Sadhya ane sadhan: માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્, ચિત, આનંદ
સાધ્ય અને સાધન(Sadhya ane sadhan)
પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-4
ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Sadhya ane sadhan: ભગવાન કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે : वासुदेव: सर्वम् l સર્વ વાસુદેવ છે. સર્વ વાસુ પણ છે અને દેવ પણ છે. વસુ એટલે સર્વના હૃદયમાં નિવાસ કરે છે તે અને વળી જે દેવ પણ છે અર્થાત્ સ્વયંપ્રકાશ છે. વસુને જ વાસુ કહે છે. સર્વ વસ્તુ ‘છે’, ‘ભાસે છે’ અને ‘પ્રિય છે’. આ હોવું, ભાસવું અને પ્રિય હોવું અર્થાત્ આ અસ્તિ, ભાતિ, પ્રિય અથવા સત્, ચિત્, આનંદ એટલે જ વાસુદેવ. સર્વ વાસુદેવ છે, નારાયણ છે, શિવ છે, પરમાત્મા છે, ચિદાનંદ છે, બ્રહ્મ છે; જગતમાં જડ, ચેતન જે કાંઈ છે તેનો મૂળભૂત સામાન્ય ધર્મ વાસુદેવ છે. સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે : ‘ मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव l જેવી રીતે કોઈ હારનાં ફૂલ કોઈ સૂત્રથી, દોરાથી જોડાયેલાં છે, તેવી રીતે આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે; હું સૂત્ર છું, જે પ્રત્યેક નામ-રૂપને જોડતું અને આધાર આપતું તત્ત્વ છે.’
આ તત્ત્વનું જ્ઞાન આપવું એ ભગવદ્ગીતાનો મૂળભૂત વિષય છે, કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ આપણું જીવન ખરેખર સફળ થાય.
આ તત્ત્વનું જ્ઞાન છે અંતિમ ધર્મ, જેને આપણે ધ્યેય કે સાધ્ય કહીએ છીએ.
વળી, આ ધ્યેય પ્રાપ્ત કરવા માટેના સાધનને પણ ધર્મ કહે છે. અંતિમ ધર્મ, ધ્યેય કેમ પ્રાપ્ત કરવું ? આ જ્ઞાન કેમ મેળવવું ? આપણા જીવનને કેવી રીતે ઘડવું જેથી જીવન આ જ્ઞાન માટે યોગ્ય બને ? આપણા વ્યક્તિત્વને કેવી રીતે ઘડવું જેથી આપણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ ? અને આમ, આપણો જે મૂળભૂત ધર્મ છે તેમાં નિષ્ઠ બનીને એનો આનંદ, આપણો સ્વરૂપભૂત આનંદ કેવી રીતે માણી શકીએ કે જેથી પછી બહાર સુખની ભીખ ન માગવી પડે, કોઈના આશ્રિત ન થવું પડે ?
આ પણ વાંચો:–Life goal: સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ?
તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ જેનાથી થાય તેને સાધન કહેવામાં આવે છે, ધર્મ પણ કહેવામાં આવે છે. સત્, ચિત, આનંદ એ સાધ્યધર્મ અને આ સાધનધર્મ. ભગવદ્ગીતા સાધ્યધર્મ અને સાધનધર્મ બન્ને ધર્મનું જ્ઞાન આપે છે.
इति श्रिमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे…..ભગવદ્ગીતામાં બન્ને છે, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર. બ્રહ્મ અર્થાત્ સચ્ચિદાનંદ (સત્-ચિત્-આનંદ) પરમાત્મા જેનો વિષય છે એનું નામ બ્રહ્મવિદ્યા જે સાધ્ય છે અને એ વિદ્યા પ્રાપ્ત કરવાનું જે સાધન છે, માર્ગ છે તે યોગશાસ્ત્ર અર્થાત્ સાધનવિદ્યા. માનવના જીવનમાં આ બન્ને વસ્તુ હોવી જોઈએ. એ હોય તો જ માનવજીવન સંપૂર્ણ થાય.
જીવનમાં સદ્ગુણો અને સદાચાર એ સાધન છે જે આપણા અંતિમ ધ્યેયની, સચ્ચિદાનદં ની પ્રાપ્તિ કરવામાં સહાયરૂપ થાય છે. આપણે સામાન્ય રીતે એમ માનતા હોઈએ છીએ કે અનુકંપા, દયા, કરુણા, સેવા, સમર્પણ, સ્નેહ, પ્રેમ વગેરેનું નામ માનવતા છે. વાત સાચી છે. પરંતુ માનવ માટે માનવતાથી પણ કાંઈક વિશેષ છે તે ભૂલવું ન જોઈએ. માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્, ચિત, આનંદ; તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. સાધન ત્યારે જ ચરિતાર્થ થાય જ્યારે તે સાધ્યમાં પરિણમે. તેથી સાધ્યને લક્ષમાં રાખ્યા વિના જ સાધનની વાત કરીએ તો સાધનની સાચી સમજ આપણે ક્યારેય પ્રાપ્ત ન કરી શકીએ.
સદ્ગુણો અને સદાચાર હોવા જોઈએ તે શું માત્ર સદ્ગુણો કે સદાચાર માટે જ ? કે પછી બીજા કશાને કારણે ?
સદ્ગુણ, સદાચાર ઇત્યાદિ જે દૈવી સંપત્તિ છે તે સંપત્તિનો પણ એક હેતુ છે. दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता l ભગવાન ગીતામાં કહે છે : ત્યાગ, ક્ષમા, કરુણા ઇત્યાદિ દૈવી સંપત્તિ મોક્ષ માટે છે અને તેથી સામાન્ય મનુષ્ય માટે દૈવી સંપત્તિની પ્રાપ્તિ એ જ પ્રથમ ધર્મ બની રહે છે.
પણ કોઈ એમ પૂછે છે કે ‘મારે શા માટે સાચું બોલવું જોઈએ ? એનાથી મને શું મળે ? શા માટે મારે પ્રામાણિક બનવું જોઈએ ? પ્રામાણિકતા શું પ્રામાણિકતા માટે છે ? સેવા શું સેવા માટે જ છે ?’
તો એનો ઉત્તર છે, ના. આ બધા સદ્ગુણો કોઈ બીજા હેતુ માટે છે. એ હેતુ અર્થાત્ આત્મજ્ઞાનરૂપી ધર્મ પણ આપણે જાણવો જોઈએ. તો જ જે વ્યાવહારિક ધર્મ છે એનું યોગ્ય સ્થાન આપણે સમજી શકીએ.
તેથી ગીતામાં આ બન્ને પ્રકારના ધર્મનો બોધ આપવામાં આવે છે.