Arvind Limited: પીએમ મોદીએ વારાણસીમાં અરવિંદ લિમિટેડની ગ્રીનફિલ્ડ ગારમેન્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું
Arvind Limited: ઉત્તરપ્રદેશના વારાણસીમાં નવી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધાથી ટેક્સટાઇલ ઉદ્યોગ અને રોજગારની તકોને વેગ મળવાની આશા.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોવારાણસી, 25 ઓક્ટોબર: Arvind Limited: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અરવિંદ લિમિટેડની અત્યાધુનિક ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (વસ્ત્ર ઉત્પાદન એકમ)નું ઉદ્ઘાટન કર્યું.

આશરે ₹150 કરોડના રોકાણ સાથે વિકસિત કરવામાં આવેલી આ ફેસિલિટી ઉત્તરપ્રદેશમાં અરવિંદનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. 5.5 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા અને આશરે 65,000 ચોરસફૂટનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા આ પ્લાન્ટમાં ₹250 કરોડની આવકનું સર્જન કરવાની ક્ષમતા છે. આ પ્લાન્ટમાં 1000થી વધુ લોકોને, જેમાં મુખ્યત્વે મહિલાઓનો સમાવેશ થાય છે, રોજગારી મળવાની અપેક્ષા છે. આ પ્લાન્ટમાં અદ્યતન સ્વચાલિત સિલાઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવશ્યક નીટવેર (knitwear) પ્રોડક્ટ્સનું નિર્માણ કરવામાં આવશે.
આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવું એ અરવિંદ લિમિટેડ અને તેના સમગ્ર પરિવાર માટે ગૌરવની ક્ષણ હતી. વડાપ્રધાનનું સ્વાગત અરવિંદ લિમિટેડના ચેરમેન સંજય લાલભાઈ, વાઈસ ચેરમેન પુનિત લાલભાઈ તેમજ વાઈસ ચેરમેન કુલીન લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે તેઓ વડાપ્રધાનની સાથે રહ્યા હતા અને તેમને સમગ્ર પ્લાન્ટની મુલાકાત પણ કરાવી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા, અરવિંદ લિમિટેડના ચેરમેન સંજય લાલભાઈએ જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાનના હસ્તે આ ફેસિલિટીનું ઉદ્ઘાટન થવું એ અમારા માટે અત્યંત સન્માનની વાત છે. લાલભાઈ ગ્રુપની 130 વર્ષની સફર 1897માં શરૂ થઈ હતી અને આ સફર ભારતની ઔદ્યોગિક પ્રગતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી રહી છે. કસ્તુરભાઈ લાલભાઈના સંસ્થાગત નિર્માણના વિઝનથી પ્રેરાઇને, અમે સતત એવા સાહસોમાં રોકાણ કર્યું છે જે આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે છે.
અમને એ વાતનો વિશેષ આનંદ છે કે આ રોકાણથી મોટાપાયે રોજગારીની તકો ઊભી થશે અને આ કાર્યબળમાં મહિલાઓનો મોટો હિસ્સો હશે તેવી અપેક્ષા છે, જે ભારતની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં નારીશક્તિની પરિવર્તનકારી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. રોકાણ, નવીનતા અને રોજગારીના સર્જન દ્વારા ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવાનો અમને ગર્વ છે.”

અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન પુનિત લાલભાઈએ જણાવ્યું કે, “ભારતના વસ્ત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે આ એક નિર્ણાયક તબક્કો છે. મજબૂત ટેક્સટાઇલ વેલ્યૂ ચેઇન, કુશળ કાર્યબળ અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર સોર્સિંગની વધતી માંગને કારણે ભારત વિશ્વ માટે પસંદગીના ઉત્પાદન કેન્દ્ર તરીકે ઊભરી આવવા માટે સક્ષમ છે. આ તકને સાકાર કરવા માટે ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદકતા, ટકાઉપણું અને કાર્યબળના વિકાસમાં સતત રોકાણ અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.
અમને આનંદ છે કે આ પ્લાન્ટ સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન તેમજ માલસામાન અને સેવાઓની સ્થાનિક ખરીદી દ્વારા સ્થાનિક અર્થતંત્રમાં અનેકગણો સકારાત્મક પ્રભાવ પાડશે. સાથે જ, રોજગારીની તકોને કારણે કામદારો પોતાના વતન તરફ પાછા ફરી શકે તેવી રિવર્સ માઇગ્રેશનની પ્રક્રિયાને પણ આનાથી પ્રોત્સાહન મળી શકે છે. અરવિંદ લિમિટેડમાં અમે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન અને રોજગારીની તકો ઊભી કરતી વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવીને આ વિકાસયાત્રામાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.”
