Development Projects: અમદાવાદમાં અમિત શાહના હસ્તે ₹1,400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Development Projects: ગુજરાતને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં ડ્રગ્સ ફ્રી રાજ્ય બનાવવાની સામૂહિક જવાબદારી લેવા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું આહ્વાન
ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે કડક કાર્યવાહી કરાશે, ૧ ડિસેમ્બર પછી નાગરિકો ‘૧૦૩૩’ નંબર પર નિઃસંકોચ માહિતી આપી શકશે:- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ
અમદાવાદ, 09 નવેમ્બર: Development Projects: તહેવારોની સીઝન અને નવા વર્ષ પૂર્વે અમદાવાદ શહેરના નાગરિકોને સુવિધા અને સમૃદ્ધિની અનન્ય ભેટ આપતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હાથ ધરાયેલા અંદાજિત રૂ. ૧૪૦૦ કરોડથી વધુના ૩૦ જેટલાં પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

વિવિધ જનકલ્યાણલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, નિકોલના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વાડજ રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા પાકા મકાનો સહિત ૯૦૦૦થી વધુ આવાસો અને ૧૬ દુકાનોનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરી જરૂરિયાતમંદોને ઘરની ચાવીઓ અર્પણ કરી હતી. આ તકે એસ.જી. હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરતા અંદાજિત રૂ. ૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇસ્કોનથી સાણંદ ૬ લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન (Development Projects) અમદાવાદ ટુરિઝમના લોગોનું અમિતભાઈ શાહના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું તથા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્રણ લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઘરના ઘરની ચાવી એનાયત કરી હતી.
વધુમાં, શહેરની પીવાના (Development Projects) પાણીની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જાસપુર ખાતે નવનિર્મિત ૨૦૦ MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ૭.૪૦ કિમી લાંબી ટ્રંક મેઇન લાઇન પ્રોજેક્ટ પણ લોકાર્પિત કરાયા હતા. સાથોસાથ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ. ૬૨.૩૧ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનાર ટ્રોપિકલ ફોરેસ્ટ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં સિનિયર સિટીઝન પાર્ક, યોગા કોર્નર, ડ્રેનેજ નેટવર્ક, બસ ડેપો/ટર્મિનસ, સ્લમ રિડેવલપમેન્ટ, રાઇઝિંગ મેઈન તથા સ્ટ્રોમ વોટર પંપિંગ સ્ટેશન જેવા મહત્વકાંક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશ અને રાજ્યની યુવાધન સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે યુવાઓની આવનારી પેઢીને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવાઈ છે. ગુજરાતને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં ડ્રગ્સ ફ્રી રાજ્ય બનાવવાની સામૂહિક જવાબદારી લેવા આહ્વાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ૧ ડિસેમ્બર ૨૦૨૬થી ૧૦૩૩ ડાયલ-ફ્રી હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવનાર છે.
નાગરિકો, વાલીઓ અને શિક્ષકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે જો આસપાસમાં ક્યાંય પણ ડ્રગ્સનું વેચાણ કે સેવન થતું જણાય તો ૧ ડિસેમ્બર ૨૦૨૬ પછી નાગરિકો નિઃસંકોચ ૧૦૩૩ પર માહિતી આપે, જેથી કડકમાં કડક કાર્યવાહી કરીને તેના માટે જવાબદારોને જેલના સળિયાઓ પાછળ ધકેલી શકાય.
આ સાથે પોતાની રાજકીય અને સામાજિક કારકિર્દીની શરૂઆતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જે રામાપીરના ટેકરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો, તે જ સ્લમ વિસ્તારના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે આધુનિક સગવડોથી સજ્જ પાકા મકાનો અને દુકાનોના કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ચાવી વિતરણથી ગરીબ પરિવારોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઝૂંપડપટ્ટીના સ્થાને ઘરનું ઘર આપવાની યોજનાથી આજે લાખો ગરીબોના જીવનમાં નવો પ્રકાશ પથરાયો છે.
આ પણ વાંચો:- Samantha Pregnancy: સામંથાનો અનોખો મેટરનિટી ફોટોશૂટ, તસવીર થઈ વાયરલ
વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત (Development Projects) પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસને પર્વ તરીકે ઉજવવાની શરૂ કરાવેલી પરંપરાને આગળ વધારતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દિવાળી અને નવા વર્ષની સીઝનમાં અબજો રૂપિયાના સુવિધાજનક કામોથી શહેરીજનોની દિવાળી વધુ પ્રકાશમય બનાવી છે.

મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નવનિર્મિત ઇસ્કોન-સાણંદ ફ્લાયઓવરથી રોજબરોજ અવરજવર કરતા લાખો લોકોને ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળશે, જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ થવાથી જળભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં આંતરિક સુરક્ષા દ્રઢ બની છે; કલમ ૩૭૦ નાબૂદી, નવા ફોજદારી કાયદાઓ અને નક્સલવાદના ખાતમા જેવા નિર્ણયથી દેશ સુરક્ષિત બન્યો છે. આ ઉપરાંત, દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે અમિતભાઈ શાહે નાનામાં નાના માણસને સહકાર સાથે જોડીને સમૃદ્ધિની નવી દિશા આપી છે અને આવાસ યોજનાઓ થકી ગરીબોને પાકા મકાનો મળતા તેમનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આજે (Development Projects) વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ગાંધીનગર લોકસભાના નાગરિકોને મળી છે.
૯ હજારથી વધુ લોકોને ઘરના ઘર મળવાના છે ત્યારે આ નવી શરૂઆત તેમના પરિવારોના જીવનમાં ઉજાસ લાવશે. શહેરના અંદાજિત ૧૨ લાખથી વધુ પરિવારો માટે પીવાના પાણીની સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, આંગણવાડી, સિનિયર સિટીઝન પાર્ક સહિતના કાર્યોના આજે લોકાર્પણ- ખાતમુહૂર્ત થયા છે, જે શહેરીજનોની સુખાકારીમાં વધારો કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત (Development Projects) પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અંતર્ગતના વિધાનસભા મત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અગ્રણી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યો તેમજ સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. ૬૪૧.૯૩ કરોડના ખર્ચે લોકાર્પણ પામેલા મુખ્ય પ્રજાલક્ષી કાર્યો:
- જાસપુર વોટર વર્ક્સ ખાતે ૨૦૦ MLD ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
- AMC ની વીજ જરૂરિયાત માટે ૩૦ મેગાવોટ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ
- જાસપુર WTP થી કે.ડી. હોસ્પિટલ સુધી ૨૫૦૦ મીમી વ્યાસની ટ્રંક મેઇન પાઇપલાઇન
- વાડજ રામાપીરના ટેકરા (સેક્ટર-૫ અને ૧) ખાતે કુલ ૧૨૩૨ પાકા આવાસો અને ૧૬ દુકાનોનું લોકાર્પણ તથા ડ્રો
- ઉત્તર પશ્ચિમ ઝોનના જગતપુર ખાતે ૧૫ MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
- ગોતા બંધન ટ્રાયએન્ગલ ખાતે ઇન્ફિલ્ટ્રેશન ટેન્ક અને ૬૦ MLD પમ્પિંગ સ્ટેશન
- નવા રાણીપ (ટી.પી. ૬૬/એ) અને ચાંદલોડિયા ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો
- કેશવનગર અને મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશન
- રાણીપ બસ સ્ટેન્ડ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ખાતે ૨૦ લાખ લીટર ક્ષમતાની ઓવર હેડ ટાંકી
- ગોતા (સાયન્સ સીટી) અને ત્રાગડ ખાતે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટર્સ
- જોધપુર ખાતે નોલેજ હબ (લાયબ્રેરી), ૬ મ્યુનિસિપલ સ્માર્ટ શાળાઓ અને સિનિયર સિટીઝન પાર્ક
- ભારત સરકારની ‘SMILE’ યોજના હેઠળ અમદાવાદ ખાતે ભિક્ષુક મુક્ત સિટી માટેના આશ્રયગૃહનો પ્રારંભ
રૂ. ૩૮૨.૦૮ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત પામેલા મુખ્ય પ્રજાલક્ષી કાર્યો:
- નવા વાડજ (હનુમાનપુરા ચાલી અને પરીક્ષિતલાલ નગર) ખાતે ૨૦૦૨ આવાસો તથા ૮૪ દુકાનોનું પુનઃવસન પ્રોજેક્ટ
- સાબરમતી રિવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડન ખાતે ક્લાઇમેટ-કન્ટ્રોલ્ડ ડોમ સાથે ટ્રોપિકલ ફોરેસ્ટ (રૂ. ૬૨.૩૧ કરોડ)
- સરખેજ, મકરબા અને ઓકાફ (ટી.પી. ૮૭, ૮૮, ૨૦૧) વિસ્તારોમાં માળખાકીય ડ્રેનેજ નેટવર્ક લાઇન નાખવાનું કામ
- બોપલ-ઘુમા રત્ના તળાવ પાસે ૧૪૦૦ મીમી રાઇઝિંગ મેઇન સાથે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન
- ઘુમા (ટી.પી.-૨) ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સુવિધા ધરાવતો બસ ડેપો અને ટર્મિનસ
- ચાંદલોડિયા (ત્રાગડ) ખાતે સિનિયર સિટીઝન પાર્ક તથા યોગા કોર્નરનું નિર્માણ
