Umashankar Joshi

Umashankar joshi: ઉમાશંકર જોશીનું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ- વાંચો ઉમાશંકર જોશી વિશે

(વિશેષ નોંધ: આ લેખમાં ઉમાશંકર જોશી(Umashankar joshi)નું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરવાનો પ્રયાસ છે આમ તો એમનાં વિશે લખવાનું શરૂ કરો તો ખુટ્યું ખૂટે નહિ પણ આવતી કાલે એમની જન્મજયંતિ નિમિત્તે હવે પછીનાં લેખમાં એમનાં વિશાળ અને વૈવિધ્યસભર સર્જન અને એમની સર્જનાત્મકતા વિશે ઊંડાણથી જાણવાનો પ્રયાસ કરીશું.)


ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.


Umashankar joshi: માત્ર આ ચાર પંક્તિઓ વાંચ્યા પછી તમારી આંખ સામે એક નામ તરવરી રહ્યું હશે. લંબગોળ ચહેરો, વિશાળ કપાળ, આછાં વાળ, આવાજોનું અજવાળું નીરખતાં – સાંભળતાં કાન, નીચે તરફ જરી ઝુકતું નાક, જરા મોટાં કાચવાળા ચશ્માં, એક કાચ વધુ જાડો. દૂરથી આવતાં મંગલ શબ્દોને સાંભળતી ને કવિતાનાં તેજને પીતી આંખો, યુગોને નીરખતી – પારખતી દ્રષ્ટિ.

આ વર્ણન, આ નામ એટલે બીજું કોઈ નહિ પણ ગાંધીયુગનાં બહુમુખી પ્રતિભા ધરાવનાર સારસ્વત શ્રી ઉમાશંકર જોશી. ગુજરાતી ભાષાનાં પ્રથમ પંક્તિનાં ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર એવા શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે સાદર વંદન કર્યા વગર કેમ રહેવાય.


સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતાં. એમની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. એમનાં ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ‘ હું ગુર્જર ભારતવાસી’ એ ઉક્તિ જેમને યથાર્થ લાગુ પડે છે એવાં આ કવિ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે કે,” ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ અને સાહિત્યનાં અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર છે.”

ગુજરાતી સાહિત્યમાં ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામધારી શ્રી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનાં, ઇડર તાલુકાનાં બામણા ગામમાં ૨૧ જુલાઈ, ૧૯૧૧નાં રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું આ જન્મસ્થળ ‘નાની મારવાડ’ તરીકે પણ ઓળખાતું. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબહેન હતું.

આ પણ વાંચોઃ Youth Model Assembly: ગુજરાત વિધાનસભામાં આજે ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમ યોજાયો, CMએ કર્યુ ઉદઘાટન
ઉમાશંકર જોશીનાં પિતાનું મૂળ વતન લૂસડીયા ગામ કે જે બામણાથી લગભગ વીસ કિલોમીટર દુર અરવલ્લી પહાડોનાં વિશાળ વિસ્તારમાં આવેલું છે. એમણે પ્રાથમિક શિક્ષણ બામણા ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું. એ પછી પિતાજીએ ઉમાશંકર જોશીને ઇડર ભણવા મુક્યા. પાંચમાં ધોરણથી ઇડરની એંગ્લો-વર્નાકયુલર શાળામાં તેઓ દાખલ થયા. આમ, ૧૯૨૧થી ૧૯૨૭ વર્ષનાં સમયમાં જ તેમણે એક ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

દસથી સોળ વર્ષ સુધી તેઓ ઈડર છાત્રાલયમાં રહ્યા અને તેમને પટેલ, રાજપૂત, આદિવાસી વિદ્યાર્થીઓનો પરિચય થયો અને એનાથી તેમને ઘણો અનુભવ થયો. છાત્રાલયમાં ગામની ગુજરાતી શાળામાં ભણતાં પન્નલાલ પટેલનો પણ તેમને પરિચય થયો હતો. જો કે પન્નાલાલ પટેલ આઠમાં ધોરણ પછી ભણવામાંથી ઊઠી ગયેલાં.


૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. ૧૯૨૯માં જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કોલેજની હડતાળમાં તેઓ શામેલ થયાં. ૧૯૩૧માં કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભા અધિવેશનમાં પણ હાજરી આપી. આ સમયગાળામાં ગાંધી – ઇરવિન કરાર થતાં ઉમાશંકર જોશી કોલેજમાં પાછા ન જતાં, ગુજરાત વિધાપીઠનાં કાકાસાહેબ કાલેલકરનાં અંતેવાસી બન્યા.

૧૯૩૦થી ૧૯૩૪નાં સમયગાળા દરમ્યાન અભ્યાસ છોડીને સત્યાગ્રહી તરીકે વિરમગામ છાવણીમાં જોડાયા અને પહેલો જેલ નિવાસ ૧૪ અઠવાડિયાનો ભોગવ્યો. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. પાસ કર્યું.


૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક અને પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે રહ્યા. ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. પણ પાસ કર્યું. ૧૯૪૭માં તેમણે ‘ સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું અને તે ૩૭ વર્ષ સુધી તે ચલાવ્યું.

ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વભારતી યુનિવર્સિટી – શાંતિનિકેતનનાં કુલપતિ તરીકે, કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિનાં સભ્ય તરીકે, નેશનલ બુક ટ્રસ્ટનાં સભ્ય તરીકે, દિલ્હી સાહિત્ય અકાદમીનાં પ્રમુખ તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે, રાજ્યસભાનાં સભ્ય તરીકે, તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓનાં સભ્ય તરીકે એમણે આપણા સંસ્કાર જીવનની અને સાહિત્ય જગતની સુદીર્ઘ બહુમૂલ્ય સેવાઓ કરી છે. જાહેરજીવનનાં સામાજિક, રાજકીય અને આર્થિક સવાલો પ્રત્યેની તેમની સચિંત અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની ભૂમિકા ઉલ્લેખનીય હતી.

Banner Vaibhavi joshi


ઉમાશંકર માત્ર ગાંધીયુગનાં જ અગ્રણી કવિ નથી એમનું સ્થાન ગુજરાતી ભાષાનાં સર્વકાલીન કવિઓમાં છે. ઉમાશંકર જોશી એક એવા પ્રયોગશીલ અને ચિંતનપ્રદાન ઊર્મિકવિ છે જેમને, ગાંધીયુગનાં તેમજ અનુગાંધીયુગનાં, એમ બબ્બે યુગનાં પ્રસ્થાનકાર થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આમ, તેઓ પોતાની બૃહદ સરસ્વતી સાધનાથી આપણા એક આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવનાર વિદ્યાપુરુષ બની રહ્યા.
તેઓ પોતાને ગુજરાતી સાહિત્યકાર કરતાં ‘ગુજરાતીમાં લખતાં એક ભારતીય સાહિત્યકાર’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતાં. આ કેવળ એ વાતનું પ્રમાણ નથી કે એમણે પોતાનામાં વૈવિધ્યપૂર્ણ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને પૂરી રીતે સમાવ્યા હતાં. પરંતુ, આ વિધાનમાં પ્રાન્તીયતાનાં સંકુચિત માળખામાંથી મુક્ત કરીને ભારતીય સાહિત્યને વૈવિધ્યપૂર્ણ સમગ્રતામાં જોવાનો એમનો આગ્રહ પણ રહેલો છે.


એમને પોતાનાં શ્રેષ્ઠ સર્જન માટે પ્રાપ્ત થયેલા સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોની યાદી લખવા બેસું તો ખૂટી ખૂટે નહિ પણ અમુક નોંધપાત્ર એવોર્ડ્સની યાદી પણ ઘણી લાંબી છે. ૧૯૩૯માં ‘ગંગોત્રી’ કાવ્યોસંગ્રહ માટે ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ થયો હતો. ૧૯૪૪માં ‘પ્રાચીના’ નામનાં નાટયાત્મક કાવ્યોસપ્તક માટે ‘મહિડા પારિતોષિક’ અને ૧૯૪૭માં ‘પ્રાચીના’ માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક’ અર્પણ થયો હતો. ૧૯૬૫નાં ગાળાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ તરીકે ‘મહાપ્રસ્થાન’ માટે ‘ઉમા – સ્નેહરશિમ પારિતોષિક’ એનાયત થયો હતો.

૧૯૬૭માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક એનાયત થયેલું. ૧૯૬૭ – ૧૯૬૮નાં શ્રેષ્ઠ કાવ્યોગ્રંથ તરીકે ‘અભિજ્ઞા’ માટે ‘કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક’ પ્રાપ્ત થયો હતો. ૧૯૭૩માં ‘કવિની શ્રદ્ધા’ માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર મળેલો. ૧૯૭૯માં ‘સોવિયેત લૅન્ડ નહેરુ એવૉર્ડ’ પ્રાપ્ત થયેલો. ૧૯૮૧માં ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કાર અને ૧૯૮૫માં મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે.


ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી પણ એક જીવંત સંસ્થા છે. કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક, વિદ્વાન, વિવરણકાર, વિચારક, વિધિગુરુ, તંત્રી, કાર્યપુરૂષ, ને એ બધાથી ઉપર એક ઉમદા વ્યક્તિ, એટલે આમ જોવા જાઓ તો ઉમાશંકર ઘણા બધા માણસોને મન ઘણી બધી વ્યાખ્યાઓ.


હવે પછીનાં લેખમાં ઉમાશંકર જોશી જેવી બહુમુખી પ્રતિભાને એમનાં વિશાળ અને વૈવિધ્યસભર સર્જન થકી અલગઅલગ નજરે જોવાનો પ્રયત્ન કરીશું. પણ ત્યાં સુધી આવી યુગ પ્રતિભાને એમની જન્મજયંતિ પર સાદર વંદન..!

આ પણ વાંચોઃ Rules for gemstones: કોઈપણ રત્ન ધારણ કરતી વખતે આ 10 નિયમોનું ધ્યાન રાખો, નહીં તો થઈ શકે છે નુકસાન

Gujarati banner 01