આ પણ વાંચો:- SMIMER Medical College: સ્મીમેર મેડિકલ કોલેજની સિલ્વર જ્યુબિલી
અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન કુલિન લાલભાઈએ વધુમાં જણાવ્યું કે, “ઉત્તરપ્રદેશ ભારતનાં સૌથી આકર્ષક ઉત્પાદન કેન્દ્રોમાંના એક તરીકે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યું છે. માળખાગત સુવિધાઓના વિકાસ, ઔદ્યોગિક વિકાસ, કનેક્ટિવિટી અને કૌશલ્ય વિકાસ પર રાજ્ય ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ઉદ્યોગોને વિશ્વાસપૂર્વક અને વ્યાપક સ્તરે વિસ્તરણ કરવાની તક આપી રહ્યું છે. ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે ત્યારે ભારતની ઉત્પાદન વ્યવસ્થાને મજબૂત બનાવવામાં, રોજગારીની તકો ઊભી કરવામાં અને લાંબા ગાળાનાં રોકાણો આકર્ષવામાં ઉત્તર પ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ છે.”
ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો આ વિકાસ અરવિંદના ગાર્મેન્ટિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને વર્ટિકલ ઇન્ટિગ્રેશનની વ્યૂહાત્મક દિશામાં આ એક મજબૂત પગલું છે. આ ફેસિલિટી દ્વારા અરવિંદ પોતે ઉત્પાદિત કરતા નીટેડ ફેબ્રિકનું આગળના તબક્કાનું ઉત્પાદન એટલે કે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ પણ કરી શકશે. જેનાથી હાલના ગ્રાહકો સાથે કંપનીનો વેપાર વધશે અને તેમની સાથેના લાંબા ગાળાના સંબંધો વધુ મજબૂત બનશે. દેશના વિશાળ ટેક્સટાઇલ ક્ષેત્રમાં, આ ફેસિલિટી ગાર્મેન્ટ (વસ્ત્ર) ઉત્પાદનની ક્ષમતામાં અત્યંત જરૂરી વધારાની ક્ષમતા પૂરી પાડશે. તાજેતરમાં થયેલા મુક્ત વ્યાપાર કરારો (FTAs) ને ધ્યાનમાં લેતા, આ ફેસિલિટી યુરોપ અને યુકેના નવા ખૂલેલા બજારો માટે કંપનીની પ્રોડક્ટ શૃંખલાને વધુ સક્ષમ અને મજબૂત બનાવશે.
આ પ્લાન્ટ કાર્યક્ષમતા, ટકાઉપણું અને કર્મચારીઓના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા એક આધુનિક ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અદ્યતન સ્વચાલિત ઉત્પાદન પ્રણાલીઓથી સજ્જ આ પ્લાન્ટને ઉત્પાદકતા વધારવા, ગુણવત્તામાં સાતત્ય જાળવવા અને ઉત્પાદન કામગીરીના વિસ્તરણને સહયોગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. કર્મચારીઓને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે અરવિંદે વિશેષ વર્કર હોસ્ટેલ્સ પણ સ્થાપી છે. ઉત્પાદન કામગીરીનો વ્યાપ વધવાની સાથે રહેણાક સુવિધાઓનો વધુ વિસ્તાર કરવાની પણ યોજના છે.
આ પ્રોજેક્ટ રોજગારીનું સર્જન, કૌશલ્ય વિકાસ અને સ્થાનિક એપેરલ મેન્યુફેક્ચરિંગ (વસ્ત્ર ઉત્પાદન) ઇકોસિસ્ટમને મજબૂત બનાવીને વારાણસી અને ઉત્તર પ્રદેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી અપેક્ષા છે. 1000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરવા ઉપરાંત, આ ફેસિલિટી સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ અને સ્થાનિક સેવાઓ જેવા ક્ષેત્રોમાં આનુષંગિક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. આ રીતે ટેક્સટાઇલ અને એપેરલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્તર પ્રદેશને પસંદગીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની પ્રક્રિયા વધુ મજબૂત બનશે.
અરવિંદ લિમિટેડ વિશે
અરવિંદ લિમિટેડ ટેક્સટાઇલથી રિટેલ સુધી વિસ્તરેલો વૈવિધ્યસભર બિઝનેસ ધરાવતો સમૂહ છે, જેનાં વ્યવસાયોમાં ટેક્સટાઇલ, એપેરલ, એડવાન્સ્ડ મટિરિયલ્સ, પર્યાવરણીય ઉકેલો, ટેલિકોમ અને ઓમ્નિચેનલ કોમર્સનો સમાવેશ થાય છે. કંપની ફાઇબરથી ફેશન સુધીની સંકલિત ક્ષમતાઓ સાથે વૈશ્વિક ગ્રાહકોને સેવાઓ અને ઉકેલો પૂરા પાડે છે. વિશ્વના અગ્રણી ફેબ્રિક સપ્લાયર્સમાં સ્થાન ધરાવતી અરવિંદ લિમિટેડ નવીનતા, ટકાઉપણું અને ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે જાણીતી છે.
