junagadh lili parikrama

Girnar Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમા 20 નવેમ્બરથી શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે તંત્ર સજ્જ

જૂનાગઢ, 18 નવેમ્બર: Girnar Lili Parikrama: ભક્તિ, પ્રકૃતિ અને શ્રદ્ધાના સંગમ સમાન ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા-2026નું આયોજન 20થી 24 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. લાખો ભાવિકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવહન, આરોગ્ય, પાણી, વીજળી, સ્વચ્છતા અને સુરક્ષા સહિતની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ 20 નવેમ્બરની મધ્યરાત્રિએ થશે.

WhatsApp Channel Follow કરો →

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શ્રદ્ધાળુઓને પરિક્રમાની શુભકામનાઓ પાઠવતાં પ્રકૃતિનું જતન કરવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને અન્ય કચરો જંગલમાં ન ફેંકવા, જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તેમજ નિર્ધારિત માર્ગ પર સમૂહમાં ચાલવા અનુરોધ કર્યો છે.

પીવાના પાણી માટે વિશેષ વ્યવસ્થા

Girnar Lili Parikrama: જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના જણાવ્યા મુજબ, પરિક્રમા માર્ગ પર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 33 બોર, 9 કૂવા, 7 હેન્ડપંપ અને 5,000 લિટરની ક્ષમતાવાળી 50 ટાંકીઓ કાર્યરત રહેશે. આ વ્યવસ્થા માટે 28 પંપ અને 30 ડી.જી. સેટ તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : – Rahul Gandhi: “ભારત આર્થિક સંકટ તરફ” — રાહુલ ગાંધીનો દાવો, ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલ

પાણીની ગુણવત્તા જાળવવા ક્લોરિનેશન અને નિયમિત પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ ઝોનમાં કર્મચારીઓ મોનિટરિંગ કરશે, જ્યારે 24 કલાક કંટ્રોલ રૂમ અને લેબોરેટરી પણ કાર્યરત રહેશે. મહાનગરપાલિકા દ્વારા ભવનાથ અને પાર્કિંગ વિસ્તારમાં પણ વધારાના પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે.

2,500થી વધુ શૌચાલયો અને સફાઈ વ્યવસ્થા

પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જાળવવા 200 સફાઈ કામદારો અને 17 સુપરવાઈઝરો 24 કલાક કામગીરી કરશે. કચરાના નિકાલ માટે પિકઅપ વાન, JCB, ટ્રેક્ટર અને ડમ્પર સહિતનાં વાહનો તૈનાત રહેશે.

શ્રદ્ધાળુઓ માટે 2,522 શૌચાલયો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત જાહેર શૌચાલય, મોબાઈલ ટોયલેટ અને પે-એન્ડ-યુઝ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ સુવિધાઓ રાખવામાં આવી છે.

આરોગ્ય સેવા માટે 11 દવાખાનાં

Girnar Lili Parikrama: પરિક્રમા માર્ગ પર 11 કામચલાઉ દવાખાનાં, 8 વધારાની મેડિકલ ટીમ, 6 સ્થળોએ એમ્બ્યુલન્સ અને 2 મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત રહેશે. નાકોડા UHC ખાતે વેન્ટિલેટર સહિતની કામચલાઉ ICU સુવિધા અને ટિંબાવાડી CHC ખાતે દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

વૃદ્ધ યાત્રાળુઓ માટે બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત તપાસની વ્યવસ્થા પણ રહેશે, જેથી જરૂરિયાતના સમયે તાત્કાલિક સારવાર મળી શકે.

450 એસ.ટી. બસો દોડાવાશે

શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસ.ટી. વિભાગ દ્વારા કુલ 450 બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ભવનાથ તળેટી માટે 50 મીની બસ, મુખ્ય શહેરો માટે 230 બસ અને અન્ય વિભાગની 170 બસોનો સમાવેશ થાય છે.

બસ સ્ટેશન પર 8 ક્યુ-લાઈન, 2 વધારાના રિઝર્વેશન કાઉન્ટર, GPS ટ્રેકિંગ, ડિજિટલ પેમેન્ટ અને 750થી વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

2,200થી વધુ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત

જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ, કાયદો અને વ્યવસ્થા જાળવવા આઠ ઝોનમાં 40 પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 7 DySP, 26 PI, 75 PSI, 900 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડ, 700 GRD, એક SRP કંપની અને એક SDRF પ્લાટૂનનો સમાવેશ થાય છે.

Girnar Lili Parikrama

બહારથી આવતા વાહનો માટે 4 એન્ટ્રી પોઈન્ટ, 2 જાહેર પાર્કિંગ અને 6 ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક અમલી રહેશે. CCTV મોનિટરિંગ, 3 ઈમરજન્સી રૂટ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.

જંગલ માર્ગ પર લાઈટિંગ અને કંટ્રોલ રૂમ

Girnar Lili Parikrama: વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગના સંકલનથી જંગલ માર્ગ પર 20 સ્થળોએ DG સેટ સાથે હંગામી સુરક્ષા લાઈટિંગ ગોઠવવામાં આવશે. માળવેલા ઘોડીની ટોચ પર પ્રથમ વખત DG સેટ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દત્ત ચોક ખાતે 20થી 24 નવેમ્બર દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જ્યારે જાંબુડી નાકા ફોરેસ્ટ ઓફિસ સામે ઇમરજન્સી ટ્રબલશૂટિંગ કેમ્પ પણ બનાવવામાં આવશે.

શ્રદ્ધાળુઓને પ્રકૃતિ જાળવવા અપીલ

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ (Girnar Lili Parikrama) જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બીડી, સિગારેટ કે અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી છે. ગિરનાર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર હોવાથી નિર્ધારિત પરિક્રમા માર્ગથી બહાર ન જવા અને સમૂહમાં જ ચાલવા પણ જણાવ્યું છે.

વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોને સાથે લાવવાનું ટાળવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. પરિક્રમા દરમિયાન લગભગ 70 સંસ્થાઓને પ્રસાદ, અન્નક્ષેત્ર અને સદાવ્રત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ગત વર્ષ 2025માં વરસાદને કારણે પરિક્રમાનું આયોજન થઈ શક્યું ન હતું. અગાઉ વર્ષ 2022માં આશરે 12.19 લાખ, 2023માં 16.25 લાખ અને 2024માં 7.84 લાખ યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો હતો. આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.