Mohini ekadashi

Mohini Ekadashi: મોહિની એકાદશી વ્રતનું મહત્વ અને માન્યતાઓ વિષે જાણો

Mohini Ekadashi: આજે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુનાં મોહિની રૂપની પૂજા થાય છે.

Mohini ekadashi vaibhavi Joshi

Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે પણ એમાંય વૈશાખ મહિનો અત્યંત ખાસ મનાય છે. આ વૈશાખ મહિનો મહદંશે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે. વૈશાખ મહિનામાં આપણા કેટલાંય ધાર્મિક પર્વોની વણઝાર જોવા મળે છે. આ વૈશાખ મહિનામાં શ્રી હરિનાં ઘણા ખરાં અવતારોની જયંતિ ઉજવાય છે. આજે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુનાં મોહિની રૂપની પૂજા થાય છે. ત્યારબાદ નૃસિંહ જયંતિ અને પછીનાં દિવસે વૈશાખ સુદ પૂનમ એટલે કે શ્રી વિષ્ણુનાં બીજા અવતારની કૂર્મ જયંતિ અને એના ૨ દિવસ પછી નારદ જયંતિ અને મહિનાનાં અંતમાં અપરા એકાદશી પણ આવશે.

આમ તો અમારા સિડનીનાં સમયાનુંસાર અગિયારસ તિથિનો પ્રારંભ આજે બપોરે ૩:૫૨ મિનિટે થઈ ગયો હતો જે આવતી કાલે સાંજે ૬:૨૦ મિનિટ સુધી રહેશે પણ શાસ્ત્રોમાં સૂર્યોદયની તિથિ માન્ય ગણવામાં આવતી હોવાથી આ એકાદશી આવતી કાલે રવિવારે ઉજવાશે. આ એકદાશી સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે જે ઘણી રસપ્રદ છે તો મને થયું આજે થોડું એના વિશે પણ જણાવું.

આ એકાદશીનો સીધો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. આ મહત્વપૂર્ણ ઘટના એટલે સમુદ્રમંથન. તો ચાલો આજે જરા એમાં ઊંડા ઉતરીએ. વિષ્ણુ પુરાણ અનુસાર સમસ્ત જગતમાં દેવો અને દાનવો પૈકી કોનું વર્ચસ્વ યથાવત્ રહેશે તે બાબતનો એકમાત્ર ઉકેલ સમુદ્રમંથન હતો. એ સમયે મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને દોરડાં તરીકે સ્વીકારવામાં આવ્યા.

પર્વતને આધાર આપવા માટે વિષ્ણુ ભગવાને કશ્યપનો અવતાર ધારણ કર્યો અને સમુદ્રમંથન રચાયુ. દેવોએ વાસુકી નાગનો પૂચ્છનો ભાગ અને દાનવોએ નાગનો મુખનો ભાગ પસંદ કર્યો હતો. સમુદ્રમંથનમાં એક પછી એક એમ ચૌદ રત્નો પ્રાપ્ત થયાં. જેમાં ચૌદમું રત્ન અમૃતને લઈને જ્યારે ધન્વંતરિ દેવ બહાર નીકળે છે ત્યારે દૈત્યો તેમના હાથમાંથી કળશ ઝૂટવી લે છે.

ક્યારેક દેવતા કળશ લઈને ભાગતા તો ક્યારેક અસુર. આમ દેવો અને દૈત્યો બંને આ અમૃત ગ્રહણ કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા. વિવાદ વધતો જોઈ શ્રી વિષ્ણુએ આ સમસ્યાનું સમાધાન કાઢ્યુ અને નારાયણે સ્વયં મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃત પીવડાવવાની જવાબદારી લઈ લીધી. વિષ્ણુ ભગવાન જયારે મોહિની સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મોહિનીનું અત્યંત સુંદરરૂપ જોઈને તમામ અસુર એમની પર મોહિત થઈ જાય છે.વિષ્ણુ ભગવાન મોહિનીનાં રૂપમાં દૈત્યોને મોહિત કરી એમની પાસેથી અમૃતનો કળશ લઈ લે છે.

આ પણ વાંચો:- Election Commission seizure: ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન લગભગ 9,000 કરોડ રૂપિયા જપ્ત કર્યા

ભગવાન વિષ્ણુ જાણતા હતા કે જો અસુરોએ અમૃતપાન કરી લીધુ તો તેઓ અમર થઈ જશે અને સમગ્ર સૃષ્ટિ પર સંકટ આવી જશે. મોહિનીનાં રૂપ પાછળ ભ્રમિત થયેલા અસુરો એને પામવાની ઘેલછામાં એવા તો મોહપાશમાં બંધાય છે કે અમૃતની આખીય ઘટના થોડી ક્ષણો માટે વિસરાઈ જાય છે. પોતાના મનમોહક નૃત્ય દ્વારા અસુરોને ભ્રમિત કરી ચુકેલી મોહિની ધીરે ધીરે એમને પોતાની માયાજાળમાં બાંધવાનું શરુ કરે છે. શાસ્ત્રીય નૃત્ય મોહિનીઅટ્ટમ આજ મોહિની સ્વરૂપ પર આધારિત છે.

મોહિની દેવો અને દૈત્યોને એક જગ્યાએ એકત્ર કરી દૈત્યોનાં ગુણગાન ગાવાના શરુ કરે છે. અમૃત પર માત્ર દેવતાઓનો અધિકાર નથી એવું પ્રસ્થાપિત કરી આ અમૃત બંનેમાં સમાનપણે વહેંચાવું જોઈએ એવી વાત રજુ કરે છે. દેવતાઓ અતિથિ છે એમ કહી પહેલા એમને અમૃત પીરસાવું જોઈએ એમ પણ જણાવે છે. મોહિનીનાં મોહપાશમાં જકડાયેલા અસુરોને એ વખતે બહુ બુદ્ધિ દોડતી નથી અને મોહિની કહે એમ કરવા રાજી થઈ જાય છે. ભગવાન વિષ્ણુએ મધુર ગીત ગાતા અને નૃત્ય કરતાં દેવતા અને અસૂરોને અમૃતપાન કરાવવાનો આરંભ કર્યો.

હકીકતમાં તો મોહિની અમૃતપાન માત્ર દેવતાઓને જ કરાવી રહી હતી, જ્યારે અસુર સમજી રહ્યાં હતાં કે તેઓ પણ અમૃત પી રહ્યાં છે. એક તરફ દેવતા અમૃતપાન કરી રહ્યા હતા અને બીજી તરફ મોહિનીનાં માયાજાળમાં ફસાયેલા અસુરો પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ બધા અસુરોમાં એક અતિ ચતુર અસુર હતો સ્વરભાનું, તે ભગવાન વિષ્ણુની આ યુક્તિ સમજી જાય છે અને દેવતાનું રૂપ ધારણ કરીને ચૂપચાપ અમૃત ગ્રહણ કરવા માટે દેવતાઓની મધ્યમાં જઈને બેસી જાય છે. ચંદ્ર અને સૂર્ય સ્વરભાનુને ઓળખી જાય છે અને તમામ વૃતાંત શ્રી વિષ્ણુને જણાવે છે.

આ વાતની જાણ થતાં નારાયણ અત્યંત ક્રોધિત થાય છે અને સુદર્શન ચક્રથી આ દૈત્યનો શિરચ્છેદ કરી નાખે છે. જો કે તે અસુરે અમૃતનાં અમુક ટીપા ગ્રહણ કરી લીધા હતા તેથી તેઓ રાહુ અને કેતુ તરીકે અમર થઈ ગયા. આ દૈત્યનું માથુ રાહુ અને ધડ કેતુ કહેવાયુ. તેમના અડધા શરીરમાં અમૃત પહોંચવાને કારણે તેઓ અર્ધમાનવ અને અર્ધસર્પ તરીકે છે. સ્કંદ પુરાણનાં અવંતિ વિભાગ અનુસાર, રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહો છે. રાહુનાં પ્રમુખ દેવતા કાલ છે જ્યારે કેતુના પ્રમુખ દેવતા ચિત્રગુપ્ત છે. શાસ્ત્રોમાં રાહુને સાપનું માથું અને કેતુને તેની પૂંછડી તરીકે વર્ણવવામાં આવી છે.

આમ તો ભોળાનાથને રિઝવવા સૌથી સરળ હોય છે અને આ જ કારણે મોટાં ભાગનાં અસુરો ભગવાન શિવની વિશેષ આરાધાના કરતા હોય છે. આપણે પણ અનેક પૌરાણિક કથાઓમાં સાંભળ્યું જ છે કે અસુરે ભગવાન શિવને રિઝવીને વરદાન લઈ લીધું અને ત્યારબાદ આ વરદાનનો દુરુપયોગ કર્યો. શ્રી વિષ્ણુનાં મોહિની રૂપ સાથે શિવજી દ્વારા ભસ્માસુર નામના અસુરને અપાયેલાં વરદાનને સાંકળી લેતી એક પૌરાણિક કથા પણ અત્યંત પ્રચલિત છે. તો ચાલો આજે એના વિશે પણ થોડું જાણીએ.

ભસ્માસુર નામના અસુરે શંકર ભગવાનની વિશેષ પૂજા અને આરાધના કરીને તેમની પાસેથી વરદાન માંગ્યું. કહેવાય છે કે ભસ્માસુર ભગવાન શિવનાં પરમ ભક્તોમાંથી એક હતો. ભસ્માસુર શંકર ભગવાનની ઘોર તપસ્યા કરી. જે બાદ શિવજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ભસ્માસુરે તેમને અમરત્વનું વરદાન આપવાનું કહ્યું. જો કે શિવજીએ તેની અસુર પ્રવૃત્તિ જાણીને તેને અમરત્વ સિવાયનું કોઈ વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તેણે વરદાન માંગ્યું કે તે જેના માથા પર પોતાની આંગળી મૂકે તે બળીને ભસ્મ થઇ જાય. ત્યારે શંકર ભગવાને તેને આ વરદાન આપ્યું.

buyer ads

વરદાન મળ્યા બાદ તે કૈલશ પર્વત પર ભગવાન શિવનો આભાર માનવા જાય છે. જ્યાં તે માતા પાર્વતીને જોઈને તેમની પર મોહી પડે છે. ત્યારબાદ ભસ્માસુર પોતાના વરદાન દ્વારા ભગવાન શિવને જ મારી નાંખવાનો વિચાર કરે છે. તે જ્યારે ભગવાન શિવનાં માથા પર આંગળી મૂકીને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે શિવજી અદ્રશ્ય થઈ જાય છે. એ પછી ભગવાન શિવ જ્યાંજ્યાં જાય છે ભસ્માસુર તેમનો પીછો કરે છે અને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે. અને દર વખતે શિવજી અદ્રશ્ય થઇ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા શિવજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને આ સમસ્યાનું નિરાકરણ શોધવાનું કહે છે.

ભગવાન વિષ્ણુ શિવની મદદ કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરે છે. અને તે ભસ્માસુર સમક્ષ જઈને તેને રિઝવે છે. ભસ્માસુર મોહિનીને પોતાની જોડે લગ્ન કરવાનું કહે છે. જે માટે મોહિની શરત મૂકે છે કે ભસ્માસુરને તેની જ જેમ નૃત્યુમાં પારંગત થવું પડશે. જો તે સારું નૃત્ય કરતા શીખી જશે તો તે તેની જોડે લગ્ન કરશે. ભસ્માસુર પણ મોહિનીથી નૃત્યુ શીખવા તૈયાર થઇ જાય છે. બન્ને જણા નૃત્ય કરવા લાગે છે. જ્યારે ભસ્માસુર નૃત્ય શીખવામાં મગ્ન થઈ જાય છે ત્યારે મોહિની તેને એક એવી મુદ્રા કરવાનું કહે છે જેમાં તે પોતાના માથા પર પોતાની આંગળી મૂકે. જ્યારે ભસ્માસુર આ દ્વારા પોતાની આંગળી માથા પર મૂકે છે ત્યારે તે બળીને ભસ્મ થઇ જાય છે. અને આ રીતે ભસ્માસુરનો અંત થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *