સ.સં. ૧૩૯૭ COVID 19 HPSPITAL Nursing Sttaf ON DEDICATED DUTIES 6 1

ચાર વર્ષના બાળકથી દૂર રહી કોવિડ હોસ્પિટલ ખાતે નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહી છે:નિતાબેન વૈષ્લાણી

આરોગ્યક્ષેત્રના આધારસ્તંભ સમાન રાજકોટ કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા  તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ ત્રણ આધારસ્તંભ સમાન છે. જે નિર્વિવાદ અને સ્વંય સ્પષ્ટ છે. કોરોના મહામારીને નાથવા આ તમામ આરોગ્ય કર્મીઓ તેમની પરિવારીક ફરજ કરતા પણ દેશપ્રેમ અને દેશવાસીઓ પ્રત્યેની તેઓની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી દિવસ-રાત જોયા વગર સતત કાર્યરત છે.

સ.સં. ૧૩૯૭ COVID 19 HPSPITAL Nursing Sttaf ON DEDICATED DUTIES 6 1

વાત આવા જ કંઇક પરિવારથી દુર રહીને માત્ર કોરોનાને નાબુદ કરવાના ધ્યેયને વરેલા કોરોના યોધ્ધાઓની પ્રેરણાદાયી કર્મપરાયણતા તથા ફરજ નિષ્ઠાની છે. રાજકોટ ખાતે કોરોના સંક્રમિત લોકોને વિનામૂલ્યે સારવાર આપી તેઓને કોરોના મુક્ત કરવા તૈયાર કરેલ ડેડિકેટેડ કોરોના હોસ્પીટલ (કોવિડ-૧૯) માં કાર્યરત એવા સ્ટાફ નર્સોની અનુભવોને જાણીએ……

 માત્ર ચાર વર્ષના બાળકની સ્નેહાળ માતા એવા નિતાબેન વૈષ્લાણી કોવીડ-૧૯ ખાતે સ્ટાફ નર્સ તરીકેની મહત્વપૂર્ણ ફરજો બજાવે છે. તેઓ સાલસભાવે કહે છે કે અહીં સારવાર માટે આવતા દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ પરિવારના સભ્યોના અભાવે પારિવારીક એકલતા અનુભવતા હોય છે. અમારી પ્રથમ અને મહત્વપૂર્ણ કામગીરી તેઓને પારિવારીક હુંફ સાથે તેઓનેા વિશ્વાસ સંપાદન કરવાની હોય છે. જેથી નિયમીત તપાસ અને સઘન સારાવારમાં તેમનો સહયોગ સાંપડે છે. દર્દીઓના અમારા પ્રત્યેનો વિશ્વાસએ અમારી સારવારને વધુ સફળ બનાવવા માટે અસરકારક પરિબળ સાબિત થાય છે. આ તકે તેઓ પોતાના ચાર વર્ષના બાળક સહિતના સમગ્ર પરિવારજનોના ત્યાગ અને સહકારને વર્ણવતા કહે છે કે મારો સમગ્ર પરિવાર દેશ પ્રત્યેના આપદકાળની ફરજનિષ્ઠા માટે મારી સાથે સતત અડીખમ ઉભો છે. આથી જ અમે સૌ દેશપ્રેમને સુપેરે નિભાવીને કોરોના મહામારીના અંત સુધી અમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા વચનબધ્ધ છીએ.

આવું જ કંઇક છેલ્લા ૧૫ વર્ષની સીવીલ હોસ્પીટલ ખાતે સ્ટાફ નર્સની ફરજ બજાવતા શ્રી  ભાર્ગવભાઇ માઢક કહે છે કે, અહીં ઘણા દર્દીઓ ગંભીર સ્થિતીમાં સારવાર લઇ રહયા હોય છે. તેઓ બોલી પણ શકતા નથી ઘણાને શ્વાસ માટે બહારથી નળી મુકી ઓકસીજન આપવામાં આવે છે, તો ઘણાને આર્ટીફીડીંગ વડે ખોરાક અને દવાઓ આપવી પડે છે. આવા દર્દીઓ સાથે અમે સૌ પ્રથમ આત્મીયતા કેળવીએ છીએ જેથી તેઓના માત્ર ઇશારાઓને સમજી અમે તેમની દરેક જરૂરીયાતોને પરિવારજનની માફક પરીપૂર્ણ કરી શકીએ છીએ. આ બાબત કઠીન છતાં ગૌરવ અને આત્મસંતોષ પ્રદાન કરે છે. મારા પરીવારને માટે અમારી આ કોરોના સામેની જંગની રાષ્ટ્રને સમર્પિત ફરજો આત્મગૌરવ આપે છે. જયારે તેઓનો સક્રિય સહયોગ અમને વધુ જોમ અને જુસ્સો પુરો પાડે છે.

   આ હોસ્પિટલ ખાતે શ્રી શારદાબેન દૂરીયા પણ કોરોનાને દેશવટો આપવાના એક માત્ર ધ્યેય સાથે સ્ટાફ નર્સ તરીકે કાર્યરત છે, તેઓ જણાવે છે કે સમગ્ર દેશ અને તંત્ર જયારે કોરોનાને નાબુદ કરવા એક થઇને કાર્ય કરી રહયા છે, તેવા સમયે અમને આ કાર્યમાં મહત્વપૂર્ણ ફરજો અદા કરવાની તક મળી છે, તે અવસરને અમે સૌ ટીમના સભ્યો માથે ચડાવીએ છીએ અને ભરોસો આપીએ છીએ કે કોરોનાને દેશવટો આપીને જ જંપીશું.

 સમગ્ર દેશમાં આવા આપદકાળે પ્રથમ રહેવાની ભાવના સાથે રાષ્ટ્રપ્રેમથી છલોછલ અને રાષ્ટ્રને સમર્પીત એવા દેશબાંધવો પ્રત્યેની ફરજનિષ્ઠાને વરેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓની ત્યાગ અને સમર્પણની ભાવના સાથેની ફરજનિષ્ઠાને સલામ કરી ભારતવર્ષના એક સાચા નાગરીક તરીકે આપણે બિરદાવીએ..