Religious Tourism: ગુજરાતનાં યાત્રાધામોમાં પ્રસાદ સાથે પ્રકૃતિનું જતન
Religious Tourism: સોમનાથ મંદિર ખાતે સફળ ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલને હવે અંબાજી મંદિરમાં અપનાવાશે
ગાંધીનગર, 26 ઓક્ટોબર: Religious Tourism: શ્રી સોમનાથ મંદિર ખાતે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગની સફળતા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હવે આ મોડેલને શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરમાં ટૂંક સમયમાં અમલમાં મૂકશે. આ પહેલનો હેતુ મંદિરમાં ધરાવવામાં આવતા પ્રસાદનાં પેકેજિંગમાંથી સિંગલ-યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) પાસે તૈયાર કરવામાં આવેલા વિકલ્પોમાં શેરડીનાં વેસ્ટમાંથી બનાવવામાં આવેલા કન્ટેનર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં કન્ટેનરનો સમાવેશ થાય છે.
આ પહેલનો હેતુ પ્લાસ્ટિક વેસ્ટને દૂર કરી યાત્રાધામોમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ, પ્રસાદ વિતરણની પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને જાળવી રાખવાનો પણ પ્રયાસ છે.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઆ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી, જવાબદાર વપરાશ અને જનભાગીદારી દ્વારા પર્યાવરણને બચાવવાનો છે. તેમના આ વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતભરમાં નક્કર પર્યાવરણીય પગલાંઓ થકી મુર્તિમંત કરવામા આવે છે.
શ્રી સોમનાથ મંદિરમાં હવે પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિકમુક્ત કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બામાં કરવામાં આવે છે. આ નવી ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ વ્યવસ્થાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિરમાં દરરોજ આશરે 4,200 કિલોગ્રામ પ્રસાદનું વિતરણ લગભગ 27,700 બોક્સ દ્વારા કરવામાં આવે છે. પ્લાસ્ટિકનાં પાત્રોને દૂર કરી, ટકાઉ વિકલ્પોનો ઉપયોગ કરવાથી દર વર્ષે 203 ટનથી વધુ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવી શકાશે.
અંબાજી મંદિરમાં સોમનાથ મોડેલનાં અમલની તૈયારી

Religious Tourism: સોમનાથ મંદિર ખાતે મળેલી સફળતાના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ આવી જ પેકેજિંગ વ્યવસ્થા અમલમાં મૂકશે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે 15,000 પ્લાસ્ટિકનાં પ્રસાદ બોક્સનો ઉપયોગ થાય છે, જ્યારે તહેવારો અને વિશેષ પ્રસંગોએ તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. દર મહિને આશરે 10 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવે છે, જેના પરિણામે પેકેજિંગને કારણે અંદાજે 11,299.5 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે.”
આ પણ વાંચો:- Run for Unity: પીએમ મોદીની ‘મન કી બાત’માં ‘રન ફોર યુનિટી’માં જોડાવા દેશવાસીઓને અપીલ
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, “ પ્રસાદ વિતરણમાં ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપવનાવવાથી અંબાજીમાં દર વર્ષે આશરે 135.6 ટન પ્લાસ્ટિકના કચરાને અટકાવી શકાશે. આ પેકેજિંગ વિકલ્પો પ્રસાદ વિતરણ માટે જરૂરી સ્વચ્છતા, કાર્યક્ષમતા અને સુવિધા જાળવી રાખવાની સાથે તેની સાંસ્કૃતિક ઓળખને પણ જાળવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.”
ધાર્મિક સંસ્થાઓ લોકોના વર્તનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને GPCBએ પ્રસાદ ધરવાની અને લઈ જવાની પરંપરાગત પદ્ધતિમાં પર્યાવરણીય જવાબદારીને કેવી રીતે સામેલ કરી શકાય તે અંગે અભ્યાસ કર્યો હતો. આ પહેલનો હેતુ પરંપરાગત પ્લાસ્ટિકનાં પાત્રોને એવા પેકેજિંગથી બદલવાનો છે, જે પર્યાવરણને અનુકૂળ, સાંસ્કૃતિક રીતે યોગ્ય અને મંદિરની કામગીરી માટે વ્યવહારુ હોય.
NID દ્વારા પર્યાવરણમિત્ર પેકેજિંગ વિકલ્પો તૈયાર

યોગ્ય વિકલ્પો વિકસાવવા માટે GPCBએ અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)ની ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન સર્વિસિસની વ્યાવસાયિક ડિઝાઇન કન્સલ્ટન્સી હેઠળ મદદ લીધી હતી.
શ્રી સોમનાથ મંદિર અને શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરમાં સ્થળ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં શ્રદ્ધાળુઓની અવરજવર, પ્રસાદનો જથ્થો, પ્રસાદ બનાવવાની અને પેક કરવાની પ્રક્રિયા, સંગ્રહની સ્થિતિ, વિતરણની પદ્ધતિઓ તથા હાલની કચરા ઉત્પન્ન થવાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અભ્યાસમાં જાણવા મળ્યું કે તમામ જરૂરિયાતો માટે એક જ પ્રકારનું પેકેજિંગ યોગ્ય ન બની શકે. તાત્કાલિક ઉપયોગ માટેના પ્રસાદ માટે હલકાં અને જૈવવિઘટનક્ષમ પેકેજિંગની જરૂર હતી, જ્યારે ઘરે લઈ જવામાં આવતા અથવા લાંબા અંતર સુધી લઈ જવામાં આવતા પ્રસાદ માટે વધુ મજબૂત અને ટકાઉ પાત્રોની આવશ્યકતા હતી. આથી તાત્કાલિક ઉપયોગ, સામાન્ય રીતે ઘરે લઈ જવા અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા પેકેજિંગ માટે અલગ-અલગ વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયાના પરિણામે પ્લાસ્ટિકમુક્ત કાગળનાં બોક્સ, મોલ્ડેડ શેરડીના બગાસનાં કન્ટેનર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બા સહિતના વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા. કાગળ અને બગાસમાંથી બનાવવામાં આવેલા પેકેજિંગનો ટૂંકા ગાળાના ઉપયોગ બાદ પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરી શકાય તે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે ટીનનાં ડબ્બા ટકાઉ પાત્રો તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને શ્રદ્ધાળુઓ પોતાની પાસે રાખીને ફરીથી ઉપયોગમાં લઈ શકે છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, “પરંપરાગત પેકેજિંગને માત્ર બદલવા પૂરતી આ પહેલ મર્યાદિત નથી, પરંતુ તેનો હેતુ પર્યાવરણીય જવાબદારીને ધાર્મિક આચરણનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે. અગ્રણી યાત્રાધામોમાં જૈવવિઘટનક્ષમ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વિકલ્પો રજૂ કરીને GPCB એ દર્શાવવા માગે છે કે વિચારપૂર્વકની ડિઝાઇન, સંસ્થાકીય પગલાં અને જનભાગીદારી દ્વારા પર્યાવરણને નોંધપાત્ર લાભ પહોંચાડી શકાય છે.”
આ પહેલ શ્રદ્ધાળુઓને વધુ ટકાઉ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે ધાર્મિક પરંપરાઓ પર્યાવરણ સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તે પણ દર્શાવે છે.
