Bharatbhai Badga

Indigenous handicrafts of kutch: કચ્છની ભાતીગળ સ્વદેશી હસ્તકલાને જીવંત રાખતા કચ્છી માડુ ભરતભાઈ બડગા…

Indigenous handicrafts of kutch: હાથવણાટથી સુરતની જરી, બેંગ્લોરી સિલ્ક વડે કચ્છની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હાથ ગૂંથણ સાડીઓ, ગરમ શાલ, સ્ટોલ, ડ્રેસ મટીરીયલ્સના કસબી ભરતભાઈ બડગા

સુરત, 11 એપ્રિલ: Indigenous handicrafts of kutch: કચ્છની ભાતીગળ સ્વદેશી હસ્તકલાને કચ્છી માડુ ભરતભાઈ બડગા જેવા કલાના કારીગરોએ જીવંત રાખી છે. સુરતમાં આયોજિત વૈવિધ્યપૂર્ણ પ્રાચીન હસ્તકલા-સંસ્કૃતિનો રૂબરૂ પરિચય કરાવતા સ્પેશિયલ હેન્ડલૂમ એક્ષ્પોમાં ભરતભાઈ બડગાએ કચ્છની બહેનો દ્વારા હાથવણાટથી તૈયાર કરેલ સુરતની જરી, બેંગ્લોરી સિલ્કનો સમન્વય ધરાવતી હાથગૂંથણ સાડીઓ, ગરમ શાલ, સ્ટોલ, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રાલયના નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચડીસી) લિમિટેડ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, એસએમસી પાર્ટી પ્લોટ ખાતે સ્પેશિયલ હેન્ડલૂમ એક્સપો યોજાઈ રહ્યો છે.

જેમાં પોતાની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટની આગવી કલાને પ્રદર્શિત કરનાર કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના બળદીયા ગામના બડગા દંપતિ ભરતભાઈ અને વાલુબેન તેમના વતનમાં હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના વ્યવસાયમાં કચ્છની ૫૧ જેટલી બહેનોને આજીવિકા પૂરી પાડી રહ્યા છે.

તેમણે વર્ષ ૨૦૨૦માં શ્રી લક્ષ્મી વણકર ઉત્પાદકોની સહકારી મંડળીની સ્થાપના કરી હતી, જેમાં હાલ ૫૧ બહેનો હાથ વણાટની કલાના કસબથી વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની છે. તેમના ઉત્પાદનો દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. કચ્છ આવતા વિદેશી પ્રવાસીઓ પણ તેમના હાથ બનાવટના કલાત્મક ઉત્પાદનો ખરીદવા આવે છે.

ભરતભાઈ બડગાએ જણાવ્યું હતું કે, ૩૦ વર્ષ પહેલા શરૂ કરેલ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના વ્યવસાયએ મને આગવી ઓળખ અપાવી છે. શરૂઆતમાં કચ્છની હાથ ગૂંથણની સાડી, ગરમ શાલ, સ્ટોલ, ડ્રેસ મટીરીયલ્સ સહિતની વણાટ તથા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા હતા. સમયના પરિવર્તન સાથે સુરતની જરી અને બેંગ્લોરી સિલ્કના સમન્વય સાથે હાથવણાટની સાડીઓ બનાવીએ છીએ, જે ખૂબ લોકપ્રિય બની છે. અમે રૂ.૪૦૦ થી લઈને ઓર્ડર મુજબ રૂ.૪૦ હજાર સુધીની સાડીઓ તૈયાર કરીએ છીએ.

ભરતભાઈ અને વાલુબેનને ‘મરીનો ઉન’માં નેચરલ રંગોની ડાઈંગ કરી શોલ તૈયાર કરવા બદલ ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રીય એવોર્ડ સાથે ૧.૫૦ લાખનો રોકડ પુરસ્કાર મળ્યો હતો. તેમજ વર્ષ ૨૦૧૬માં હાથથી ગુથેલી મલબારી સિલ્કની કચ્છી ડિઝાઈનની સાડી પર કુદરતી રંગોનું વિવિંગ કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ અને રૂ.એક લાખની પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને પીઠબળ મળી રહ્યું છે. સરકારના સહયોગથી હાથવણાટની તૈયાર પ્રોડક્ટનું સરસ માર્કેટિંગ, તેમજ સરળતાથી કાચો માલ પ્રાપ્ત થાય અને ઉન્નત ડિઝાઈનિંગ તકનીકોની સાથે સપોર્ટ મળી રહે છે. જેનાથી આપણા વૈવિધ્યપૂર્ણ હેન્ડલૂમ ક્ષેત્ર અને નાના કારીગરો, વણકરો, મહિલા ગૃહઉદ્યોગકારોને પ્રોત્સાહન મળી રહ્યું છે. સુરતમાં અમારા ઉત્પાદનોના વેચાણની તક આપવા બદલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના અમે આભારી છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: Mock drill held in surat: સુરત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો