Valentine week: ગુલાબ દિવસ નિમિત્તે કાંટાળો તાજ

Valentine week: હમણાં થોડીક ક્ષણો પહેલા મારી સાથે એક એવી ઘટના બની કે આ લખતાં લખતાં હજી પણ મારી આંખમાં ઝળહળીયાં છે. દરેક દીકરીની મા આ ખાસ વાંચે એવો મારો નમ્ર આગ્રહ છે. જેટલાં પણ લોકો મને નજીકથી ઓળખે છે એ બધા જ જાણે છે કે હું એક દિવસીય ઉજવવામાં આવતા જાતજાતનાં દિવસોની તરફેણમાં ક્યારેય વાત નથી કરતી.

આજે ઘણા બધા એ રોઝ ડે નિમિત્તે ખૂબ સરસ લખ્યું છે પણ મારાં ઘરમાં આવો કોઈ ઉલ્લેખ થાય નહિ એટલે મારી નાની દીકરીએ એના રંગબેરંગી કાગળોમાંથી મારાં માટે એને આવડે એવું ગુલાબ બનાવી મને આપ્યું. મને નવાઈ લાગી કે એને ક્યાંથી ખબર પડી કે આજે રોઝ ડે છે. જોકે એણે મારાં માટે એ રંગબેરંગી કાગળમાંથી ચિત્રમાં મૂક્યું છે એવું એક ફૂલ, એક ગુલાબ અને એક બુકે જેવું ઘણું બધું બનાવીને આપ્યું. એટલે મેં આશ્ચર્ય સાથે કહ્યું કે, “તને ખબર હતી કે આજે રોઝ ડે છે.” હવે એણે મારી સામે એવી વિસ્મયભરી દ્રષ્ટિથી જોયું કે એ વાત તો સ્પષ્ટ હતી કે એને આવો કોઈ ડે છે એ તો ખબર જ નહોતી. આજે એનું મને આ રીતે એના હાથેથી ગુલાબ બનાવીને આપવું એ એક યોગાનુયોગ જ કહી શકાય.

Valentine week, rose day

ખરી વાત તો હવે શરૂ થાય છે. મેં એનું ગુલાબ હાથમાં લીધું અને પછી પ્રેમથી એને ખોળામાં લીધી અને કપાળે એક વ્હાલભરી બચી ભરી. પછી એના માથે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું કે, “બેટા, મારું કોમળ અને સુંદર મજાનું ગુલાબ તો તું જ છે.” અને પછી એણે મને જે ૨ વાક્યો કહ્યા એ સાંભળી મારો શ્વાસ થંભી ગયો. મને લાગ્યું કે મારું હૃદય એક ધબકારો ચુકી જશે. આ વાત દરેક મા ધ્યાનથી સાંભળે તમને પણ કદાચ મનોમન તમારી મમ્મીની યાદ ન આવે તો મારો આ લેખ નકામો જાણજો.એણે મને કહ્યું કે, “મમ્મી, જો હું તારું ગુલાબ તો તું મારાં કાંટા…” અને ઘડીભર તો હું એની સામે જોઈ જ રહી કે મારી દીકરી મને કાંટા કહી રહી છે.

ક્ષણભર માટે મને મારું જીવન સાવ જ નિરર્થક લાગ્યું. એવું લાગ્યું કે એક મા તરીકે હું સંપૂર્ણ ફેઈલ ગઈ. કદાચ ધરતી મારગ આપે તો સમાઈ જવું એવા કેટકેટલાંય નકારાત્મક વિચારોએ મારાં પર પ્રભાવ જમાવવાની પૂર્ણ કોશિશ કરી પણ કોઈ દિવસ ક્યારેય કોઈને પણ ઉતાવળે જજ કરવાની મને આદત નહિ એટલે હું શાંત ચિત્તે એ આગળ શું બોલે છે એ વિચારે એકીટશે એની સામે શ્વાસ રોકીને જોઈ રહી. ૨ સેકન્ડ રહીને પછી એણે મને જે વાત કહી એ કદાચ હું આખી જિંદગી નહિ ભૂલું. મારાં માટે આનાથી ઉત્તમ એક મા માટેનો ઋણસ્વીકાર ન હોઈ શકે. એણે મને કહ્યું કે, “મમ્મી જેમ કાંટાઓ ગુલાબનું રક્ષણ કરે એમ તું કાયમ મારું રક્ષણ કરે. તું મને બધાથી બચાવે કે કોઈ મને નુકસાન ન પહોંચાડે. જેમ ગુલાબમાં કાંટા હોય તો તમે એને ચૂંટી ન શકો એવી રીતે મને પણ કોઈ તકલીફ પહોંચાડે તો એની પહેલાં જ તું કાંટા બનીને મને બધી તકલીફોથી બચાવી લે.”આ વાત મારી નાની અમથી ૮ વરસની દીકરીએ મારી આંખોમાં આંખો પરોવીને, એટલું શાંતિથી, બહુ જ સ્વસ્થ રીતે, ખૂબ સમજી વિચારીને કહ્યું. હું તો આ નાનાં અમથા મગજની ઉપજ જોઈ હજી પણ આભી બનીને બેઠી છું.

મારી દીકરીને મારે શું કહેવું એ બે ઘડી તો સમજાયું નહિ. મારી આંખોમાં ઝળહળીયાં આવે એ પહેલાં હું એની આંખોમાં એ નમણાંશ જોઈ શકતી હતી. એ મને વળગી પડી અને મને કહ્યું કે, “આખી જિંદગી તું આમ જ મારાં માટે કાંટા બનીને રહીશ ને ?”મારું મગજ જાણે સ્થિર થઈ ગયું મને મારાં કાંટાની એટલે કે મારી મમ્મીની અત્યાર સુધીની જીવનયાત્રા નજર સમક્ષ તરવરી ઉઠી. અચાનક મારી મમ્મીએ મારાં માટે અને મારાં લીધે ભોગવેલી એ તમામ તકલીફો, એ ત્યાગ, એ ચિંતા, એ વ્યાકુળ નજર બધું જ જાણે એક્સામટું આંખ સામેથી પસાર થઈ ગયું. સાચે જ મારું મગજ થોડી વાર બહેર મારી ગયું.

આ પણ વાંચો:-Valentine day special: ગુજરાતનું એક એવું ગામ જેનું નામ છે વેલેન્ટાઈન ડે, અહીં જાણો શું છે કારણ…

એની દીકરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે કે કોઈ અનિષ્ટ તત્ત્વો એને નુકસાન ન પહોંચાડે એ માટે એણે આખી જિંદગી સતત કાંટા બનીને એની ફૂલ જેવી કોમળ દીકરીનું જતન કર્યું. મને વિચાર એ આવ્યો કે આખી જિંદગી એના ફુલગુલાબી સંતાનો માટે કાંટા બનીને રહેવું એ ફક્ત એક મા ને જ પાલવે. ઘણી વાર દીકરીઓ એક ઉંમર સુધી એની મા ને સમજવામાં હંમેશા થાપ ખાતી હોય છે. દીકરીઓને મા કાયમ કડવી લાગતી હોય છે કેમકે એ હંમેશા સાચી અને એના હિતની જ વાત કરતી હોય છે. મા થી વધારે દુનિયામાં કોઈનો નિઃસ્વાર્થ પ્રેમ હોય તો કદાચ એની મને જાણ નથી. ઈશ્વર પણ સુખ અને દુઃખ બરાબર આપે છે પણ જો આપણી તકદીર લખવાનો હક જો આપણી મા પાસે હોય તો હું કોરાં કાગળ પર લખી આપું કે મા નું કોઈ સંતાન ક્યારેય દુઃખી ન થાય. મને યાદ છે કે જ્યાં સુધી નવરાત્રીમાં ગરબા પતાવી મારો પગ ઘરમાં ન પડે ત્યાં સુધી એણે કોઈ દિવસ એની આંખો મીંચી નથી.

મારાં પર ઘણા નિયંત્રણો હતાં જે સ્વાભાવિક રીતે જ એક દીકરીનાં માતાપિતા અમુક ઉંમર સુધી રાખતાં હોય. જોકે એ અલ્લડ ઉંમરનો પ્રભાવ હતો કે મને એમ લાગતું કે મારી મમ્મીની જાણે કેમ હું નવી નવાઈની દીકરી ન હોઉં. જેમ જેમ સમજ આવતી ગઈ એમ એમ હું એને સમજતી ગઈ પણ ઘણીવાર જાણેઅજાણે કાચી ઉંમરમાં દીકરીઓ એની મમ્મીને ઘણો અન્યાય કરી બેસતી હોય છે અને સમજાય ત્યાં સુધીમાં આપણે મમ્મીની જિંદગીનાં અમુક વર્ષો આપણી અણસમજને અને ગેરસમજનાં લીધે ઓછાં કરી નાંખ્યા હોય છે. એક દીકરી જયારે મા બને છે ત્યારે તો એને સમજાય જ છે કે એની મા પળેપળ સાચી હતી પણ ત્યાં સુધી એ તમામ દીકરીઓની મા ને કેટલી પીડા, કેટલી ચિંતા સહન કરવી પડે છે.

કદાચ જે સમજતાં મને વર્ષોનાં વર્ષો લાગ્યાં એ મારી દીકરી મને આવડી નાની ઉંમરમાં કેટલું સરળતાથી કહી ગઈ. આજે એક વાતનો સંતોષ ચોક્કસ છે કે કદાચ એક મા તરીકે હું હજી સુધી તો ઉણી નથી જ ઉતરી. મારી નાની અમથી દીકરી જો એટલું મને સમજી શકી કે એની મા એ એની આસપાસનાં કાંટા છે તો આ કાંટાઓનો ખિતાબ મારાં સર આંખો પર. મારી દીકરી આજનાં ગુલાબ દિવસ નિમિત્તે આનાથી કોમળ ભેટ મને ન આપી શકી હોત. હે ઈશ્વર ! દરેક સંતાનનાં માથે એની મા નો હાથ અને આશીર્વાદ સદાય રાખજે. મારી માતા સહીત દુનિયાની તમામ માતાઓ જે કાંટાળી વાડ બની એમના સંતાનોનું આજીવન રક્ષણ કરે છે એ સર્વેને મારાં નતમસ્તક પ્રણામ..!! – વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *