Completion and launch of developments in Saurashtra

Completion and launch of developments in Saurashtra: આજે વડાપ્રધાનના હસ્તે ભાવનગરમાં રુ.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

Completion and launch of developments in Saurashtra: નવરાત્રિનું આ પર્વ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા માટે નવલા વિકાસનું પર્વ બન્યું છે- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ભાવનગર, 29 સપ્ટેમ્બરઃ Completion and launch of developments in Saurashtra: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદબોધનની શરુઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાનએ ઉપસ્થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્યો છું. ભાવનગરે આજે મારા પર જે આશીર્વાદ વરસાવ્યા છે તેને હું કયારેય નહીં ભુલી શકુ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સૌ લોકોને મારા શત શત નમન. આજનો આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે.


આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનાં લોકાપર્ણ અને શિલાન્યાસ થઇ રહ્યા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડુતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે. વડાપ્રધાનએ વધુ ઉમેરતા કહ્યુ હતુ કે, ગત બે અઢી દાયકામાં જે ગૂંજ વડોદરા, સુરત અને અમદાવાદની રહી છે તેવી ગૂંજ હવે ભાવનગર, રાજકોટ અને જામનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધિ અંગેનો મારો આ વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે, અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન એમ ત્રણેય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ છે. આજનો કાર્યક્રમ આ જ દિશામાં ડબલ એન્જિન સરકારના પ્રયાસનો જીવતો જાગતો પુરાવો છે.

Completion and launch of developments in Saurashtra 1


ભાવનગર એ દરિયાકાંઠો ધરાવતો જિલ્લો છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. પરંતુ આઝાદી બાદ દાયકાઓ સુધી દરિયાકાંઠાના વિકાસ પર ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ સમુદ્રકિનારો લોકો માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો સમુદ્રનું ખારું પાણી આ વિસ્તાર માટે અભિશાપ બની ગયુ હતું અને દરિયાકાંઠે વસેલા ગ્રામ્ય વિસ્તાર ખાલી થઇ ગયા હતા અને લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું અને તેમને તેમના ગુજરાન માટે વિકટ સ્થિતિનો સામનો કરવો પડતો હતો. છેલ્લા બે દાયકામાં સરકારે રોજગારના અનેક અવસર ઉભા કર્યા છે ગુજરાતમાં અનેક બંદરોને વિકસિત કરવામાં આવ્યા છે અને બંદરોનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આજે ત્રણ મોટા LNG ટર્મીનલ છે, પેટ્રોકેમિકલ હબ છે, આ ઉપરાંત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જયા LNG ટર્મીનલ બનાવવામાં આવ્યુ હતું.


વડાપ્રધાનએ મત્સ્યોદ્યોગના વિકાસ વિશે જણાવતા કહ્યુ હતુ કે, માછીમાર ભાઇ-બહેનોની મદદ માટે ફિશીંગ હાર્બર તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત સમુદ્રકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રુવના જંગલોનો વિકાસ કરી કોસ્ટલ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે. એકવા કલ્ચરના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગુજરાત દેશના એ અગ્રગણ્ય રાજ્યોમાંથી એક છે, જ્યાં સી વીડની ખેતી માટે ઘણા પ્રયાસો થયા છે. આજે ગુજરાતનો દરિયાકાંઠો દેશની આયાત-નિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો હિસ્સો બન્યો છે અને લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે.

Completion and launch of developments in Saurashtra 2


ગુજરાતનો દરિયાકાંઠો અત્યારે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો પર્યાય બનીને ઉભરી રહ્યો છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત અને દેશની ઉર્જાની જરુરિયાતો માટે આ વિસ્તાર મોટું હબ બન્યો છે. સૌર ઉર્જાના અનેક પ્રોજેક્ટ પણ આ વિસ્તારમાં આકાર પામ્યા છે પાલિતાણામાં લોકાર્પિત થનારા સોલાર પાવર પ્રોજેકટના કારણે આ વિસ્તારના અનેક લોકોને સસ્તી અને પૂરતી વીજળી મળશે.

આ પણ વાંચોઃ CM gau pooshan yojana: વડાપ્રધાન અંબાજી ખાતે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે
ધોલેરામાં રીન્યુએબલ એનર્જી, સેઝ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જે રોકાણ આવી રહ્યું છે તે ભાવનગર માટે પણ લાભદાયક પુરવાર થશે અને અમદાવાદ-ધોલેરા-ભાવનગર ક્ષેત્ર, વિકાસની નવી ઊંચાઈઓ પામશે. બંદર તરીકે ભાવનગરના અગત્યપણાની વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ભાવનગરનો પોર્ટ લેક ડેવલપમેન્ટમાં અગત્યના કેન્દ્ર તરીકે વિકાસ કરી તેને દેશના અલગ-અલગ ઔદ્યોગિક ક્ષેત્રો સાથે મલ્ટી મોડેલ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. પીએમ ગતિ શક્તિ સહિતની યોજનાઓ ભાવનગરની કનેક્ટિવિટીની યોજનાઓને નવું બળ આપશે. જેના પરિણામે ભાવનગરનું આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.

રોજગારના અનેક અવસર ઉભા કરવાની દિશામાં ભાવનગરની ભૂમિકા અને સંભાવનાઓ વિશે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યુ હતુ કે, આ બંદર ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેઇનરનું ઉત્પાદન, ધોલેરા સર જેવા મોટા પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂરા કરશે. શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર અલંગને દેશમાં લાગુ થનારી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી વધુ લાભ થશે અને જહાજો ઉપરાંત નાના વાહનોના સ્ક્રેપિંગ હબ તરીકે પણ તેનો વિકાસ કરવામાં આવશે. દુનિયા આજે કન્ટેઇનરોના વિશ્વાસપાત્ર સપ્લાયરની શોધમાં છે ત્યારે ભાવનગર તેના ઉદ્યોગ સાહસિકો અને વ્યૂહાત્મક લોકેશનની મદદથી આ ભૂમિકા સુપેરે ભજવી શકે છે.

છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની પરિવહન સેવાઓમાં થયેલા અદ્દભૂત વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતુ કે, ઘોઘા-દહેજ ફેરી તેમજ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસ સહિતના નવા પ્રકલ્પોના કારણે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર ૪૦૦ કિમીથી ઘટીને ૧૦૦ કિમી થયું છે. આ સેવાઓના કારણે વાર્ષિક ૪૦ લાખ લિટરથી વધુ ઈંધણની બચત થાય છે અને ત્રણ લાખથી વધુ લોકો તેનો લાભ મેળવે છે. સૌરાષ્ટ્રની ગુજરાતના અન્ય ભાગો સાથેની કનેક્ટિવિટીમાં પણ અભૂતપૂર્વ સુધારો થયો હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતુ.

Completion and launch of developments in Saurashtra 3


વડાપ્રધાનએ સત્તાને સેવાનું માધ્યમ ગણાવતા જણાવ્યુ હતુ કે, અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય સત્તા સુખ નથી રહ્યું. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિકાસના રોડમેપ વિશે વાત કરતા તેમણે કહ્યુ કે આ વિસ્તારમાં માત્ર પરિવહન સેવાઓ જ નહીં પરંતુ પ્રવાસનને પણ ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના તટીય ક્ષેત્રોની આગવી સામુદ્રિક વિરાસતને જાળવી રાખીને આ વિસ્તારોમાં પ્રવાસનનો વિકાસ કરવાનો ઉદ્યમ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી પ્રાચીન બંદરો પૈકીના એક એવા લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે તેવો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ મેરિટાઇમ મ્યુઝિયમ વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જ પોતાની આગવી ઓળખ ઊભી કરશે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવશે.


પ્રધાનમંત્રીએ સરકારના પ્રયાસોથી સૌરાષ્ટ્રના ખેડૂતો અને માછીમારોના જીવનમાં છેલ્લા બે દાયકામાં આવેલા પરિવર્તનની વાત કરતા જણાવ્યુ હતુ કે, અગાઉ જાણકારીના અભાવે માછીમારોનું જીવન જોખમમાં મૂકાતું હતું જેને ધ્યાનમાં લઇ સરકારે દુર્ઘટના સમયે કોસ્ટ ગાર્ડની સહાયતા મેળવવામાં મદદરુપ થતી બાસ્કેટ ઉપલબ્ધ કરાવવા સહિતના પગલાં લીધા હતા. સરકારે માછીમારોના લાભાર્થે હોડીઓને આધુનિક બનાવવા માટે સબસીડી, ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવા સહિતના પગલા લઈ વિકાસની મુખ્ય ધારામાં જોડ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યુ કે, સૌની યોજના થકી નર્મદા મૈયાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા છે. આ વિકાસ કાર્યો થકી સરકાર દ્વારા વચન પાળી બતાવ્યામાં આવ્યા, રાજ્યમાં અવિરત વિકાસ યાત્રા ચાલે છે, વિકાસ કાર્યો થતાં રહે છે અને તે વિકાસ કાર્યો રોકાતા નથી. સૌરાષ્ટ્રના મહુવા, ગારિયાધાર, ખાંભા, અમરેલી, જુનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક સહિતના વિકાસ માટે ડબલ એન્જિન સરકાર કાર્યરત છે. વિવિધ યોજનાઓ થકી સરકાર સંસાધન પૂરાં પાડી રહી છે અને તેના ઉપયોગ થકી ગરીબ માણસ રોજગારી મેળવી ગરીબી નિર્મૂલન માટે મહેનત કરી રહ્યો છે. ગરીબ નાગરિકોના આશીર્વાદ એ વિશ્વાસ અને ઊર્જાના સ્ત્રોત સમાન છે. આ યોજનાઓ ભાવનગરની યુવા પેઢીનું ભાવિ નિશ્ચિત કરનારી છે.

ભાવનગરમાં અમલી થતી આ યોજનાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના નિર્માણમાં ઉપયોગી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરના પ્રખ્યાત નરશી બાવાના ગાંઠિયા અને પેંડા સાથે સંકળાયેલા સંસ્મરણો પણ તાજા કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, દરિયાકાંઠો ધરાવતો ભાવનગર જિલ્લો ઉદ્યોગ, આયાત અને નિકાસ માટે મોકાનું સ્થાન ધરાવે છે. રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ બ્રાઝિલને ગાય ભેટમાં આપી વિશ્વમાં ભાવનગરનું નામ ઉજાગર કર્યુ હતુ તેવી જ રીતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રુ.૪૦૨૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિશ્વનું સૌ પ્રથમ સી એન જી ટર્મિનલ એક નવું સિમાચિન્હ બનશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, ભાવનગર જિલ્લાના નવા મોઢિયા ખાતે રુ.૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ વિસ્તારમાં જી આઇ ડી સી ઔદ્યોગિક વિકાસ સાથે યુવા રોજગારીનું સક્ષમ માધ્યમ બનશે.


જળ વ્યવસ્થાપનના રાજ્યવ્યાપી નેટવર્કને વધુ મજબૂત કરવા સૌની યોજના લિંક અને જૂથ પાણી પુરવઠા પ્રોજેકટના રુ.૨,૦૪૭ કરોડના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં સર્વ વ્યાપી જળ વ્યવસ્થાપનના કાર્યો થયા છે. ભાવનગર ખાતેના સોલાર પાર્કની ભેટ આપી રહ્યા છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના વિસ્તાર પર ભાર આપવામાં આવ્યો છે. આમ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ કામો કરી રહ્યું છે.


આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા ચાંદીનો ગરબો, શાલ તેમજ પાઘડી પહેરાવી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી આર સી મકવાણાએ માતાજીની ચૂંદડી અને લોકભારતી સણોસરા દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની તસવીર ભેટ આપવામાં આવી હતી. ભાવનગરના સાંસદ શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રીમતી વિભાવરીબેન દવે, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ માતાજીની ચૂંદડી અને ભાવનગરની કલાકૃતિવાળી ભાતીગળ કોટી, ભાવનગરના મેયર, કિર્તીબાળા દાણીધારીયાએ દ્વારકાધિશની તસવીર, ભાવનગર જિલ્લાના હોદેદારો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની કાંસાની મૂર્તિ સહિત અમરેલી અને બોટાદના પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સ્મૃતિચિન્હો આપીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.


વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભા સ્થળે લોકગાયકશ્રી કિર્તીદાન ગઢવી, મેરામણ ભાઈ ગઢવી સહિતના કલાકારો દ્વારા સાહિત્યની મનોરંજક અને દેશભક્તિ ગીતોની કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને લોકોએ મનભરીને માણી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અને ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યમંત્રી આર.સી.મકવાણા, સાંસદ સી. આર.પાટીલ, ડૉ. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સર્વ કેશુભાઈ નાકરાણી, વિભાવરીબેન દવે, ભીખાભાઈ બારૈયા, જે.વી. કાકડીયા, આત્મારામભાઈ પરમાર, સૌરભભાઈ પટેલ, ભાવનગર મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ AAP demanded the removal of Naroda candidate: આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, નરોડા વિધાનસભાના ઉમેદવારને દૂર કરવા કાર્યકરોએ કરી રજુઆત

Gujarati banner 01