Nitin Patel

પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી

Nitin pate 1

કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ
▪રાજ્યના પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

  • ગોધરામાં મેડીકલ કોલેજ માટે રૂ. ૩૨૫ કરોડના ખર્ચે હયાત સરકારી હોસ્પિટલને અપગ્રેડેશન કરી મેડીકલ કોલેજ સ્થપાશે
  • વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા હોસ્ટેલના નિર્માણ માટે ૨૦ એકર જમીન ફાળવાઇ
  • જિલ્લાની હયાત હોસ્પિટલને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની હોસ્પિટલ ઉપલબ્ધ થશે : દર્દીઓને આધુનિક સારવાર સત્વરે પ્રાપ્ત થશે
  • પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ મળશે : આ સાથે રાજ્યમાં મેડીકલની અંદાજે ૬૦૦૦ બેઠકો ઉપલબ્ધ થશે

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજયમાં પ્રજાજનોને આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે રાજય સરકારે અનેકવિધ પગલા લીધા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ હતી તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓમાં મેડીકલ કોલેજ સ્થાપવા માટે દરખાસ્ત કરાઇ હતી. તે પૈકી અગાઉ રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લા ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડીકલ કોલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે અને દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા મળે તે માટે દરખાસ્ત કરેલ. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂ.૧૩૫ કરોડ મળી કુલ રૂ. ૩૨૫ કરોડના ખર્ચે ગોધરા ખાતે આ કોલેજ કાર્યરત કરાશે. જેમાં હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. આ કોલેજમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર વિદ્યાર્થીઓને મેડીકલના અભ્યાસ માટે પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા હોસ્ટેલના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦ એકર જમીન ફાળવી દેવામાં આવી છે.

loading…

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૩ મેડીકલ કોલેજો કાર્યરત છે. ગોધરા ખાતે નવીન કોલેજના નિર્માણ થકી ૧૦૦ બેઠકો ઉમેરાતાં હવે રાજ્યમાં અંદાજે ૬૦૦૦ થી વધુ તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-૩ નવી મેડીકલ કોલેજોમાં ૩૦૦ બેઠકો માટે અને હયાત હોસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ મંજૂરી મળી ચુકી છે જેનો લાભ રાજ્યને મળશે.