mag mandi

MSP 2026: ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી 30 નવેમ્બરથી શરૂ, પ્રતિ ક્વિન્ટલ ₹8,780 મળશે

WhatsApp Channel Follow કરો →

ગાંધીનગર, 24 નવેમ્બર । MSP 2026: રાજ્યમાં ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે અને બજારમાં ઓછા ભાવને કારણે આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આગામી 30 નવેમ્બર, 2026થી આ ખરીદી શરૂ થશે. ખરીફ મગ માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27નો લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ ₹8,780 નક્કી કરવામાં આવ્યો છે.

પ્રતિ ક્વિન્ટલ ₹8,780નો ટેકાનો ભાવ

ખરીફ મગનો ટેકાનો(MSP 2026)ભાવ ₹8,780 પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ મણ ₹1,756 નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યની વિવિધ APMCમાં મગનો સરેરાશ બજાર ભાવ આશરે ₹8,190 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે, જે ટેકાના ભાવ કરતાં ઓછો છે. તેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.

ખેડૂત દીઠ વધુમાં વધુ 2,500 કિલો (MSP 2026) ખરીદી

સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ પ્રતિ હેક્ટર 550 કિલો (27.5 મણ) ખરીફ મગની ખરીદી કરવામાં આવશે. જ્યારે એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 2,500 કિલો (125 મણ) સુધી ખરીદી કરી શકાશે. આ ખરીદી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA)ની માર્ગદર્શિકા મુજબ હાથ ધરાશે.

આ પણ વાંચો:- Idli Capital of the World: દુનિયાની ‘ઇડલી રાજધાની’ કયું શહેર? જવાબ જાણીને તમને નવાઈ લાગશે!

SMS મળ્યા બાદ ખરીદ કેન્દ્ર પર પહોંચવાનું રહેશે

ટેકાના ભાવે ખરીદી (MSP 2026) માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મળ્યા બાદ તેમના માટે ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર નિર્ધારિત ગુણવત્તાના મગના જથ્થા સાથે હાજર રહેવાનું રહેશે. ખરીદીની રકમ સીધી ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે.

બેંક ખાતાનું આધાર સીડીંગ કરાવવું જરૂરી

ચુકવણીમાં વિલંબ કે મુશ્કેલી ન થાય તે માટે(MSP 2026) કૃષિ વિભાગે ખેડૂતોને પોતાના બેંક ખાતાનું આધાર સીડીંગ કરાવી ખાતું એક્ટિવ રાખવા ખાસ અપીલ કરી છે. રાજ્યમાં PM-AASHA હેઠળ સમાવિષ્ટ અન્ય ખરીફ પાકોના બજાર ભાવ હાલમાં ટેકાના ભાવ કરતાં વધુ ચાલી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.