Surat Farmers online booking

Surat Farmers: સુરતના ખેડૂતો હવે મોબાઈલથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે

Surat Farmers: FFS એપ દ્વારા ટોકન સિસ્ટમ શરૂ; ડેપો અને મંડળીની લાંબી લાઈનોમાંથી મળશે મુક્તિ, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

WhatsApp Channel Follow કરો →

સુરત, 18 નવેમ્બર: Surat Farmers: સુરત જિલ્લાના ખેડૂતોને રવિ પાકની સિઝનમાં સમયસર અને સરળતાથી ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 13 નવેમ્બર, 2026થી FFS (Framework for Fertilizer Sale) એપ્લિકેશન મારફતે ટોકન સિસ્ટમ દ્વારા ખાતર વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ વ્યવસ્થા હેઠળ ખેડૂતો હવે પોતાના મોબાઈલ ફોનથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેથી ખાતર ડેપો કે સહકારી મંડળીઓ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલી ઓછી થશે અને ખેડૂતોને તેમની જમીન તથા પાકની જરૂરિયાત મુજબ ખાતર મળી શકશે.

Surat Farmers: નવી ટોકન વ્યવસ્થાનો લાભ માત્ર જમીનના માલિક ખેડૂતો પૂરતો મર્યાદિત નથી. ગણોતિયા, ભાડૂત અને ભાગિયાથી ખેતી કરતા ખેડૂતો, વન અધિકારપત્ર ધરાવતા ખેડૂતો, મંદિર, ટ્રસ્ટ કે સંસ્થાની જમીનમાં ખેતી કરતા ખેડૂતો તેમજ નદી કે ડેમની જમીનમાં ખેતી કરતા રાજસ્વ પત્રધારકો પણ એપ્લિકેશન મારફતે ખાતર ખરીદી શકશે.

આ પણ વાંચો : – H5N1 Vaccine: ભારતની પ્રથમ સ્વદેશી બર્ડ ફ્લૂ રસી 20 નવેમ્બરે લોન્ચ થશે

ટોકન કે એપ અંગે મુશ્કેલી હોય તો સંપર્ક કરો

ખેડૂતોને ટોકન મેળવવા અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી કે મૂંઝવણ હોય તો નજીકના ખાતર ડેપો, સહકારી મંડળી, તાલુકા ખેતીવાડી અધિકારી, નોડલ અધિકારી અથવા ગ્રામ્ય કક્ષાના ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

ખેતી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં સુરત જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી ખેડૂતોએ ગભરાવાની કે બિનજરૂરી ખાતરનો સંગ્રહ કરવાની જરૂર નથી. નવી ટોકન વ્યવસ્થાનો હેતુ ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત બનાવવા અને દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી ખાતર સરળતાથી પહોંચાડવાનો છે.

આ અંગેની માહિતી સુરતના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં આપવામાં આવી છે.