Swamiji ni Vani part-08: જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દુઃખ માટે, શોક માટે કોઈ કારણ છે ખરું કે નહીં ?
શોક એ જીવસૃષ્ટિની ઊપજ(Swamiji ni Vani part-08)
પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-08
ધર્મ ડેસ્ક, 13 માર્ચ: Swamiji ni Vani part-08: મનુષ્યજીવનનો મૂળભૂત પ્રશ્ન છે વિષાદ. એવો એકે માણસ નથી જેને વિષાદ ન હોય. પ્રત્યેક માનવ જન્મે છે ત્યારથી જ વિષાદમાં હોય છે. એ વિષાદ જુદાં જુદાં રૂપ ધારણ કરીને આવતો હોય છે. ક્યારેક કામનું, ક્યારેક લોભનું, ક્યારેક મદનું, ક્યારેક મત્સરનું.
સૌ કોઈ કહે છે કે જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દુઃખ માટે, શોક માટે કોઈ કારણ છે ખરું કે નહીં ? ‘અરે સ્વામીજી ! મારા દુઃખ માટે કેટલાંય કારણો છે. મારાં સાસુ કારણ છે, મારા પતિ કારણ છે, મારા સાહેબ કારણ છે, મારો આ દીકરો કારણ છે.’ આપણે સાધારણ રીતે એમ માનતા હોઈએ છીએ કે આપણા વિષાદનું કારણ અન્યત્ર છે. એક જણને પૂછ્યું ‘તું કેમ દુઃખી છે ?’ જવાબ મળ્યો, ‘સ્વામીજી ! ત્રણ મહિનાથી કાગળ નથી આવ્યો.’ બીજાને પૂછ્યું, ‘તું કેમ દુઃખી છે ?’ તો કહે, ‘આજે જ કાગળ આવ્યો.’ ત્રીજાને પૂછ્યું, ‘તું કેમ દુઃખી છે ?’
તો કહે ‘લગ્ન થયાં નથી’ અને ચોથાએ દુઃખનું કારણ બતાવ્યું, ‘સ્વામીજી ! મારાં લગ્ન થયાં છે’. કોઈને સંતાન નથી તેથી દુઃખ છે તો કોઈને સંતાન છે તેથી દુઃખ છે. આમ, આપણે દુઃખનું કારણ હંમેશાં આપણી બહાર જ જોતાં હોઈએ છીએ અને તેથી જીવનમાં આપણો બધો પ્રયત્ન માત્ર બહારની વ્યવસ્થા બદલવા માટે જ થતો હોય છે, દુઃખના માની લીધેલા કારણને દૂર કરવા માટે થતો હોય છે. આપણે ખોટી રીતે એમ માનીએ છીએ કે બહારના સંજોગો, વસ્તુઓ કે વ્યક્તિઓ આપણા વિષાદ માટે, શોક માટે જવાબદાર છે.
કોઈ વળી પોતાના દુઃખ માટે પોતાને જ દોષ આપે છે. ‘હું જ એવો છું. મારું પ્રારબ્ધ જ એવું છે’. કોઈ ઈશ્વરને દોષ આપે છે. આ ખોટું છે. શોક માટે કોઈ જવાબદાર નથી, કારણ કે શોક નામની કોઈ વસ્તુ છે જ નહીં. અર્જુનનો વિષાદ જોઈને ગીતામાં ભગવાન પૂછે છે. ‘આવો શોક તારામાં ક્યાંથી આવી ગયો ? આ તું ક્યાંથી લઈ આવ્યો ?’ ભગવાન જાણે કે કહી રહ્યા છે કે મેં આ જગતની રચના કરી છે, પરંતુ શોક તો મેં સજ્ર્યો નથી. તો તું તે ક્યાંથી લઈ આવ્યો ?
આ શોક જીવની ઊપજ છે, માનવીની પોતાની ઊપજ છે; ભગવાને તેનું સર્જન કર્યું જ નથી. ભગવાન તો કહે છે કે આ જીવનમાં શોક કરવા યોગ્ય કોઈ વસ્તુ જ નથી. જગતમાં બે કોટિની વસ્તુ છે : આત્મા અને અનાત્મા. તે બેમાંથી તું કોનો શોક કરે છે ? આત્મા શોકને યોગ્ય નથી, કારણ કે તેનો કદાપિ નાશ થતો નથી. આત્મા મરતો જ નથી, કારણ કે તેનો જન્મ જ થયો નથી. જન્મ તેનો થાય જે ન હોય અને પછી અસ્તિત્વમાં આવે. આત્મા તો નિત્ય છે. માટે એનો જન્મ નથી અને જન્મ નથી તેથી મૃત્યુ પણ નથી.
તો પછી જન્મે છે કોણ અને મરે છે કોણ ?
આમ જોવા જઈએ તો જન્મ અને મૃત્યુની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. બાળક મટીને મનુષ્ય યુવાન થાય છે ત્યારે બાળકનું મૃત્યુ થાય છે અને યુવાનનો જન્મ થાય છે. યુવાનનું મૃત્યુ થયું, આધેડનો જન્મ થયો. આધેડનું મૃત્યુ થયું, વૃદ્ધનો જન્મ થયો. પણ આ તો બધી દેહની અવસ્થાઓ છે. દેહમાં આ બધી જન્મ અને મૃત્યુની પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે પરંતુ જે બધાનો સાક્ષી છે તે દેહીનો જન્મ પણ નથી ને મૃત્યુ પણ નથી.
તો પછી કોનો શોક ? દેહનો ? અનાત્માનો ?
તે પણ શોકને યોગ્ય નથી, કારણ કે દેહ તો કુદરતના નિયમોને અધીન છે. જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તે રોકી શકાય તેમ નથી. દેહ અંતવાન છે એ હકીકત સ્વીકારી લઈએ, જીવનની જે જે વાસ્તવિકતાઓ છે તે સ્વીકારી લઈએ તો શોક ન થાય. મૃત્યુ પણ શોક કરવા યોગ્ય નથી, કારણ કે તે અનિવાર્ય છે. આમ, આત્મા શોકને યોગ્ય નથી અને અનાત્મા પણ શોકને યોગ્ય નથી. આ સમજીએ તો જ શોકમાંથી મુક્ત થવાય.
પરંતુ આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શોક દૂર થતો નથી. આ જ્ઞાન થાય તે માટે તૈયારી કરવી પડે છે. એને માટે જ છે કર્મયોગ. એને માટે જ જીવનનાં સઘળાં મૂલ્યો છે અને એને માટે જ છે ભગવાનનું ભજન. કર્મ તો અત્યારે જે કરી રહ્યા છીએ તે જ ભલે થાય પણ એમના પ્રત્યે આપણો અભિગમ બદલવાની આવશ્યકતા છે.
અત્યારે હું મારા વ્યક્તિગત લાભ માટે કર્મ કરું છું જેથી મારા યોગ અને ક્ષેમનું વહન થાય. ભગવાન કહે છે, ‘યોગ અને ક્ષેમનું વહન તો હું જ કરું છું. તું બધી ચિંતાઓ મને સોંપી દે અને યજ્ઞની ભાવનાથી કર્મ કર.’ આપણા જીવનમાં આ ભાવના આવવી જોઈએ.
આ પણ વાંચો:-Amdavad ni pol: અમદાવાદનું હાર્દ એટલે તેની પોળ; અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો