Delhi Drug Lab: દિલ્હીમાં ગેરકાયદે ડ્રગ્સ લેબનો પર્દાફાશ, 148 કિગ્રા અલ્પ્રાઝોલમ જપ્ત
Delhi Drug Lab: ગાઝીપુરમાં કમ્પ્યુટર દુકાનની આડમાં ચાલતી લેબ પર DRIનો દરોડો; 1,046 કિગ્રાથી વધુ કાચો માલ અને રસાયણો જપ્ત, એક આરોપીની ધરપકડ
નવી દિલ્હી, 18 નવેમ્બર: Delhi Drug Lab: ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દિલ્હીના ગાઝીપુરમાં કમ્પ્યુટર દુકાનની આડમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ઉત્પાદન લેબનો પર્દાફાશ કર્યો છે. 15 અને 16 નવેમ્બર દરમિયાન હાથ ધરાયેલા ઓપરેશનમાં 148 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ મિડિયેટ, 1,046 કિલોગ્રામથી વધુ કાચો માલ તથા રસાયણો અને 188 લિટર વધારાના રસાયણો તથા પ્રવાહી જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં લેબ ચલાવનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
DRIએ ગુપ્ત માહિતીના(Delhi Drug Lab) આધારે ગાઝીપુરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બહારથી કમ્પ્યુટર દુકાન જેવી દેખાતી જગ્યામાં ગેરકાયદે ડ્રગ્સ બનાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી રિએક્શન એપરેટસ, વોટર ચિલર, વેક્યુમ એક્ઝોસ્ટ મશીન સહિત ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ સાધનો મળી આવ્યા હતા.
મોટી માત્રામાં ડ્રગ્સ અને રસાયણો જપ્ત
દરોડા દરમિયાન અધિકારીઓએ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં કુલ 148 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ મિડિયેટ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા અંદાજે 1,046 કિલોગ્રામ કાચા માલ અને રસાયણો તેમજ 188 લિટર અન્ય રસાયણો અને પ્રવાહી પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- Surat Farmers: સુરતના ખેડૂતો હવે મોબાઈલથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે
H5N1 Vaccine: ભારતની પ્રથમ સ્વદેશી બર્ડ ફ્લૂ રસી 20 નવેમ્બરે લોન્ચ થશે
ગેરકાયદે લેબમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને સંબંધિત સામગ્રીને પણ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે. લેબ ચલાવનાર વ્યક્તિની આ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
અલ્પપ્રાઝોલમના દુરુપયોગ સામે ચિંતા
અલ્પપ્રાઝોલમ એક સાયકોટ્રોપિક દવા છે, જે સામાન્ય રીતે ચિંતા અને પેનિક ડિસઓર્ડરની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. જોકે, તેનો દુરુપયોગ, નિર્ભરતા અને ગેરકાયદે વેચાણ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
આ પદાર્થ NDPS એક્ટ હેઠળ નિયંત્રિત છે. તેનું અનધિકૃત ઉત્પાદન, કબજો, વેચાણ અથવા વિતરણ કાયદાકીય કાર્યવાહી અને સજાને પાત્ર બની શકે છે.
જાલૌન બાદ દિલ્હીમાં બીજી મોટી કાર્યવાહી
DRIની આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં 29 ઓક્ટોબર, 2026ના રોજ હાથ ધરાયેલા ઓપરેશન બાદ આવી છે. અગાઉની કાર્યવાહીમાં DRIએ ઉત્તર પ્રદેશ ATSની મદદથી ગેરકાયદે સિન્થેટિક ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે આશરે 1,100 કિલોગ્રામ ડ્રગ્સ અને પ્રિકર્સર કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
જાલૌન બાદ દિલ્હીમાં પણ ગેરકાયદે ઉત્પાદન લેબ સામે કાર્યવાહીથી DRIએ સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય નેટવર્ક સામે તપાસ વધુ સઘન બનાવી છે. એજન્સીનો ઉદ્દેશ આવી ગેરકાયદે ઉત્પાદન સુવિધાઓને નાબૂદ કરવાનો, મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને રસાયણો ગેરકાયદે સપ્લાય ચેઇન સુધી પહોંચતાં અટકાવવાનો તથા આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નેટવર્કને તોડી પાડવાનો છે.
