Million Minds Tech Park: અમિત શાહે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું
Million Minds Tech Park: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(Ganesh Real Estate Institute)’નું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે:-કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ
- Million Minds Tech Park: ગુજરાત હવે ટેકનોલોજી, ઇનોવેશન અને નોલેજ આધારિત અર્થતંત્રનું વૈશ્વિક કેન્દ્ર બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 17 મે: Million Minds Tech Park: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે ગુજરાતીઓના ડીએનએમાં ડેવલપમેન્ટ છે. આજે લોકાર્પણ કરાયેલા આ બંને પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબથી આગળ વધારી વૈશ્વિક સેવા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બનાવવાના વિઝનને નવી દિશા આપશે.

Million Minds Tech Park: તેમણે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ થ્રીમાં લાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતે આર્થિક ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ દ્વારા રાજ્યમાં હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઊભી થશે. આ ટેક પાર્કમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), રોબોટિક્સ, સેમિકન્ડક્ટર સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યમાં વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ (Ganesh Real Estate Institute) રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાવસાયિકતા અને આધુનિકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંસ્થામાં આધુનિક અર્બન પ્લાનિંગ, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો તથા વૈશ્વિક ધોરણોને અનુરૂપ તાલીમ દ્વારા કુશળ માનવસંસાધન તૈયાર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આજે ટેક્નોલોજી, ઉદ્યોગ અને આધુનિક માળખાકીય વિકાસના ક્ષેuત્રમાં દેશને નવી દિશા આપી રહ્યું છે. આવી વિશિષ્ટ સંસ્થાઓ અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં સહાયક બનશે. તેમણે કહ્યું કે, વૈષ્ણોદેવી સર્કલ નજીક અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર હાઈ ગ્રોથ કોરિડોરમાં આશરે 65 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલી આ ટેક સિટીમાં ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, રહેણાંક સુવિધાઓ, રિટેલ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા આશરે 70 હજારથી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી રોજગારીનું સર્જન થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે (Million Minds Tech Park) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસની રાજનીતિને રાષ્ટ્રીય વિચારધારામાં પરિવર્તિત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે રાજ્ય વિકાસના નવા તબક્કામાં આઈટી, ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’ (Million Minds Tech Park) ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રકલ્પ માત્ર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નહીં પરંતુ હાઈસ્કિલ રોજગારી સર્જન અને ડિજિટલ અર્થતંત્રને ગતિ આપનાર કેન્દ્ર બનશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વિશાળ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ડિજિટલ ઇકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમીકન્ડક્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોલેજ બેઝ્ડ સર્વિસીસ ક્ષેત્રે ગુજરાત 2.0નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારની આઈટી પોલિસી તથા જીસીસી પોલિસી તેમજ કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં આઈ.ટી સેક્ટરમાં ઝડપી વિકાસ થશે. તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ તરીકે વિકસી રહ્યું છે, જ્યારે સાણંદ અને ધોલેરા SIR વિસ્તારમાં વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ગુજરાતને સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરશે. ગિફ્ટ સિટી અને ધોલેરા આગામી સમયમાં ગુજરાતના આર્થિક વિકાસના શક્તિશાળી એન્જિન બનશે.
મુખ્યમંત્રીએ અમદાવાદ-ધોલેરા વચ્ચે આશરે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારી દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ-વિદેશના રોકાણોને આકર્ષવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અમદાવાદ આજે મેટ્રો, રિવરફ્રન્ટ, એક્સપ્રેસ-વે, આધુનિક શહેરી સુવિધાઓ અને મજબૂત કનેક્ટિવિટી સાથે દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન પામ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ માટે વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અમદાવાદ વૈશ્વિક શહેર તરીકે ઉભરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ આધુનિક પ્રકલ્પ માટે ગણેશ ગ્રુપના ચેરમેન દીપકભાઈ પટેલ તથા એમડી શેખરભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો:- AMC New Rules: અમદાવાદમાં હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત
આ કાર્યક્રમમાં યોજાયેલ પેનલ ડિસ્કશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારો સમય ગુજરાતનો છે અને દેશ-વિદેશમાંથી આવતા રોકાણકારો તથા ઉદ્યોગો માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી આગામી સમયમાં વૈશ્વિક સ્તરની અનેક મોટી કંપનીઓનું કેન્દ્ર બનવાનું છે. ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ નહીં પરંતુ ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરના ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે ગણેશ હાઉસિંગ લિમિટેડના ચેરમેન દિપકભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અને CEO શેખર પટેલ, અનમોલ પટેલ સહિત ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
