Swamiji ni Vani part-11: પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ પ્રાપ્ત કરવાની આ ચાવી છે, કળા છે અને આ જ કર્મયોગ છે
Swamiji ni Vani part-11: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-11
Swamiji ni Vani part-11: કુરુક્ષેત્રમાં યુદ્ધના આરંભ પહેલાં જ અર્જુનનું ગાંડીવ તેના હાથમાંથી સરકી પડ્યું. અર્જુન પોતે પણ નીચે ફસડાઈ પડ્યો, શાંત થઈ ગયો અને પછી તેણે ભગવાનને કહ્યું કે, ભગવાન! હું યુદ્ધ નહીં કરું. અર્જુન નિવૃત્તિ ઇચ્છતો હતો ત્યારે ભગવાને તેને કહ્યું, ‘તું પ્રવૃત્ત થા.’ એક બાજુ નિવૃત્તિ આપણા જીવનનું ધ્યેય છે અને બીજી બાજુ જ્યારે અર્જુન નિવૃત્ત થવા માગતો હતો ત્યારે ભગવાન કહે છે, ‘અર્જુન, તું પ્રવૃત્ત થા.’
ભગવાન કહે છે : ‘હે અર્જુન ! કોઈ પણ મનુષ્ય નિષ્ક્રિય રહી શકે નહીં, કારણ કે, એની અંદરની જે પ્રકૃતિ છે, એનો જે સ્વભાવ છે તે એની પાસે કર્મ કરાવશે જ.’ વળી, ભગવાન કહે છે: ‘જો તું અહંકારને કારણે એમ માનતો હોય કે, હું યુદ્ધ નહીં કરું, હું નિવૃત્ત થઈ જઈશ, જંગલમાં જઈશ, સાધુનું જીવન જીવીશ અને ભિક્ષા માગીશ, તો તારો એ ર્નિણય મિથ્યા છે. તારી પ્રકૃતિ ક્ષત્રિયની છે. આ પ્રકૃતિ જ તારું નિયંત્રણ કરશે, તને કર્મમાં જોડશે.’
આ અર્જુન જે કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા નથી ઇચ્છતો તે જંગલમાં જઈને ઝાડની કાપકૂપી કરવા મંડી પડશે, કારણ કે તેનો હાથ સળવળશે. ઘણાયે લોકો સાધુ બની જાય છે અને ક્યાંક જતા રહે છે. દા.ત., હૃષિકેશ. ત્યાં જઈને પછી જાતજાતની પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે. કોઈ બાગાયત કરે, તો કોઈ આ કરે કે તે કરે. કર્મ કરવામાં કાંઈ ખોટું નથી.
ભગવાનના કહેવાનો હેતુ પણ એ જ છે કે જ્યાં સુધી માનવની પ્રકૃતિમાં આ પ્રકારની ચંચળતા છે, રજોગુણ છે ત્યાં સુધી માનવ શાંત બેસી શકે નહીં. તેથી ભગવાન અર્જુનને કહે છે કે, ‘અર્જુન ! તું નિવૃત્ત થવા માગતો હોય તો હું કહું તેમ કર. તું પ્રવૃત્તિ કર. આજ સુધી જે પ્રમાણે કરતો આવ્યો છે તે પ્રમાણે નહીં, પણ હું કહું તે પ્રમાણે કરીશ તો તારી તે પ્રવૃત્તિ નિવૃત્તિનું કારણ બનશે.’
નિવૃત્તિનો અર્થ છે સર્વ પ્રકારની પરતંત્રતામાંથી મુક્તિ, સર્વ ઇચ્છાઓ, કામનાઓથી નિવૃત્તિ, અજ્ઞાનમાંથી નિવૃત્તિ, દુઃખમાંથી નિવૃત્તિ. નિવૃત્તિ એટલે સ્વતંત્રતા, આ પ્રકારની નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે કર્મ એવી રીતે કરવું જોઈએ કે જેથી અંતે કર્મમાંથી મુક્ત બની જવાય. કર્મ કરવાની આ કળાને કહે છે કર્મયોગ.
વિશ્વમાં પ્રવૃત્તિ દ્વારા સર્વત્ર મહાન યજ્ઞ ચાલી રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારાઓ, નક્ષત્રો, ઝાડ-પાન, પશુ-પંખી સઘળાં યજ્ઞની ભાવનાથી કર્મ કરી રહ્યાં છે. આ યજ્ઞમાં સર્વત્ર સંવાદિતા છે. આ સમસ્ત બ્રહ્માંડ એક મહાન ઓરકેસ્ટ્રા છે. માનવી પણ તેનો એક સભ્ય છે. એટલે જે પ્રકારનો સૂર વિશ્વમાં ચાલી રહ્યો છે એમાં માનવીએ પણ પોતાના કર્મ દ્વારા સૂર પુરાવવો જોઈએ.
આ માટે યજ્ઞની ભાવનાથી, સમર્પણની ભાવનાથી કર્મ કરવું આવશ્યક છે : ધર્મ અને મૂલ્યોને આધારિત કર્મ કરવું; મનના આવેગો, ઇચ્છાઓ, ગમા-અણગમામાંથી મુક્ત થઈને, જે કર્તવ્ય કર્મ છે તે જ કરવું; પોતાની સમગ્ર શક્તિ રેડીને નિષ્ઠાપૂર્વક કર્મ કરવું.
આ છે કર્મયોગનું પહેલું પગથિયું.
અને બીજું અંગ છે પ્રસાદબુદ્ધિ, કર્મનાં ફળ અંગે કોઈ આગ્રહો ન રાખવા. કર્મફળદાતા ઈશ્વર છે, માટે જે ફળ મળે તેને ઈશ્વરનો પ્રસાદ માનીને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવું, એને પ્રસાદબુદ્ધિ કહે છે.
આ પ્રમાણે કર્મ કરવાથી આંતરિક શુદ્ધિ થાય છે, મન પ્રસન્ન, સ્વસ્થ અને શાંત બને છે. સર્વ પ્રકારની અશુદ્ધિઓથી મન મુક્ત થાય છે અને જ્ઞાનના આવિર્ભાવ માટે પરિપક્વ બને છે, નિવૃત્ત બને છે.
આ પણ વાંચો…. Bournvita Controversy: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બોર્નવિટા! NCPCR તરફથી નોટિસ મળી