Swamiji ni Vani part-10: પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ

Swamiji ni Vani part-10: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-10

ઋણ-મુક્તિ

 Swamiji ni Vani part-10: મનુષ્યે પોતાનાં કર્મ દ્વારા, વેદોક્ત ત્રણ પ્રકારનાં ઋણ – પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.

          પિતૃઋણ ફેડવાનું સેવા અને તર્પણ દ્વારા. માતા-પિતા હયાત હોય તો તેઓને સેવા વડે અને પૂર્વજો જેમણે વિદાય લીધી છે તેઓને શ્રાદ્ધ-તર્પણ વડે તૃપ્ત કરવા જોઈએ. તમને શંકા થાય કે ‘સ્વામીજી ! બ્રાહ્મણોને અહીં જમાડો અને પિતૃઓને ત્યાં પિતૃલોકમાં ફળ મળે એવું તે કોણે જોયું ? આ બધી માત્ર કોઈની કલ્પનાઓ નથી?’ પિતૃલોક છે કે નહીં એની આપણને ખબર નથી. આપણે તે જોવા ગયા નથી. આ તો શાસ્ત્રોમાં લખ્યું છે, એટલે આપણે સ્વીકારીએ છીએ. પણ પિતૃલોક નથી એની તો તમારી પાસે પણ સાબિતી નથી જ ને? માટે તે વસ્તુ નથી એમ પણ ન કહી શકાય. ઇન્દ્રિયથી જાણી શકાય નહીં તેવા વિષયોમાં શાસ્ત્રોને જ પ્રમાણભૂત માનવાં રહ્યાં. શાસ્ત્રો કહે છે કે દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ થતું નથી.

         કઠોપનિષદમાં નચિકેતા યમરાજાને પૂછે છે : ‘મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ સંશય રહી જતો હોય છે. કોઈ કહે છે કે આ દેહથી ભિન્ન આત્મા છે અને કોઈ કહે છે દેહથી ભિન્ન આત્મા નથી.’ એનો યમરાજ ઉત્તર આપે છે કે દેહથી ભિન્ન આત્મા છે અને તેથી દેહના મૃત્યુથી જીવના અસ્તિત્વનો અંત આવી જતો નથી. એનો અર્થ એ થયો કે મૃત્યુ સમયે આ દેહ છોડીને જીવ અન્યત્ર પ્રયાણ કરે છે. ત્યારે એ યાત્રામાં અને ત્યાર પછીનું જે જીવન છે તેમાં આપણે કેવી રીતે તેને સહાયભૂત થઈ શકીએ ? 

આ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રિયાઓ આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ શ્રદ્ધા ઉપર આધાર રાખે છે.  श्रद्धया क्रियते इति श्राद्धम्  l આપણા પૂર્વજો હયાત છે અને આપણે તેમને ખ્યાલમાં રાખીને શાસ્ત્રના વિધાન પ્રમાણે કર્મ કરીએ તો તે તેમને પહોંચે છે – આ માન્યતા શ્રદ્ધા પર જ રચાઈ છે. હું પિતૃઓનો ઋણી છું તો કેવી રીતે એ ઋણ ફેડી શકું? કદાચ તમે શ્રાદ્ધ વગેરેમાં માનતા ન હો તો કોઈ બીજી રીતે કરો, પરંતુ માતા-પિતાના અને પૂર્વજોના ઋણ વિષે આપણામાં સભાનતા હોવી જોઈએ. આપણાં કર્મમાં કોઈ ને કોઈ રીતે આ વસ્તુ પ્રતિબિંબિત થવી જોઈએ, અભિવ્યક્ત થવી જોઈએ.

          ઋષિઋણ ફેડવા માટે આપણે જ્ઞાનની સાધના કરવી જોઈએ. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને આ જ્ઞાનની પરંપરા જળવાઈ રહે તે માટે સક્રિયપણે જ્ઞાનનો પ્રચાર કરવો જોઈએ કે તે પ્રચારમાં મદદરૂપ થવું જોઈએ.

         ત્રીજું ઋણ છે દેવઋણ. તે કેવી રીતે ફેડવું ? હવન, પૂજન અને પ્રાર્થના દ્વારા આપણે દેવતાઓને સંતુષ્ટ કરવા જોઈએ. કોઈ દ્રવ્યરૂપ આહુતિ અપાય કે પછી આપણી ભાવનાની આહુતિ અપાય. પણ કોઈ ને કોઈ રૂપમાં આહુતિ આપવાથી દેવતાઓ પુષ્ટ થાય છે અને આ રીતે દેવઋણ ફેડાય છે.

        આ અંગે પણ ઘણા વાદ-વિવાદ તેમ જ વિવિધ અભિપ્રાયો છે. લોકોને ખાવાનું મળતું નથી ત્યારે અગ્નિમાં તે વળી ઘી હોમી દેવાતું હશે ? બાળકોને દૂધ નથી મળતું ત્યારે તમે કેમ નદીમાં દૂધ રેડો છો ? આ બધા ચર્ચાના વિષયો છે. પણ આપણા આવા કર્મથી દેવતાઓ પ્રસન્ન થાય છે તે માટે પ્રમાણ શું ? શાસ્ત્રો જ પ્રમાણ છે. આ પંચમહાભૂતમાં આપણે કેટકેટલી અશુદ્ધિ ઉમેર્યા જ કરીએ છીએ ! અપશબ્દો બોલીને આકાશને દૂષિત કરતા હોઈએ છીએ. દેહમાંથી અનેક પ્રકારની અશુદ્ધિઓ બહાર કાઢીને આપણે હવાને, પૃથ્વીને, જળને અને બીજાં તત્ત્વોેને મલિન કરતા હોઈએ છીએ. તો પછી તેમની શુદ્ધિ માટે આપણે કશુંક તો કરવું જ જોઈએ ને ? 

અગરબત્તી સળગાવો તો વાયુ શુદ્ધ થાય, વેદના મંત્રોચ્ચારથી આકાશ શુદ્ધ થાય : તે શબ્દો આકાશમાં ગુંજવા લાગશે. આમ, આ બધી ક્રિયાઓ પાછળ એ હેતુ છે કે આપણા અસ્તિત્વ અને વ્યવહારથી જે દોષ કે અશુદ્ધિ આપણે ફેલાવતા હોઈએ છીએ તેના નિવારણ માટે આપણે કાંઈક કરીએ. આ પણ શ્રદ્ધાનો વિષય છે. પરંતુ દેવતાઓનો ઉપકાર સતત આપણા પર હોય છે તે તો હકીકત છે અને તેથી તેના પ્રતિભાવરૂપે કાંઈક તો આપણે કરવું જોઈએ. દેવતાઓના પૂજન માટે એક પદ્ધતિ અપનાવવી કે બીજી એ વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે. પરંતુ આપણા જીવનમાં એ સભાનતા તો હોવી જોઈએ કે ‘હું દેવતાઓનો ઋણી છું. તેથી મારાં કાર્યો દ્વારા મારે આ ઋણ ફેડવાનું છે.’

       આમ, માતા-પિતા અને પૂર્વજોનું ઋણ સેવા અને શ્રાદ્ધ-તર્પણ દ્વારા, ઋષિઓનું ઋણ જ્ઞાન-સંપાદન અને પ્રચાર દ્વારા અને દેવતાઓનું ઋણ યજ્ઞ, દાન, તપશ્ચર્યા વગેરે દ્વારા ફેડવાની સભાનતા અને સક્રિયતા આપણામાં હોવી જોઈએ.

આ પણ વાંચો:-Swamiji ni Vani part-09: મનુષ્ય ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ સાથે જ જન્મ લેતો હોય છે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *