Swamiji ni Vani part-21: ખવડાવો અને ખાઓ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni Vani part-21: સમાજનો પ્રત્યેક સભ્ય જો એવી ભાવના રાખે કે હું સમાજની સેવા કરું, તો આપોઆપ બધા સેવા કરે અને બધાને સેવા મળે.

Swamiji ni Vani part-21: એક વાર દેવો અને દાનવો વચ્ચે મોટું યુદ્ધ થયું. છેવટે બંને વચ્ચે સુલેહ-શાંતિ થઈ અને તે પ્રસંગની ઊજવણી કરવાનું બન્ને પક્ષોએ નક્કી કર્યું. દેવતાઓએ સૌ દાનવોને સ્વર્ગમાં જમણ માટે નોતર્યા. દાનવોને તો કોઈ દિવસ સ્વર્ગમાં જવાની તક મળે જ નહીં. તેથી આવી તક મળતાં તેઓ ખુશ થઈ ગયા. છતાં ઊંડે ઊંડે તેમને બીક હતી કે દેવો તેમની સાથે બરોબર વર્તાવ કરશે નહીં.
દેવોએ મિજબાની માટે ઠાઠમાઠભરી ગોઠવણ કરેલી. મોટાં મોટાં ટેબલો ગોઠવેલાં. બન્ને તરફ સામસામે ખુરશીઓ મૂકેલી. મસમોટી થાળીઓના સેટ જેમાં ખૂબ વાટકીઓ, છરી-કાંટા વગેરે હતાં. સૌ સામસામે બેસી ગયા. એક પછી એક વાનગીઓ પીરસાવા લાગી. દાનવોના મોંમાં પાણી આવવા લાગ્યું. તેઓ તો સામાન્ય રીતે પીરસાવા લાગે કે તરત જ મોંમાં મૂકવા ટેવાયા હતા. કોઈકે કહ્યું કે, ‘આ તો સ્વર્ગ છે. બધાને બધી વાનગીઓ પીરસાઈ ન જાય ત્યાં સુધી કોઈથી જમાય નહીં.’
બધી વાનગીઓ પીરસાઈ જતાં તે લોકો ખાવા માટે અધીરા બની ગયા.
ત્યાં દેવોએ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ શરૂ કર્યો. આવી લાંબી લાંબી વિધિથી દાનવો અકળાવા લાગ્યા. છેવટે ગીતાપાઠ પણ પૂરો થયો. હવે તો દાનવોએ જમવા માટે કોળિયો પણ હાથમાં લીધો અને ત્યાં તો દેવો કહે:
‘હજી વાર છે. સ્વર્ગમાં કેવી રીતે ભોજન કરવું તેનો તમને ખ્યાલ નથી.’
આમ કહીને એક હાથ લાંબી પાતળી લાકડીઓ દેવોએ મંગાવી અને પ્રત્યેક રાક્ષસના જમણા હાથે એક એક લાકડી બાંધી દીધી અને ત્યાર પછી કહ્યું: ‘હવે જમો.’
પણ જમણા હાથે લાકડી બાંધી છે તેથી તે હાથને તો વાળી શકાય નહીં. પછી જમવું કેવી રીતે ? દાનવોને થયું કે આપણી સાથે દગો કરવામાં આવ્યો છે. આથી તે છંછેડાયા. ધૂંઆપૂંઆ થતાં ત્યાંથી ચાલ્યા જવાનું વિચારવા લાગ્યા. ત્યાં એમના એક વડીલે કહ્યું : ‘તમે જરા શાંત થાઓ. શાંત ચિત્તે વિચાર કરવાથી કોઈ માર્ગ નીકળશે.’
અંતે વડીલે પોતે જ વિચાર કરીને એક સુંદર માર્ગ બતાવ્યો. કહ્યું : ‘આ જે કાંઈ કરવામાં આવ્યું છે તેની પાછળ હેતુ છે. જુઓ, તમે હાથ વાળીને કોળિયો તમારા મોંમાં ન મૂકી શકો તો કાંઈ વાંધો નહીં. તમારી સામે બેઠેલાના મોંમાં આ કોળિયો મૂકો. સામેવાળો તમારા મોંમાં મૂકે. એમ અરસપરસને જમાડો.’ દાનવો તો ખુશખુશ થઈ ગયા. ‘આ તો બહુ મજાનું !’ સૌએ પ્રેમથી ભોજન કરાવ્યું અને કર્યું. બહુ ગમ્મત થઈ. આ તો સામેવાળાને જમાડવાનું અને સાથોસાથ પોતાને પણ જમવાનું !
આમ, બે પ્રકારનો આનંદ મળ્યો – ખવડાવવાનો અને ખાવાનો.
આ છે સેવાનો સિદ્ધાંત: પહેલાં ખવડાવો અને પછી ખાવ.
સમાજનો પ્રત્યેક સભ્ય જો એવી ભાવના રાખે કે હું સમાજની સેવા કરું, તો આપોઆપ બધા સેવા કરે અને બધાને સેવા મળે. આમાં સેવા કરવાનો અને સેવા મેળવવાનો એમ બેવડો આનંદ મળે. પરંતુ મનુષ્ય જો સ્વાર્થવૃત્તિથી પ્રેરાઈને પોતાનો જ લાભ જોતો હોય અને એમ કરવામાં બીજાને જે નુકસાન થાય છે તેનો ખ્યાલ ન કરતો હોય તો તે અન્યનો અને સાથે સાથે પોતાનો પણ વિનાશ નોંતરે છે.

આ પણ વાંચો:- Swamiji ni Vani part-20: ઉપનિષદો “વૈશ્વિક યજ્ઞ”નું બહુ સુંદર વર્ણન કરે છે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *