WhatsApp Image 2020 11 12 at 4.47.10 PM edited

સરકારી નર્સિંગ કોલેજની ૧૯ બહેનોની સિવિલના ગાયનેક વિભાગમાં અવિરત સેવા

Nursing student Surat
  • સરકારી નર્સિંગ કોલેજની એન.પી.એમ.માં અભ્યાસ કરતી ૧૯ બહેનોની સિવિલના ગાયનેક વિભાગમાં અવિરત સેવા
  • ગાયનેક વિભાગમાં પ્રસુતાને પારિવારિક વાતાવરણ પૂરૂ પાડતી નર્સિંગ સ્ટાફની બહેનો

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૧૨ નવેમ્બર: કોરોના વૈશ્વિક મહામારીના કારણે લાખો આરોગ્યકર્મીઓ અને આમ જનતા વચ્ચે માનવીય સેતુ રચાયો છે. એક સમયે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી કે હોસ્પિટલમાં સ્ટાફની અછત વર્તાઈ હતી, પરંતુ હાલ કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સફળતા મળી રહી છે, નવી સિવિલના તબીબો સાથે કોરોનાને હરાવવા નર્સિંગ સ્ટાફનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. સરકારી નર્સિંગ કોલેજની એન.પી.એમ. (નર્સ પ્રેક્ટિસનર ઈન મિડવાઈફરી)માં અભ્યાસ કરતી ૧૯ બહેનો નવી સિવિલના ગાયનેક વિભાગમાં ખભેખભા મિલાવી દિવસ-રાત સેવા આપી રહી છે. નર્સિંગ સ્ટાફની બહેનો સિવિલના ગાયનેક વિભાગમાં પ્રત્યેક પ્રસુતાને પારિવારિક વાતાવરણ પૂરૂ પાડી હૂંફ આપી રહી છે.

છેલ્લા એક વર્ષથી ઘરથી દૂર રહીને સુરતની સરકારી નર્સિંગ કોલેજમાં એન.પી.એમ. નો અભ્યાસ કરી રહેલા મૂળ અંકલેશ્વરના સ્ટાફ નર્સ જેમિમા ક્રિશ્વિયને જણાવ્યું કે, કોરોનાએ કહેર વર્તાવી સમગ્ર વિશ્વને હચમચાવી નાંખ્યું છે. એવામાં સગર્ભા માતા અને ગર્ભમાં રહેલા બાળક માટે આ સમય સૌથી વધુ ચિંતાભર્યો હોય છે. નવી સિવિલના ગાયનેક વિભાગમાં પ્રત્યેક પ્રસુતા મહિલાને કોરોનાથી સુરક્ષિત રાખવી અમારૂ લક્ષ્ય રહ્યું છે. છેલ્લા ચાર મહિનાથી પીપીઈ કીટ, ફેસ માસ્ક પહેરી તેમજ સાવચેતી રાખી નૈતિક ફરજ નિભાવું છું જેની મને ઘણી ખુશી છે.

Nursing student Surat

જેમિમા વધુમાં જણાવે છે કે, ‘મધર હૂડ ઈઝ અ બિહેવીઅર ટુ લવ સમવન, ટુ કેર સમવન, ધેટ ઈસ અ મધરહૂડ.. ડોન્ટ લેબલ મધરહૂડ.’ સામાન્ય રીતે દિવાળીના સમયમાં આવતું વેકેશન પરિવાર સાથે હરવા-ફરવાનો સમય હોય છે, પણ મારા માટે આ સમય પીડિત દર્દીઓની સેવા કરવાનો છે. મૂળ પાલનપુરના વાવ તાલુકાના જોરડીયાલી ગામના વતની અને છેલ્લા એક વર્ષથી સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા શ્રી અવતાર ઘાંચીએ જણાવ્યું કે, મારી ભાવના છે કે હેલ્થ એજ્યુકેશન સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે. સગર્ભા માતાને પડતી મુશ્કેલીને દૂર કરવાનો મને મોકો મળ્યો તેનો મને ઘણો આનંદ છે. મોટાભાગની સગર્ભા મહિલાઓને હાલમાં એ ચિંતા સતાવતી હોય છે કે કોરોના મહામારીમાં બાળક કોરોનાના ચેપથી સુરક્ષિત રહે એ માટે કેવી કાળજી લેવી? અમે આ તમામ બાબતો અંગે પ્રસુતા માતાઓને શિક્ષિત કરીએ છીએ

ગુજરાત નર્સિંગ અસોસિએશનના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, સામાન્ય પ્રસૂતિ બાદ માતા લગભગ એક અઠવાડિયામાં પોતાની કાળજી લેવા સક્ષમ થાય છે, તેમજ નવજાત બાળકની કાળજી માટે લાંબા સમય સુધી અન્ય ઉપર અવલંબિત રહેવું પડે છે. જે માટે એન.પી.એમ. માં અભ્યાસ કરતી ૧૯ બહેનો પરિવારના એક સદસ્યની ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. સુરત સરકારી નર્સિંગ કોલેજમાં ગુજરાતના જુદા જુદા શહેરોથી અભ્યાસ માટે આવતી બહેનોએ હેલ્થ એજ્યુકેશન લઈ બાળમૃત્યુ દરને ઓછો કરવાનું જે બીડું ઝડપ્યું છે તે બિરદાવવાલાયક છે. આ કોર્ષ કર્યા પછી સગર્ભા માતાની કાળજીથી લઈને જાતે જ ગર્ભવતી મહિલાની સ્વતંત્ર રીતે પ્રસુતિ કરાવી શકે છે. આગાઉના સમયમાં દાયણ બહેનો પ્રસુત્તિ કરાવતી. NPM કરી તાલીમબદ્ધ થયેલી બહેનો માટે આગળ M.sc, P.hdના ઉચ્ચ અભ્યાસ માટે માર્ગ પણ ખુલતા હોય છે એમ તેમણે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *