mahesh naresh kanodia

Superstar Mahesh and Naresh Kanodia: મહેશ અને નરેશની જોડીથી કોણ અજાણ હોય ? એમની પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ..!!

Superstar Mahesh and Naresh Kanodia: મહેશ અને નરેશની જોડીથી કોણ અજાણ હોય ? આજનાં દિવસે ત્રણ વર્ષ પહેલાં મહેશભાઈ આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલ્યાં ગયા અને તરત જ “દો જીસ્મ, મગર એક જાન હૈ હમ”, એ વાતને સાચી ઠેરવતાં, એમનાં ભાઇ નરેશ કનોડીયા, જે ગુજરાતનાં મિલેનીયમ મેગાસ્ટાર કહેવાતાં, એ પણ એમની પાછળ ને પાછળ ચાલ્યાં ગયા.

કદાચ મહેશ-નરેશની આ બંધુ બેલડી ખંડિત થાય એ ઈશ્વરને પણ નહિ ગમ્યું હોય અને માટે જ માત્ર બે દિવસનાં અંતરે નરેશ કનોડિયાને પણ એમની પાસે બોલાવી લીધા. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનાં લોકપ્રિય હીરો અને ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર શ્રી નરેશ કનોડિયા પણ એમનાં ભાઈની સાથોસાથ અનંતની યાત્રાએ નીકળી પડ્યા હતાં.

રામાયણમાં રામને જ્યારે વનવાસ થયો ત્યારે, લક્ષ્મણ પણ તેમની સાથે જ ગયાં હતાં. મારાં મોટાભાઈ જ્યાં જાય ત્યાં હું જઈશ… એ જ રીતે રામ- લક્ષ્મણ એવોર્ડ જેમના નામે હતો એવા આ બંને ભાઇઓ વારાફરતી એક સાથે આ દુનિયા છોડીને ચાલ્યાં ગયેલા આને કેવો યોગ કહેવો? ઈશ્વર આ બંધુ બેલડીની પુણ્યતિથિએ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..!!

વર્ષ ૨૦૨૦ ખરેખર બહુ કપરું સાબિત થયું હતું. તેમાંય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે તો ખાસ. રોજ એક નવી સવાર ખરાબ સમાચાર લઈને આવતી હતી. વર્ષ ૨૦૨૦ની ૨૫ અને ૨૭ ઓક્ટોબરની સવાર પણ ગુજરાતી સંગીત ક્ષેત્રમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર લઈને આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતનાં વધુ બે સિતારા ખર્યા હતાં. ગુજરાતનાં મશહૂર અભિનેતા શ્રી નરેશ કનોડિયા અને એમનાં મોટાભાઈ, ગુજરાતી ફિલ્મનાં ઉમદા સંગીતકાર અને પાટણનાં પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશ કનોડિયા ચિર વિદાય પામ્યા.

Superstar Mahesh and Naresh Kanodia: Vaibhavi Joshi

તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે અને ફિલ્મોમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયાં હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતાં. પણ એક નજર જો તેમની કારકિર્દી પર નાખીયે તો ખ્યાલ આવે કે તેઓ અત્યંત કારમો સંઘર્ષ કરીને આગળ આવ્યા હતાં. એમનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો.

એમની અટક લાગવા પાછળ પણ રસપ્રદ વાત છે. આ બંધુ બેલડી “મહેશ-નરેશ” એ જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા અટક સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા અટક રાખી હતી.

મહેશ કનોડિયાનાં ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતાં હતા. જેમાં તેઓ નાનાં પ્રોગ્રામ આપતા હતાં. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓનાં અવાજમાં પણ ગાતાં હતાં અને તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવાં લાગ્યાં.

મહેશ કુમાર એન્ડ પાર્ટીનાં શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતાં, ડાન્સ કરતાં, ગીતો ગાતાં. ભાઈ નરેશ કનોડિયાને પણ ગુજરાતી ફિલ્મોમાં લાવવા પાછળ મહેશ કનોડિયાનો મોટો રોલ છે. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવેલા અને તેમણે નરેશ ભાઈને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમારી ઈચ્છા છે કે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે અને આ ફિલ્મ હતી ‘વેણીને આવ્યા ફૂલ’.

૮૦નાં દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો અને અમે કેળ’, ‘મેરુ માલણ’, ‘જોગસંજોગ’, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. પહેલાં લોકગીત આધારિત સંગીત હતું અને તેને વધુ આધુનિક બનાવવામાં એમનો ખુબ મોટો ફાળો છે. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ગીતમાં તેમનું સંગીત પણ છે અને આ ગીતમાં જે મહિલાનો અવાજ છે તે એમનો પોતાનો છે, જ્યારે મેલ વોઈસ શ્રી પ્રફુલ દવેનો છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય નોન-ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે.

એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે.

“નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (નોન-ફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ, કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મનાં કલાકાર કસબીઓને અપાતા એવોર્ડમાં શ્રી મહેશ કનોડિયાને પ્રાપ્ત થયેલ એવોર્ડની યાદી કઈંક આ મુજબ છે. (આ માહિતી વિકીપીડીયા આધારીત છે.)

(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (૧૯૭૦-૭૧) (સંગીતકાર તરીકે)

(૨) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (૧૯૭૪-૭૫) (સંગીતકાર તરીકે)

(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (નિર્માતા તરીકે)

(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (સંગીતકાર તરીકે)

(૫) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (૧૯૮૧/૮૨)

(૬) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (૧૯૯૧-૯૨) (સંગીતકાર તરીકે)

તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત હતાં. તેઓ જુદાજુદા ગાયકોનાં જેમ કે, લતાજી, રફીસાહેબ, વગેરે ૩૨ કલાકારોનાં અવાજમાં ગીતો ગાવા માટે પણ મશહૂર હતાં. લોકો ભલે મહેશ ભાઈને ગુજરાતનાં લતા મંગેશકર કહેતા પણ હું હંમેશા કહેતી કે મહેશ ભાઈ લતા મંગેશકર જેવું ચોક્કસ ગાઈ શકે છે પણ લતા મંગેશકર એમની જેમ બંને અવાજમાં નથી ગાઈ શકતા.

Tejas Teaser Released: કંગનાની ફિલ્મ તેજસ નું ટીઝર રિલીઝ, જુઓ અયોધ્યા મંદિરને કેવી રીતે બચાવશે અભિનેત્રી…

મહેશ ભાઈની આ કલા એ તો ઈશ્વરની ભેટ હતી. તેમના અવાજનો જાદુ લશા મંગેશકર પર પણ છવાયો હતો અને એક વાર એમણે લતા મંગેશકરનાં અવાજમાં ગીત ગાયું હતું ત્યારે લતા મંગેશકર તેમનો અવાજ સાંભળી એટલા પ્રભાવિત થયાં હતાં કે, પોતાના જન્મદિવસે એમને જમવા બોલાવ્યા હતા એ પ્રસંગ ખૂબ જાણીતો છે.

૮૦નાં દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી આ બંધુ બેલડી પહેલાં એવા ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા અમેરિકા તથા એશિયાનાં કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

ગુજરાતી ફિલ્મ સંગીતનાં માણીગર મહેશ કનોડિયા અને વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનાં લોકપ્રિય હીરો અને ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર નરેશ કનોડિયાની ચિર વિદાયથી જાણે એક ઐતિહાસિક યુગનો અંત આવ્યો હતો.

ગુજરાતી ફિલ્મોનાં અદભુત સંગીતકાર અને કુદરતી બક્ષિસ ધરાવતાં આ ઉમદા ગાયક અને ગુજરાતી સિનેજગતનાં પ્રથમ મિલેનિયમ સ્ટારને એમની પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ..!!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *