CM bhupendra Patel

9 Years Of Modi Government: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

9 Years Of Modi Government: આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી

ગાંધીનગર, 1 જૂન: 9 Years Of Modi Government: 26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે.

તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથમિકતાના ધોરણે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા.

છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન તરીકે મોદીના નેતૃત્વમાં ગુજરાતના નાગરિકોને અનેક સુકાર્યોની ભેટ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાનએ દર્શાવેલા પથને અનુસરીને રાજ્યની વિકાસની ગતિને આગળ વધારી રહ્યા છીએ.

આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલી કેટલીક મોટી ભેટ વિશે માહિતી મેળવીએ.

સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી

વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.

વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી

વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800 કરોડ આપવાનું નક્કી કર્યું.

બુલેટ ટ્રેન

14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.

સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના

ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી.

રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ

આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય દરજ્જો

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય મહત્વ આપીને બંનેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હવે આ યુનિવર્સિટીઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) તરીકે ઓળખાય છે.

AIIMS, રાજકોટ

ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ (પવન ઊર્જા + સૌર ઊર્જા) ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP)- રાજકોટ

લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) સુધી રેલવે કનેક્ટિવિટી

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટ આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રવાસીઓ માટે અહીંયા 12 નવા પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર

મે, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.

GIFT સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ

ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂલાઈ, 2022માં ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ IIBX એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો. સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.

તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી

જૂલાઇ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ લાઇન તૈયાર થતા શ્રદ્ધાળુઓ અને ભાવિકો સરળતાથી પોતાના ધર્મસ્થાને જઇ શકશે.

રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ, 2022માં ભારતીય રેલવે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં હજારો નોકરીઓની તકો ઊભી થશે.

ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ

ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભરૂચ ખાતે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહુર્ત કર્યું હતું. આ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

ભારતમાલા પરિયોજના

ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.

ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે.

જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.

સ્માર્ટ સિટી મિશન

ભારત સરકાર દ્વારા જૂન 2015માં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

નવસારીમાં PM મિત્ર પાર્ક

કેન્દ્ર સરકારની પીએમ મિત્ર યોજના અન્વયે નવસારીના વાંસી-બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ

26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

વીર બાળ સ્મારક, અંજાર

26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં અંજાર શહેરના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ બાળકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીર બાળ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

સાબર ડેરી ચીઝ પ્લાન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂલાઈ 2022માં સાબર ડેરીના 3 નવા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.

ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ

ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે.

સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ

અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ થવા નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓની સગવડ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓગસ્ટ 2022માં આ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)

ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે રૂ.3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના સમૃદ્ધ દરિયાઇ વારસાને રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ઝડપથી કામગીરી કર રહી છે.

અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્યો

  • અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.
  • પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
  • સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સરકીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે.

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે, જૂનાગઢ

ઓક્ટોબર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ મા અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. આ રોપ-વે ને કારણે ગિરનાર પર્વતના પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં જ માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે.

એસ્ટોલ પ્રોજેક્ટ

જૂન, 2022માં વડાપ્રધાનએ ગુજરાતના વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટ રાજ્યની જનતાને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચાડી રહ્યો છે.

એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ એક ચમત્કાર છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ (1837 ફીટ)ની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ રાજ્યો-પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીકથી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.

છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.
  • સપ્ટેમ્બર 2022માં રૂ.12 હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
  • સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન.
  • સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
  • સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાનએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.
  • ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ.
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
  • ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.
  • ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ
  • ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
  • ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
  • ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
  • ઓક્ટોબર, 2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
  • કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
  • ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ, રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ
  • મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

આ પણ વાંચો… Floating Restaurant on Riverfront: રિવરફ્રન્ટની નવી ઓળખ બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં, જાણો શું હશે ચાર્જ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો