Swamiji ni Vani part-16: પ્રસાદબુદ્ધિથી કર્મફળનો સ્વીકાર…
Swamiji ni Vani part-16: !!કર્મફળ!!
Swamiji ni Vani part-16: કયું કર્મ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કરવું કે ન કરવું એ બધું નક્કી કરવાની સ્વતંત્રતા માનવીને છે, પરંતુ કર્મનું ફળ નક્કી કરવાની સ્વતંત્રતા કે સત્તા માનવીને નથી.
તે સ્વતંત્રતા કોને છે? ભગવાનને છે.
કર્મના નિયમો પ્રમાણે કર્માધ્યક્ષ જગન્નિયતા ઈશ્વર કર્મનું ફળ દરેકને આપે છે. આટલી સરળ વસ્તુ સમજીએ તો પણ જીવનમાં દુઃખ ઘણું ઓછું થઈ જાય. જે વસ્તુ નક્કી કરવાની સ્વતંત્રતા મને ન હોય, તે વસ્તુ જેવી છે તેવી જ મારે સ્વીકારી લેવી જોઈએ. જે નક્કી કરવાની સત્તા મને છે તે યોગ્ય રીતે કરવા મારે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
અર્થાત્ કર્મ કરતી વખતે કોઈ આળસ કે પ્રમાદ મારે ન કરવા જોઈએ. કર્મ કરવાની પૂર્ણ સ્વતંત્રતા મને હોવાને કારણે કર્મ માટે હું જ જવાબદાર છું. પરંતુ કર્મનું ફળ નક્કી કરવાની મને સ્વતંત્રતા ન હોવાને કારણે કર્મનું ફળ જેવું હોય તેવું મારે સ્વીકારી લેવું જોઈએ.
કર્મફળ નક્કી કરવાનું મારા હાથમાં નથી. જે વસ્તુ મારા હાથમાં ન હોય તેને જેવી છે તેવી જ સ્વીકારી લેવી જોઈએ, ફરિયાદ કર્યા વગર. આટલું જ કરીએ તો આપણું જીવન એકદમ સરળ બની જાય. જીવનમાં કોઈ શોક કે દુઃખ રહે જ નહીં. આપણે દુઃખી કેમ થઈએ છીએ? જે વસ્તુ કે જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય તે મોટે ભાગે આપણે સ્વીકારી લેતા નથી, સ્વીકારી શકતા નથી. આમ કેમ થયું? આમ કેમ ન થયું? હું કેમ નાપાસ થયો? પેલો કેમ પાસ થયો?
મને કેમ નોકરી ન મળી, પેલાને કેમ મળી? મને કેમ પ્રમોશન ન મળ્યું, પેલાને કેમ મળ્યું? વાતે-વાતે અને ડગલે-પગલે બસ દુઃખી થયા જ કરીએ છીએ. આ દુઃખનું કારણ શું છે ? જે ઘટનાઓ કે પ્રસંગો જીવનમાં બને છે, જીવનની જે વાસ્તવિકતાઓ છે, તેમને સ્વીકારી ન શકવાને કારણે જ આપણે દુઃખી થતા હોઈએ છીએ.
સ્વામી દયાનંદજી એક સુંદર દૃષ્ટાંત આપે છે. એક નાના બાળકને એના પિતાજીએ માટીની એક સરસ ઢીંગલી લાવી આપી. બાળકને તે ખૂબ ગમી ગઈ અને તે લઈને તે રમવા લાગ્યો. રમતાં રમતાં ઢીંગલી હાથમાંથી પડી ગઈ અને તૂટી ગઈ. બાળકે ભેંકડો તાણ્યો.
પિતાજી સમજાવવા લાગ્યા: ‘બેટા! શું થાય હવે? માટીની ઢીંગલી હતી તે તૂટી ગઈ.’
બાળક વધુ દુઃખી થઈને રડવા લાગ્યો. ‘મારી ઢીંગલી તૂટી જ કેમ? મારી જ કેમ તૂટી? મારા ભાઈની કેમ ન તૂટી?’
પિતાજીએ કહ્યું: ‘અરે, હું બીજી લાવી આપીશ. એમાં રડે છે શું?’ બાળકે હઠ પકડી: ‘ના, મારે તો એ જ ઢીંગલી જોઈએ.’
બાળકનું રુદન શમતું નથી. બાળકને રડવું આવે છે.
એના પિતાને કેમ રડવું નથી આવતું?
કેમ કે પિતા સમજે છે કે માટીની ઢીંગલી હતી અને તેથી તે તૂટવાની જ હતી. તેથી પિતા એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકે છે, પરંતુ બાળક આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. હકીકત સ્વીકારી લેવાની અશક્તિને કારણે તે ઘટનાનો વિરોધ કરે છે અને પરિણામે અત્યંત નિરાશ, અત્યંત દુઃખી થઈ જાય છે. જીવનમાં મોટા ભાગનું દુઃખ જીવનની વાસ્તવિકતાઓ ન સ્વીકારી શકવાને કારણે જ હોય છે.
માટીની ઢીંગલી તો તૂટે એવું સહજ રીતે સ્વીકારી લેનાર પેલો પિતા પોતાની ઑફિસમાં ઘટતી ઘટના નથી સ્વીકારી શકતો. પોતે ઇજનેર છે. સાથે બીજા પાંચ ઇજનેરો પણ કામ કરે છે. પોતે ખૂબ પરિશ્રમ કર્યો છતાં અંતે જ્યારે બઢતી જાહેર થઈ ત્યારે તે તેના એક સહ-ઇજનેરને એકલાને જ મળી. તરત જ તે સાહેબ પાસે ગયો અને પૂછ્યું: ‘સાહેબ, મને કેમ પ્રમોશન ન મળ્યું? પેલાને કેમ મળ્યું?
હું વધારે કામ કરું છું. સમયસર ઑફિસે આવું છું. પેલો તો ઑફિસે પણ મોડો આવે છે. છતાં તેને કેમ અને મને કેમ નહીં?’ સાહેબ સમજાવવા લાગ્યા: ‘એ માણસનો રેકર્ડ વધુ સારો છે, તે વધુ બુદ્ધિમાન છે અને વધારે સારું કામ કરે છે.’ આ ભાઈએ તો સાહેબને ધમકી આપી ‘પ્રમોશન નહીં આપો તો જતો રહીશ.’
સાહેબે સંભળાવી દીધું: ‘જવું હોય તો જઈ શકો છો.’ બસ, દુઃખી થઈને નોકરી છોડી દીધી. અંતે વધારે દુઃખી થયો. ‘મારા કરતાં પણ વધારે સમર્થ અને બુદ્ધિમાન માણસ હોઈ શકે’ એ હકીકત સ્વીકારવા તે તૈયાર નહોતો.
આ પણ વાંચો… Swamiji ni Vani part-15: કર્મ કારણ છે અને કર્મફળ એનું કાર્ય….