Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

પ્રસન્નતાપૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી

Swamiji ni Vani part-25: શાસ્ત્રો કહે છે કે સુખ કાંઈ બહાર નથી, સુખ તો મનુષ્યનો સ્વભાવ છે. મન જ્યારે શાંત હોય ત્યારે આ સ્વાભાવિક સુખનો અનુભવ તેને થતો હોય છે.
હું પૈસા એકઠા કરવા માટે જૂઠનો, પ્રપંચનો, અપ્રામાણિકતાનો આશ્રય લઉં. એ દ્વારા કદાચ હું ઘણા બધા પૈસા એકઠા કરવામાં સફળ થાઉં. પરંતુ આ પૈસા ભેગા કરવા પાછળનો હેતુ શો હતો ? હું આનંદમાં, સુખમાં રહું તે. પણ હું સુખી ક્યારે રહી શકું ?
જ્યારે મારું મન સ્વસ્થ હોય, શાંત હોય ત્યારે. પરંતુ સુખ-પ્રાપ્તિ માટેની પ્રક્રિયામાં જીવનનાં મૂલ્યોનો ભોગ આપીને હું મનમાં સંઘર્ષો વહોરી લેતો હોઉં, મનની શાંતિ-સ્વસ્થતા જ જો ગુમાવી દેતો હોઉં, મન જ ખોઈ બેસતો હોઉં તો જીવનમાં સગવડ તો બધી જ મળશે પરંતુ શાંતિ, સુખ નહીં મળે. એટલે ધર્મથી, જીવનનાં મૂલ્યોના આચરણથી જે પ્રાપ્ત થાય છે તે છે શાંતિ, સ્વસ્થતા, પ્રસન્નતા, સરળતા, સિદ્ધિ. પરંતુ આ ગુમાવીને આપણે બાહ્ય વસ્તુઓ, ધનસંપત્તિ, માનપ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ તો પણ તેમનો કોઈ ઉપયોગ વ્યાવહારિક રીતે છે જ નહીં. ધનથી આપણે પુસ્તકો ખરીદી શકીએ. પરંતુ એ પુસ્તકોનું કરવાનું શું ? માત્ર છાજલીઓ જ શણગારવાની, કારણ કે વાંચવા જેટલી મનની સ્વસ્થતા તો હું ગુમાવી બેઠો છું. આમ, પૈસાથી પુસ્તક ખરીદી શકાય પરંતુ જ્ઞાન મેળવી શકાય નહીં. ધર્મના પાલન દ્વારા જ મનની સ્વસ્થતા અને તે થકી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. તેથી ધર્મ એ જ એકમાત્ર વ્યાવહારિક વસ્તુ છે.
ધર્મનો ભોગ એટલે મારો પોતાનો જ ભોગ.
તેથી ભગવાન કહે છે : नियतं कुरु कर्म त्वम् | ધર્મ ઉપર આધારિત કર્મ કરવું એ જ તારે માટે યોગ્ય છે અને એ જ તારી ફરજ છે.
આમ, સમર્પણની, યજ્ઞની, ત્યાગની ભાવના ધર્મમાં અપેક્ષિત છે. પ્રામાણિકતા કે અહિંસાના પાલન માટે કોઈ ત્યાગની અપેક્ષા રહેવાની જ. સત્યનું પાલન કરવું હોય તો અસત્યનો ત્યાગ કરવો જ પડે અને અસત્યથી જે કાંઈ બાહ્ય લાભ મળવાનો હોય તે લાભનો પણ ત્યાગ કરવો પડે. અહિંસાનું પાલન કરવું હોય તો કોઈને ઈજા પહોંચાડવાથી મને જે લાભ મળતો હોય તેનો ત્યાગ કરવો જ પડે. તેથી, ધર્મ મનુષ્ય પાસે સતત ત્યાગની અપેક્ષા રાખે છે. રામાયણ-મહાભારતમાં આપણે જોઈએ છીએ કે સત્યના પાલન માટે શ્રીરામચંદ્રજીને કે યુધિષ્ઠિરને કેટકેટલું સહન કરવું પડ્યું. શ્રીરામચંદ્રજીને ચૌદ વર્ષ વનમાં જવાની જરૂર શી ? વનમાં જવાનું પિતાજીએ સીધેસીધું કહ્યું નથી, માતાજીએ કહ્યું છે. પિતાજીએ આવી આજ્ઞા સ્પષ્ટ રીતે કરી હોત તો વાત જુદી હતી. છતાં એને પિતાના વચન તરીકે સ્વીકારીને ભગવાન વનમાં ચાલ્યા ગયા. અયોધ્યાના સઘળા લોકોએ એમને આગ્રહપૂર્વક કહ્યું કે, ‘મહારાજ ! વનમાં ન જશો.’ અર્વાચીન યુગમાં શ્રીરામચંદ્રજીની જગ્યાએ બીજો કોઈ હોય તો તરત કહે, ‘રાજ્યની પ્રજા મારી સાથે છે માટે હું જ રાજ્યગાદી ઉપર બેસીશ, વનમાં નહીં જાઉં.’ પરંતુ શ્રીરામચંદ્રજીએ આમ નથી કર્યું, કારણ કે તેમને વચનનું કે ધર્મનું મૂલ્ય છે. તે જાણે છે કે ધર્મપાલન જ હિતકારી છે. તેમના મનમાં કેવી પ્રસન્નતા છે ! તુલસીદાસજી વર્ણન કરે છે કે રાજ્યાભિષેક થવાનો હતો તેથી તેમના મુખ ઉપર હર્ષનો કોઈ આવેગ ન આવ્યો કે વનવાસમાં જવાનું છે જાણી જરા સરખી પણ ગ્લાનિ ન આવી. શ્રીરામચંદ્રજીના શ્રીમુખની પ્રસન્નતામાં કાંઈ જ પરિવર્તન નથી.
ધર્મથી આપણે આ પ્રકારનું બળ પ્રાપ્ત કરી શકીએ છીએ.

આ પણ વાંચો:-Ayodhya Darshan BJP Campaign: રામલલાના દર્શનાર્થીઓ માટે ભાજપની ખાસ ભેટ, 1000 રૂપિયામાં કરાવશે દર્શન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *