Swamiji ni Vani part-15: કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય….

Swamiji ni Vani part-15: !!કર્મફળ વિષેનું અજ્ઞાન!!

Swamiji ni Vani part-15: કર્મના નિયમો વૈજ્ઞાનિક નિયમો ગણી શકાય, કારણ કે તે કાર્ય અને કારણના નિયમોને અનુસરે છે. કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય. જે બધા નિયમોના આધારે કોઈ એક કર્મફળ નક્કી થતું હોય છે તે બધાનું જ્ઞાન આપણને હોતું નથી અથવા તો બહુ જૂજ જ્ઞાન આપણને હોય છે. કોઈ વસ્તુ સાચી છે કે ખોટી એનો ર્નિણય કરવામાં એટએટલાં પરિબળોને ગણતરીમાં લેવાં પડતાં હોય છે, જે સર્વ પરિબળોનું જ્ઞાન ધરાવવાનું આપણા માટે શક્ય જ નથી.

ભગવાને આપણને બુદ્ધિ આપી છે. આ બુદ્ધિથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ખરા, પરંતુ બુદ્ધિની શક્તિ મર્યાદિત છે. તેથી, કર્મ કરતાં પહેલાં આપણે કદાચ એ પ્રકારનો અંદાજ બાંધી શકીએ કે એનું અમુક પરિણામ આવી શકે. પરંતુ આપણે નિશ્ચિતપણે તો ન જ કહી શકીએ કે આપણે ધારેલું પરિણામ આવશે જ.

પાંચ-સાત વર્ષની મહેનત પછી આપણે વીસેક હજાર રૂપિયાની બચત કરી હોય. કોઈ મિત્ર આવે અને કહે કે અમુક કંપનીના શેરમાં નાણાં રોકશો તો એક વર્ષમાં તે પાંચ ગણાં થઈ જશે. આ શેરના ભાવ રોજ એકધારા વધતા જ જાય છે. આજે ભાવ વીસ રૂપિયા છે તે વરસમાં સો રૂપિયા થઈ જશે.

સ્ટોક શું અને એક્સચેન્જ શું એ પણ આપણે જાણતા ન હોઈએ છતાં લોભવૃત્તિને કારણે આપણે એની સલાહ માની અને એ શેર ખરીદ્યા. પછી તો રાત્રે ઊંઘ પણ ન આવે. સવાર પડે કે છાપું ઉઘાડીને સીધા ચોથું પાનું જ જોઈએ કે આજે એ શેરના શા ભાવ છે.

૨૦ ના ૨૫ થયા, પછી ૩૫, ૪૦, ૪૫ રોજ ભાવ વધતા જ જાય. ખૂબ ખુશ થઈએ. પરંતુ પછી કાંટો અવળો ફરવા માંડ્યો. ૪૪, ૪૧, ૩૯, ૩૫, ૩૧, ૨૮ બસ, ભાવ રોજ ઘટતો જ જાય. લોહીનું દબાણ વધી ગયું. જેમ ભાવ ઘટતા ગયા તેમ હૃદયના ધબકારા વધતા ગયા. તે પછી ૨૦, ૧૭, ૧૩… અંતે છાપાંમાં એ કંપનીનું નામ આવતું જ બંધ થઈ ગયું.

વરસમાં આપણી મૂડીના એક લાખ થવાના હતા તેને બદલે હતું તેય ગુમાવ્યું. આપણામાં જે કાંઈ થોડું ઘણું જ્ઞાન હોય તે પરથી આપણે ગણતરી કરીએ કે છ માસ પછી શું પરિણામ આવી શકે. પરંતુ સાચું પરિણામ તો ભગવાન જ નક્કી કરી શકે, બીજું કોઈ ન કરી શકે.

અત્યારે હું જે કર્મ કરું છું તેનું પરિણામ કેવું આવશે તે હું નિશ્ચિતપણે કહી ન શકું. કર્મનું પરિણામ નક્કી કરવા માટે કર્મ સાથે સંકળાયેલાં પરિબળોનું જે જ્ઞાન હોવું જોઈએ તે ન હોવાને કારણે એ પરિણામ નક્કી કરવાની સ્વતંત્રતા માનવીને નથી. કર્મફળ નક્કી થાય છે કર્મના નિયમોથી, અર્થાત્‌ ઈશ્વર એ નક્કી કરતો હોય છે. આ સમગ્ર જગત ઈશ્વરના નિયમોને અધીન છે. જો જગતમાં નિયમો જ ન હોત તો આજે આ માઇક્રોફોન કામ કરે છે, એ જ પરિસ્થિતિમાં કાલે તે કામ ન પણ કરે.

આજે ટ્યૂબમાંથી સફેદ લાઇટ આવે છે, કાલે લાલ પણ આવે. એક દિવસ પંખાની પાંખો જમણેથી ડાબે ફરે તો બીજા દિવસે ડાબેથી જમણે ફરવા લાગે! એક દિવસ ચાનું પાણી પાંચ મિનિટમાં ગરમ થઈ જાય અને બીજે દિવસે અર્ધો કલાક સુધી ગૅસ બાળો તોયે ગરમ ન થાય! એક દિવસ આપણે ઉછાળેલો પથ્થર ઉપરથી નીચે આવે અને બીજે દિવસે તે નીચેથી ઉપર ઊડી જાય!

પણ આમ નથી બનતું તેનું કારણ એ છે કે કુદરતના નિયમો અફર છે અને સમગ્ર જગત આ નિયમોના આધારે ચાલે છે. કોઈ નિયમ જ ન હોત તો આપણે કર્મ કરી શકત નહીં. નિયમ હોવાને કારણે આપણા જીવનમાં વ્યવસ્થા છે. નહીં તો વ્યવસ્થા જ ન હોત. કોઈ નિયમ ન હોય, અધ્યક્ષ ન હોય તો કોઈ વસ્તુ નિયંત્રણમાં ન રહે. ઘરના અધ્યક્ષ એવાં બા બહારગામ જાય ત્યારે ઘરમાં કેવી અવ્યવસ્થા થતી હોય છે!

જગતમાં પણ કોઈ વ્યવસ્થા ન હોત તો વિજ્ઞાન નામની વસ્તુ જ શક્ય ન બનત. વિજ્ઞાન એટલે કુદરતના નિયમોની સમજ. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો, જે કુદરતમાં સૃષ્ટિના સર્જન-કાળથી અસ્તિત્વમાં હતો જ. ન્યૂટને પોતે કાંઈ એ નિયમ નહોતો બનાવ્યો. જગતમાં પ્રવર્તતા નિયમોના આધારે જ વિજ્ઞાન શોધ કરી શકે. જગતમાં નિયમ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે જ બધી વસ્તુઓ વર્તતી હોય છે.

આ એ જ નિયમો છે જે સમગ્ર જગતનું સંચાલન કરે છે અને કર્મના ફળનું પણ સંચાલન કરે છે. એવું નથી કે કોઈ નિયમ વગર જ કર્મનું ફળ આવતું હોય. કર્મને અનુરૂપ જ ફળ મળે તેવો પણ એક નિયમ છે. જો તેમાં પણ પક્ષપાત થતો હોત, વગ ચાલતી હોત તો આપણને કોઈ જાતની શ્રદ્ધા ન રહી હોત અને જગતમાં કોઈ વ્યવસ્થા જ ન રહી હોત.

આમ, આપણને ભલે કર્મ અને કર્મફળ વિષેના નિયમોનું ઊંડુ જ્ઞાન નથી, પરંતુ તેના નિયમો છે તો ખરા જ.

આ પણ વાંચો… Swamiji ni Vani part-14: કર્મ કરવાની તક તો મનુષ્યને ભગવાને આપેલી આગવી ભેટ છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો