Vibrant Gujarat 2027: વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટે ગલ્ફ મિશન સફળ
Vibrant Gujarat 2027: કતાર, ઓમાન અને UAEની મુલાકાત દરમિયાન ગુજરાત સરકારે રોકાણ, ઉદ્યોગ, વેપાર અને વ્યૂહાત્મક સહયોગના ક્ષેત્રોમાં નવા અવસરો ઊભા કરવા ચર્ચા કરી.
- Vibrant Gujarat 2027: ગુજરાત સરકારના ડેલીગેશને અઠવાડિયા સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, રોકાણ માટેની પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઉર્જા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી.
ગાંધીનગર, 12 નવેમ્બર: Vibrant Gujarat 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) એ બિઝનેસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ભારતનું એક અગ્રણી પ્લેટફોર્મ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમિટની 11મી આવૃત્તિ આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે.
ગુજરાત સરકારના ઉચ્ચ-સ્તરીય ડેલીગેશને 25 થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ખાતેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ મિશનથી ખાડી દેશો સાથે રાજ્યની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે, અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓને વધુ વેગ મળ્યો છે. આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણ, વેપાર, નવીનતા (ઇનોવેશન), મેન્યુફેક્ચરિંગ અને નાણાંકીય સેવાઓ માટે પસંદગીના સ્થળ તરીકે ગુજરાતમાં રહેલી તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ (Vibrant Gujarat 2027) પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રીય એજન્સીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ હતા. એક અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ, નાણાંકીય સંસ્થાઓ, ઉર્જા કંપનીઓ, લોજિસ્ટિક્સ ઓપરેટર્સ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાતી બિઝનેસ સમુદાયના સભ્યો સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો:- Bonsai Art: વડાપ્રધાન મોદી સમક્ષ બોન્સાઈ કળાનું પ્રદર્શન કરી શારદાબહેને વધાર્યું ગોરા ગામનું ગૌરવ
આ મિશનમાં ફાઇનાન્સ, ઉર્જા, લોજિસ્ટિક્સ, બંદરો (પોર્ટ્સ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, બાયોટેકનોલોજી, શિક્ષણ, શહેરી વિકાસ, રિટેલ અને અદ્યતન ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા, જેના પરિણામે ગુજરાતમાં સંભવિત રોકાણ અને સહયોગની મજબૂત તકો ઊભી થઈ છે.
મિશન દરમિયાન પ્રતિનિધિમંડળે (Vibrant Gujarat 2027) 25 થી વધુ વન-ટુ-વન બેઠકો, અનેક સેક્ટર-આધારિત રાઉન્ડટેબલ સંવાદો, સાઇટ વિઝિટ અને ડાયસ્પોરા (પ્રવાસી ભારતીય) કાર્યક્રમો યોજ્યા હતા. બિઝનેસ રાઉન્ડટેબલમાં 160થી વધુ સંસ્થાકીય પ્રતિનિધિઓ જોડાયા હતા, જ્યારે નેટવર્કિંગ અને રોકાણને લગતા કાર્યક્રમોમાં ગુજરાતી ડાયસ્પોરા અને બિઝનેસ સમુદાયના 500થી વધુ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રવાસ દરમિયાન કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), કતાર ફાઇનાન્સિયલ સેન્ટર (QFC), કતાર એનર્જી, કતાર નેશનલ બેંક, કતાર ડેવલપમેન્ટ બેંક, ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (OIA), ઓમાન LNG, OQ, અસ્યાદ ગ્રુપ (Asyad Group), પોર્ટ ઓફ દુકમ, પોર્ટ ઓફ સોહાર, લિમાડ હોલ્ડિંગ્સ (LIMAD Holdings), કેઝાદ ગ્રુપ (KEZAD Group), એડનોક (ADNOC), DMCC, એમાર ગ્રુપ (EMAAR Group), નેસ્ટો (NESTO), રાક બેંક (RAK Bank) અને ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ જેવી અગ્રણી સંસ્થાઓ સાથે પ્રતિનિધિમંડળની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.
આ મિશનનું મુખ્ય આકર્ષણ ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ અને વ્યૂહાત્મક રોકાણ સંસ્થાઓ (જેમ કે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને લિમાડ હોલ્ડિંગ્સ) સાથેની બેઠકનો રહ્યો હતો જેમાં તેમની સાથે સીધો સંવાદ યોજયો હતો. આ ચર્ચાઓમાં રાજ્યની લાંબા ગાળાની વિકાસ પ્રાથમિકતાઓને અનુરૂપ ગુજરાતમાં રોકાણની તકો પર ભારે રસ દાખવવામાં આવ્યો હતો.

પ્રતિનિધિમંડળે ગુજરાતની રોકાણ-લક્ષી ઇકોસિસ્ટમનું વિસ્તૃત પ્રદર્શન કર્યું હતું, જેમાં ખાસ કરીને ગિફ્ટ સિટી (GIFT City), રિન્યુએબલ એનર્જી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાંકીય સેવાઓ, ઇનોવેશન અને ઉભરતી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો હતો. અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને રોકાણ સંસ્થાઓ સાથેની વાતચીતમાં ગિફ્ટ સિટીમાં બેંકિંગ, વીમા (ઇન્શ્યોરન્સ), ટ્રેઝરી, ફંડ મેનેજમેન્ટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) સ્થાપવાની તકો પર ફોક્સ કરવામાં આવ્યું હતું. અનેક સંસ્થાઓએ ગુજરાતના પોલિસી ફ્રેમવર્ક, ટેલેન્ટ પૂલ અને બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને રાજ્યમાંથી તેમની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી વિસ્તારવામાં રસ દર્શાવ્યો હતો.
કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથેની ચર્ચામાં રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર્સ, હેલ્થકેર, બાયોટેકનોલોજી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અન્ય ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાતના કાર્યક્રમમાં ઉર્જા સહયોગ એક મુખ્ય આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યો હતો. પ્રતિનિધિમંડળે ઉર્જા સુરક્ષા, LNG , વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને ભવિષ્યના ઉર્જા ઉકેલોમાં લાંબા ગાળાની ભાગીદારી મજબૂત કરવા અંગે કતાર એનર્જી, ADNOC, OQ, ઓમાન LNG અને ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ, રિગેસિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન એનર્જી વેલ્યુ ચેઇનમાં રહેલી તકો પણ ચકાસવામાં આવી હતી. વધુમાં, ADNOC ની રોકાણ શાખા ‘XRG’ એ ભારતમાં વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોનું મૂલ્યાંકન કરવામાં રસ બતાવ્યો હતો.
ઓમાન અને UAE ની મુલાકાતોએ લોજિસ્ટિક્સ, બંદરો અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર ઝડપ ઉભી કરી છે. અસ્યાદ ગ્રુપ, પોર્ટ ઓફ દુકમ અને પોર્ટ ઓફ સોહાર સાથેની ચર્ચામાં ગુજરાત અને ઓમાન વચ્ચે વેપાર કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે ‘ગુજરાત-ઓમાન ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કોરિડોર’ ના સંભવિત વિકાસ અંગે વિચારણા કરવામાં આવી હતી.
પ્રતિનિધિમંડળે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપમેન્ટ મોડલ્સનો અભ્યાસ કરવા અને સહયોગના સંભવિત માર્ગો ઓળખવા માટે ઓમાનમાં ‘ખઝાએન ઇકોનોમિક સિટી’ (Khazaen Economic City) ની પણ મુલાકાત લીધી હતી. UAE માં, KEZAD ગ્રુપ, ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ અને NESTO સાથેની બેઠકોમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ, ફૂડ પ્રોસેસિંગ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, કોલ્ડ-ચેઇન સુવિધાઓ, રિટેલ વિસ્તરણ અને સપ્લાય-ચેઇન વિકાસની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ મિશને શહેરી વિકાસ ક્ષેત્રે સહયોગના નવા દ્વાર પણ ખોલ્યા છે. EMAAR ગ્રુપ સાથેની ચર્ચામાં ગુજરાતમાં ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ્સ, કોમર્શિયલ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને ભવિષ્ય માટે તૈયાર શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તકો અંગે ચર્ચા થઈ હતી.
પ્રતિનિધિમંડળે ઓમાનની અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક અને કૌશલ્ય (સ્કિલિંગ) સહયોગની તકો પણ ચકાસી હતી, જેમાં ગુજરાતની કૌશલ્યા યુનિવર્સિટી સાથે જોડાયેલી ભાગીદારીનો સમાવેશ થાય છે. આ ચર્ચાઓ શૈક્ષણિક આદાન-પ્રદાન, ઓનલાઇન લર્નિંગ, ફેકલ્ટી સહયોગ અને વર્કફોર્સ ડેવલપમેન્ટની પહેલ પર કેન્દ્રિત રહી હતી.
આ કાર્યક્રમની એક મોટી વિશેષતા એ રહી હતી કે ત્રણેય દેશોમાં વસતા ગુજરાતી સમુદાય (ડાયસ્પોરા)ની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. ગુજરાતી મૂળના 500થી વધુ ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને બિઝનેસ અગ્રણીઓએ પ્રતિનિધિમંડળ સાથે સંવાદ કર્યો હતો અને ગુજરાતમાં રોકાણની તકો તેમજ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા માટે પ્રબળ ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગુજરાત સરકારના આ મિશને ગલ્ફ ક્ષેત્રમાં ગુજરાતની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે અને વ્યૂહાત્મક જોડાણોને લાંબા ગાળાના રોકાણો, સંસ્થાકીય સહયોગ અને પરસ્પર લાભદાયી વિકાસની તકોમાં પરિવર્તિત કરવા માટે એક મજબૂત પાયો નાખ્યો છે.
