5G

5G અને કોવિડ વચ્ચે કોઈ સંબંઘ નથીઃ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ

5G : પાયાવિહોણા દાવાઓથી છેતરાતા નહીંઃ ટેલિકોમ ડિપાર્ટમેન્ટની અપીલ, ભારતમાં ન તો 5G ટાવર ઇન્સ્ટોલ થયા છે કે નથી 5G ટ્રાયલ શરૂ થઈ

નવી દિલ્હી, 11 મે: 5G: ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે 5G ટેક્નોલોજી અને કોવિડ સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેરવવામાં આવતાં પાયાવિહોણા અને ખોટા મેસેજથી દોરાઈ નહીં જવાની પણ ડિપાર્ટમેન્ટે અપીલ કરી છે. 5Gની ટ્રાયલ અથવા નેટવર્કના કારણે ભારતમાં કોરોનાવાઇરસ ફેલાઈ રહ્યો હોવાનો દાવો તદ્દન “ખોટો” અને “કોઈ વૈજ્ઞાનિક આધાર વગરનો” છે, તેમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને જણાવ્યું હતું કે, અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેરવવામાં આવી રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાવાઇરસની બીજી લહેર 5G મોબાઇલ ટાવર્સના ટેસ્ટિંગના કારણે ફેલાઈ છે. “…આ મેસેજ તદ્દન ખોટા છે અને તેમાં જરાય તથ્ય નથી… માટે સામાન્ય જનતાને જણાવવામાં આવે છે કે 5G ટેક્નોલોજી અને કોવિડ-19ના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી અને લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરવાય અને આ અંગેની અફવા ન ફેલાવે. 5G ટેક્નોલોજી સાથે કોવિડ-19 મહામારી વચ્ચે કોઈ કડી હોવાના દાવા તદ્દન ખોટા છે અને તેમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી,” તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

ભારતમાં ક્યાંય 5G નેટવર્કના ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી નથી, માટે ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો 5G ટ્રાયલ કે નેટવર્કના કારણે થતો હોવાનો દાવો તદ્દન “પાયાવિહોણો” છે. “મોબાઇલ ટાવર્સ નોન-આયોનાઇઝિંગ રેડિયો ફ્રિક્વન્સી આપે છે જેનો પાવર ખૂબ જ ઓછો હોય છે અને તે માનવ સહિતના જીવંત કોષોને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી. રેડિયો ફ્રિક્વન્સી ફિલ્ડ (એટલે કે બેઝ સ્ટેશન એમિશન) માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે સૂચવેલા ધારાધોરણો ઇન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયોનાઇઝિંગ રેડિયેશન પ્રોટેક્શન (ICNIRP) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતાં પણ 10 ગણા વધુ કડક છે,” તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો…5G testing: देश में कोरोना से नहीं 5g टेस्टिंग से हो रही मौत, इस दावें में कितनी है सच्चाई

ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી પહેલની રૂપરેખા આપતાં જણાવવામાં આવ્યું હતું કે, તેમની પાસે અગાઉથી જ વ્યવસ્થિત રીતે તૈયાર માળખુ છે કે જેના દ્વારા ઓપરેટર્સ સૂચવેલા નિયમોનું કડકપણે પાલન કરે. “જોકે, કોઈપણ નાગરિકને એમ લાગતું હોય કે કોઈ મોબાઇલ ટાવર સૂચવેલા નિયમો કરતાં વધુ રેડિયો વેવ્ઝનું ઉત્સર્જન કરે છે તો તેઓ તરંગ સંચાર પોર્ટલ https://tarangsanchar.gov.in/emfportal પર EMG મેઝરમેન્ટ/ટેસ્ટિંગ માટેની વિનંતી કરી શકે છે, તેમ પણ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

ગત અઠવાડિયે, ટેલિકોમ ઉદ્યોગના સંગઠન COAI દ્વારા પણ કોવિડ-19ના સંક્રમણ અને 5G ટેક્નોલોજી અંગેની ખોટી માહિતી અને અફવાઓ ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેમણે પણ તથ્યવિહોણા તથા ખરાઈ કર્યા વગરના દાવાઓનું ખંડન કર્યું હતું. સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)એ જણાવ્યું કે, કોવિડ-19નું સંક્રમણ વધવાનું કારણ 5G સ્પેક્ટ્રમની ટ્રાયલ હોવાનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર ચાલતાં સંદેશા ધ્યાને આવ્યા હતા. “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. અમે વિનંતી કરીએ છીએ કે લોકો આવી પાયાવિહોણી ખોટી માહિતીથી દોરવાય નહીં, તેમ એસ. પી. કોચર, ડિરેક્ટર જનરલ ઓફ COAIએ એક નિવેદનમાં ગત અઠવાડિયે જણાવ્યું હતું.

ઘણા દેશોમાં પહેલેથી જ 5G સેવાઓ શરૂ થઈ ગઈ છે અને કોઈપણ મુશ્કેલી વગર તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ COAIએ ભારપૂર્વક જણાવ્યું હતું. COAIના સભ્યોમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાનો સમાવેશ થાય છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ આ અંગેના ખોટા મેસેજને ધ્યાને ન લે. એસોસિયેશને ભારપૂર્વક જણાવ્યું છે કે, ટેલિકોમ સેવાઓ આપણા દેશની લાઇફલાઇન છે, ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં. “ખરેખર તો આ નેટવર્ક લોકોને વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન ક્લાસિસ, ઓનલાઇન ડોક્ટર્સનું કન્સલ્ટેશન જેવી મહત્વની અને અત્યંત જરૂરી સેવાઓ આપીને લોકોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે… લાખો-કરોડો લોકો જ્યારે જોઈએ ત્યારે રિયલ ટાઇમ માહિતી મેળવવા માટે આ નેટવર્ક પર નિર્ભર છે, તેમ પણ COAIએ જણાવ્યું હતું.

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *