Cases of corona: આ દેશમાં કોરોનાના નવા 65,000 કેસ, ઓસ્ટ્રિયામાં દસ દિવસનું લોકડાઉન

Cases of corona: એક અઠવાડિયા પૂર્વે જર્મનીમાં દર એક લાખે 249.1નો ચેપનો દર હતો તે વધીને હવે દર એક લાખે 336.9 થઇ ગયો

બર્લિન, 20 નવેમ્બર: Cases of corona: કોરોના મહામારી શરૂ થઇ તે પછી પહેલીવાર જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના નવા 65,000 કેસો નોંધાયા હોવાનું રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ફેક્શિયસ ડિસિઝે જાહેર કર્યું હતું. એક અઠવાડિયા પૂર્વે જર્મનીમાં દર એક લાખે 249.1નો ચેપનો દર હતો તે વધીને હવે દર એક લાખે 336.9 થઇ ગયો છે.

જેને કારણે દૈનિક કેસોની સંખ્યામાં આ સપ્તાહે 15,000નો ઉછાળો આવ્યો છે.  ઇન્સ્ટિટયુટના પ્રેસિડેન્ટ લોથર વેઇલરે જણાવ્યું હતું કે અમે હાલ જેટલા ચિંતિત છીએ એટલા અગાઉ ક્યારેય નહોતાં. કોરોના મહામારીને નાથવા તાબડતોબ પગલાં ભરવામાં નહીં આવે તો બહુ ખરાબ ક્રિસમસ જોવી પડશે. 

હાલ આપણે ગંંભીર ઇમરજન્સી ભણી ધકેલાઇ રહ્યા છીએ. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા એટલી ઝડપે વધી રહી છે કે ઘણી જગ્યાએ ફ્રી આઇસીયુ બેડ શોધવામાં કલાકો લાગી જાય છે. જર્મનીમાં હાલ 56.4 મિલિયન લોકોએ કોરોનાની રસી મુકાવી છે.

જર્મનીના કેટલાક રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ હોમના કર્મચારીઓ જેવા પ્રોફેસનલ જૂથોને ફરજિયાત કોરોનાની રસી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. પડોશી ઓસ્ટ્રિયામાં  સોમવારથી દસ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવશે અને ફેબુ્રઆરીથી ફરજિયાત રસીકરણ કરવામાં આવશે તેવી ચાન્સેલર એલેકઝાન્ડર શેલનબર્ગે જાહેરાત કરી હતી. 

આ પણ વાંચોઃ Reliance saudi aramco deal cancelled: રિલાયન્સ-સાઉદી અરામકો વચ્ચેની ડીલ રદ થઈ, જો સોદો થાત તો 16 અબજ ડોલરનું રોકાણ આવ્યું હોત

બીજી તરફ નોર્વેમાં સરહદ ક્રોસ કરવા પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. વધતા જતાં કોરોનાના કેસોને નાથવા માટે સરકારે હવે નોર્વેમાં પ્રવેશના ત્રણ દિવસ પૂર્વે સરકારી વેબસાઇટ પર તેમના નામની નોંધણી કરાવવી પડશે.

નોર્વેજિયન ન્યાય પ્રધાન એમિલિ એન્જર મેહલે જણાવ્યું હતું કે આ નવા નિયમો 26 નવેમ્બરથી અમલમાં આવશે. સોળ વર્ષ અને તેથી વધારે વયના તમામ નોર્વેવાસીઓ તથા વિદેશીઓએ પણ સરકારી વેબસાઇટ પર દેશમાં પ્રવેશવાના ત્રણ દિવસ પૂર્વે નોંધણી કરાવવી પડશે.

દરમ્યાન રશિયામાં સતત ત્રીજા દિવસે કોરોનાના સાડા બારસો કરતાં વધારે મોત નોંધાયા હતા. રશિયાના ટાસ્ક ફોર્સે કોરોનાના નવા 37,156 કેસો નોંધાયા હોવાની જાહેરાત કરી હતી. બુધવારે કોરોના મરણાંક 1247 હતો જે ગુરૂવારે 1251 અને શુક્રવારે 1254 થયો હતો. દરમ્યાન યુએસ રેગ્યુલેટર્સ તમામ પુખ્તોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી દીધી છે.

હાલ દસ રાજ્યોમાં તમામ પુખ્તવયની વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ફાઇઝર અને મોડર્નાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 18 વર્ષ કે તેથી વધારે વયની તમામ વ્યક્તિઓ બૂસ્ટર ડોઝ મેળવવાને લાયક ગણાશે. છેલ્લે ઉટાહ અને માસાચ્યુસેટસ રાજ્યોમાં તમામને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Amarinder singh thanks PM: વડાપ્રધાને કર્યું એટલું બીજું કોઈ કરી શકે નહીં, હવે હું પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીશઃ અમરિંદર સિંહ

બાઇડન વહીવટીતંત્રનું ધ્યેય દરેક જણને બૂસ્ટર ડોઝ આપવાનું છે. પરંતુ સપ્ટેમ્બરમાં એફડીએની સલાહકાર પેનલે આ વિચારનો એમ કહીને વિરોધ કર્યો હતો કે મોટાભાગના વય જૂથોમાં હાલ કોરોનાની રસી અસરકારક હોવાથી બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. એ પછી બધાને ફાઇઝરને વધારાનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj