Surat Teachers

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઇ સુરત જિલ્લાનું ગૌરવ વધારશે શિક્ષક રાજેશભાઈ

માતૃભાષા સંવર્ધનના કાર્યોમાં સુરતના નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાનું પ્રેરણાદાયી યોગદાન

Surat Teachers

સુરત:શુક્રવાર: સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે તે કોઈ વરદાનથી ઓછું નથી. શિક્ષણના સ્તરને પોતાના અથાગ પ્રયાસોથી ઉંચાઈ પર લઈ જનારા આવા જ એક શિક્ષકશ્રી રાજેશભાઈ ધામેલીયા ૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ રાજ્યકક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માનિત થઇ સુરત જિલ્લાનું ગૌરવ વધારશે. નગર પ્રાથમિક શિ.સ.,સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા,નાના વરાછા ખાતે બાવીસ વર્ષથી ફરજ બજાવતા રાજેશભાઈને અગાઉ પણ તેઓને “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે વિવિધ સંસ્થાઓ દ્વારા પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશભાઈએ ભાવનગરમાં પીટીસીના અભ્યાસ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ કાર્યો કરી શ્રેષ્ઠ શાળાનું નિર્માણ કરવાની પ્રેરણા મેળવી હતી. ૧૯૯૮માં સુરતના નાના વરાછાની શ્રી મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ફરજ દરિમયાન તેમના નવતર પ્રયોગોએ શાળાને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ અપાવી છે.

કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ, બાળકોના વાલીઓની નિયમિત મુલાકાત, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલવવા ‘સન્ડે સ્કુલ’, ટી.વી. અને મોબાઈલમાં બાળકો સમય ન વેડફે તે માટે પુસ્તક પરબ અને પુસ્તક મેળાનું આયોજન, માત્ર બે મિનીટ અને દસ સેકંડમાં ૧ થી ૨૦ ઘડિયા પૂર્ણ કરવાની ઝડપી ઘડિયાગાન અને ઘડીયાની રમત, ગુજરાતી અને અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ કરાવતો ‘ગુજલીશ સેમિનાર’, સ્પેલિંગ કોમ્પીટીશન, રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ, બેંક, પોલીસ સ્ટેશન, સુમુલ ડેરી, હોસ્પિટલ વગેરે શાળાઓની રૂબરૂ મુલાકાત જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

બાળકના સંપૂર્ણ વિકાસ માટે જ્ઞાનની સાથે રમતનું પણ એટલું જ મહત્વ છે એવું દ્રઢપણે માનનારા રાજેશભાઈએ શાળાના વિદ્યાર્થીઓને રમત ગમતમાં પાવરધા બનાવ્યા છે. ક્રિકેટ, વોલીબોલ, ખો-ખો, જિમ્નાસ્ટીક, લાંબીકુદ વગેરેમાં રનર્સ અપ એવોર્ડ શાળાનું ગૌરવ વધારી રહ્યા છે. તેઓ પોતે પણ ક્રિકેટ, જિમ્નાસ્ટીક અને કબડ્ડીના કોચ તરીકે કામગીરી કરી ચુક્યા છે.
લેખનકાર્યમાં કુશળતા ધરાવતા રાજેશભાઈએ માતૃભાષાના સંવર્ધન માટે “બાળ કેળવણી”, “સાચી જોડણી લાગે વ્હાલી”, ”ભાષા સજ્જતા” જેવા પુસ્તકો લખી તેને હજારોથી લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી ચુક્યા છે. જેને નગર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપ્યાં છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમના લેખો પ્રસિદ્ધ થયા છે.તેઓ જણાવે છે કે, લોકડાઉનના દરમિયાન ૬૧૩૦ શાળાઓને “સાચી જોડણી લાગે વ્હાલી” અને ”ભાષા સજ્જતા” પુસ્તકોની પીડીએફ અને વિડીયો મોકલાવીને માતૃભાષાની સુગંધ પ્રસરાવી છે.
યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ અને બ્લોગ જેવા માધ્યમોથી વિશ્વભરમાં માતૃભાષાનો પ્રચાર પ્રસાર થાય એ માટે રાજેશભાઇ ખુબ જ પ્રયત્નશીલ છે. તેઓ કહે છે કે, માતૃભાષાના ગૌરવ અને સંવર્ધન માટે અમે ૧૫૦થી વધુ ભાષાપ્રેમીઓ સહભાગી થઈને દેશ-પરદેશમાં માતૃભાષાનો પ્રચાર કરીએ છે.

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રકારના સેમિનાર યોજી ભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન દ્વારા માતૃભાષાનું સંવર્ધન કરી રહ્યા છે. ગુજરાતભરની ૨૦૦થી વધારે સંસ્થામાં તેમના કાર્યક્રમો યોજાયા છે. મહારાણા પ્રતાપ શાળા બે પાળીમાં ચાલે છે. અહીં રક્તદાન કેમ્પ, પુસ્તક પરબ, પુસ્તકમેળો જેવા અનેકવિધ કાર્યક્રમો યોજી સામાજિક ઉત્તરદાયિત્વ સાથે વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર કરી રહ્યા છે. વીર શહીદ પરિવારો માટે આર્થિક સહયોગ મેળવી જય જવાન નાગરિક સમિતિને ચેક અર્પણ, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવ સેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, દફતર વિતરણ, વિધવા બહેનોને સિલાઈ મશીન વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓમાં સ્વયંસેવક તરીકે કાર્યરત પણ છે. આમ, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય પ્રવૃત્તિઓની નોંધ લઈને અચલા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે તેમને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પહેલાં રાજેશભાઈ ધામેલિયાને વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી કરવા બદલ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે “સાહિત્ય સુધાકર” પદવીથી નવાજ્યા છે. વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુના હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક”, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા “સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ”, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા “વિશિષ્ટ સેવા એવોર્ડ”, વગેરે અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે


સામાજિક કાર્યો માટે તત્પર રહેતા રાજેશભાઈ શાળાના સેવક શ્રી જયંતિભાઈને અને વિદ્યાર્થી ખેરનાર દિનેશને તેની માતાની બિમારીના સમયે આર્થિક મદદ કરી હતી. ૨૦૦૬ના સુરતમાં આવેલા પૂરમાં રાહત કાર્યથી માંડીને કોવિડ-૧૯માં હોમ ક્વોરન્ટાઇન અને હેલ્થ સર્વેની કામગીરીમાં યોગદાન આપ્યું છે.
૫મી સપ્ટેમ્બરે સુરતના બે શિક્ષકોને રાજયસ્તરે સન્માનિત કરવામાં આવશે એ સુરત માટે ગૌરવની બાબત છે.