્ને પ્રકારની સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આસુરી સંપત્તિ એ બંધનનો માર્ગ છે અને દૈવી સંપત્તિ મોક્ષ અર્થાત્ મુક્તિનો માર્ગ ખુલ્લો કરે છે.
દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન આ બધી આસુરી સંપત્તિ છે. અંદર કાંઈક હોય અને બહાર કાંઈક બતાવવું, જે ન હોય તે પ્રદર્શિત કરવું એનું નામ દંભ. એસ.એસ.સી. પાસ હોય અને કહે કે ‘હું એમ.એ. થયેલો છું’. પગાર મળતો હોય રૂ. ૩૦૦ અને કહે કે ૧૨૦૦ મળે છે. આ બધો દંભ છે. દર્પ એટલે ધન, પરિવાર આદિ નિમિત્તથી થનાર ગર્વ; પોતાના વિષે અત્યંત ઊંચો ખ્યાલ તે અભિમાન; ક્રોધ એટલે કઠોર વચન બોલવાં તે અને અજ્ઞાન; આ બધી આસુરી સંપત્તિ છે.

જ્યારે અભય, આચરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં નિરંતર સ્થિતિ, દાન, ઇન્દ્રિય-સંયમ, યજ્ઞ, સ્વાધ્યાય એટલે કે વેદપઠન, તપ, ઋજુતા અર્થાત્ સરળતા, વિચાર-વાણી-વ્યવહારની એક-વાક્યતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, બીજાના દોષોની ચાડી ન ખાવી તે, જીવમાત્ર પ્રત્યે દયા, વિષયો પ્રત્યે અલોલુપતા, કોમળતા, લજ્જા અને અચપળતા અર્થાત્ પ્રયોજન વગર ઇન્દ્રિયોની, વાણીની ચેષ્ટા ન કરવી તે, આ સર્વને ભગવાન દૈવી સંપત્તિ કહે છે. બહુ લાંબી યાદી છે,
પરંતુ આપણને સરળતા કરી આપવા ભગવાન છેલ્લે કામ, ક્રોધ અને લોભ – આ ત્રણ ઉપર જ ધ્યાન આપવા અને તેમનો ત્યાગ કરવા જણાવે છે. આ ત્રણનો ત્યાગ કરવાથી અંતરમાં જે દૈવી સંપત્તિ સ્વભાવથી જ સંઘરાયેલી છે તેને વ્યક્ત થવાની મોકળાશ મળશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો