Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
Clean India: ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા
રાજકોટ, 18 સપ્ટેમ્બર: Clean India: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન 02 ઑક્ટોબર 2026 સુધી ચાલશે. આ વર્ષે આ અભિયાનનો મુખ્ય વિષય (થીમ) “સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત” રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 01 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર 2026 દરમિયાન ‘સ્વચ્છતા પખવાડિયા–2026’નું આયોજન કરવામાં આવશે.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅભિયાનના પ્રથમ દિવસે રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે પરિસરોમાં સ્વચ્છતા શપથ અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર કચેરીના કોન્ફરન્સ હોલમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલવે પરિસર અને સ્વચ્છ પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્વચ્છ રેલવે–સ્વચ્છ ભારતના નિર્માણમાં જનભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રથમ દિવસે યાંત્રિક વિભાગના કોચિંગ ડેપો, રેલવે સ્ટેશનો, રેલવે કોલોનીઓ, ઇલેક્ટ્રિકલ ડેપો તેમજ અન્ય રેલવે પરિસરોમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા શપથ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા, સ્વચ્છતા સંબંધિત સારી આદતો કેળવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે વાંકાનેર હેલ્થ યુનિટ દ્વારા પોષણ સંબંધિત ખામીઓ અંગેની જાગૃતિ સાથે સ્વચ્છતા અને જળ સંચય સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત આજે રેલવે કર્મચારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

અભિયાન દરમિયાન રાજકોટ ડિવિઝનમાં રેલવે સ્ટેશનો, ટ્રેનો, રેલવે ટ્રેક, રેલવે કોલોનીઓ અને કચેરી પરિસરોમાં વ્યાપક સ્વચ્છતા તેમજ જનજાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવશે. જેમાં સામૂહિક શૌચાલયો અને કચરા-સંવેદનશીલ વિસ્તારોની સફાઈ અને સૌંદર્યીકરણ, સ્ટેશનો અને ટ્રેનોની સઘન સફાઈ, કચરાનું વર્ગીકરણ અને પ્લાસ્ટિક-મુક્ત અભિયાન, રમતગમત અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ, પ્રવાસન અને વારસાના સ્થળોની સફાઈ, કચરામાંથી કલા (કબાડ સે કલા) અને રિસાયક્લિંગ તેમજ સફાઈ મિત્રો માટે સ્વાસ્થ્ય તપાસ અને સન્માન સમારોહ જેવી મુખ્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
01 ઑક્ટોબરના રોજ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ અંતર્ગત શ્રમદાન તથા 02 ઑક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે સામૂહિક સ્વચ્છતા શપથ, પ્રભાત ફેરી અને ‘એક વૃક્ષ માતાના નામે’ (એક પેડ માઁ કે નામ) જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આમ, ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનના પ્રથમ દિવસે આયોજિત પ્રવૃત્તિઓ થકી સ્વચ્છતા, આરોગ્ય, જળ સંરક્ષણ અને જનભાગીદારી પ્રત્યે જાગૃતિને વેગ મળ્યો હતો. રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતાને નિરંતર જનભાગીદારી અને સામૂહિક જવાબદારી તરીકે સ્વીકારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
