રાજ્યના 15 જિલ્લામાં કમોસમી વરસાદ, આજે પણ હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Rain 4
ફાઇલ ફોટો

અમદાવાદ,11 ડિસેમ્બર: શિયાળાની સિઝનમાં ઠંડીની સાથે હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ,ભરુચ, નવસારી, અરવલ્લી, રાજકોટ, સિહોર, પાલીતાણામાં કમોસમી વરસાદ નોંધાયો છે.

whatsapp banner 1

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે અને વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ, વડાલી અને ખેડબ્રહ્મા, પોશીના, ઇડર અને વિજયનગરમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને બટાટાનું વાવેતર થયું છે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા અને ઈસરોલમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યાં છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.