PM speech in RBI 90 years

PM today speech: પ્રધાનમંત્રીએ RBI@90 ઉદ્ઘાટન સમારંભના સંબોધનમાં શું કહ્યું

PM today speech: આરબીઆઈના 90 વર્ષ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો

“આરબીઆઈ આપણાં દેશનાં વિકાસનાં માર્ગને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે”

whatsapp banner

મુંબઈ, 01 એપ્રિલ: PM today speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનાં 90 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. મોદીએ આરબીઆઈના 90મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 1935માં 1લી એપ્રિલથી તેની કામગીરી શરૂ કરી હતી અને આજે 90માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે અસ્તિત્વનાં 90 વર્ષ પૂર્ણ કરીને ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરબીઆઈએ આઝાદી અગાઉનાં અને આઝાદી પછીનાં એમ બંને યુગો જોયા છે તથા તેણે પોતાની વ્યાવસાયિકતા અને કટિબદ્ધતાનાં આધારે સમગ્ર વિશ્વમાં એક ઓળખ ઊભી કરી છે. પ્રધાનમંત્રીએ આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થવા પર તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આરબીઆઈના વર્તમાન સ્ટાફને નસીબદાર ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે તૈયાર કરવામાં આવેલી નીતિઓ આરબીઆઈના આગામી દાયકાને આકાર આપશે અને તેમણે વધુમાં કહ્યું કે, આગામી 10 વર્ષ આરબીઆઈને તેના શતાબ્દી વર્ષ સુધી લઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આગામી દાયકો વિકસિત ભારતના સંકલ્પો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.” તેમણે ઝડપી વૃદ્ધિ અને વિશ્વાસ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આરબીઆઈની પ્રાથમિકતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ તેનાં લક્ષ્યાંકો અને ઠરાવો પૂર્ણ કરવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પણ વાંચો:- High cholesterol and heart attack: શા માટે વધી રહ્યો છે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો? અને થાય છે હાઇ કોલેસ્ટોલની સમસ્યા

દેશની જીડીપી અને અર્થવ્યવસ્થામાં નાણાકીય અને રાજકોષીય નીતિઓના સમન્વયના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં આરબીઆઈની 80મી વર્ષગાંઠની ઉજવણીને યાદ કરી હતી તથા તે સમયે દેશની બેંકિંગ વ્યવસ્થામાં એનપીએ અને સ્થિરતા જેવા પડકારો અને સમસ્યાઓને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ત્યાંથી શરૂ કરીને આજે આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે, જ્યાં ભારતીય બેંકિંગ પ્રણાલીને વિશ્વની એક મજબૂત અને ટકાઉ બેંકિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તે સમયની નજીકની મૃતપ્રાય બેંકિંગ સિસ્ટમ હવે નફામાં છે અને રેકોર્ડ ક્રેડિટ બતાવી રહી છે.

પ્રધાનમંત્રીએ આ પરિવર્તન માટે નીતિ, ઇરાદાઓ અને નિર્ણયોની સ્પષ્ટતાનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યાં ઇરાદાઓ યોગ્ય છે, ત્યાં પરિણામો પણ સાચા જ હોય છે.” સુધારાઓના વ્યાપક સ્વરૂપ પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે માન્યતા, ઠરાવ અને પુનઃમૂડીકરણની વ્યૂહરચના પર કામ કર્યું છે. શાસન સંબંધિત ઘણા સુધારાઓની સાથે જાહેર ક્ષેત્રની બેંકોને મદદ કરવા માટે 3.5 લાખ કરોડની મૂડી ઉમેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ફક્ત ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સીથી રૂ. 3.25 લાખ સુધીની લોનનું સમાધાન થયું છે.

RBI@90 PM today speech

તેમણે દેશને એવી પણ માહિતી આપી હતી કે આઇબીસી હેઠળ પ્રવેશ પહેલાં જ રૂ.9 લાખ કરોડથી વધુના મૂળભૂત ડિફોલ્ટ્સ ધરાવતી 27,000થી વધુ અરજીઓનો ઉકેલ આવી ગયો હતો. 2018માં બેંકોની ગ્રોસ એનપીએ જે 11.25 ટકા હતી તે સપ્ટેમ્બર 2023 સુધીમાં ઘટીને 3 ટકાથી નીચે આવી ગઈ છે. તેમણે કહ્યું કે ટ્વીન બેલેન્સશીટની સમસ્યા ભૂતકાળની સમસ્યા છે. પીએમ મોદીએ આ પરિવર્તનમાં આરબીઆઈના યોગદાન બદલ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ આગામી 10 વર્ષનાં લક્ષ્યાંકો માટે સ્પષ્ટતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપતી વખતે કેશલેસ અર્થવ્યવસ્થા દ્વારા લાવવામાં આવેલા ફેરફારો પર નજર રાખવાના મહત્વ તરફ ધ્યાન દોર્યું. તેમણે નાણાકીય સર્વસમાવેશકતા અને સશક્તિકરણની પ્રક્રિયાઓને ગાઢ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ભારત જેવા મોટા દેશની વિવિધ બેંકિંગ જરૂરિયાતો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ‘ઇઝ ઓફ ડુઇંગ બેંકિંગ’માં સુધારો કરવાની અને નાગરિકોની જરૂરિયાતો અનુસાર સેવાઓ પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે દેશના ઝડપી અને ટકાઉ વિકાસમાં આરબીઆઈની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. બેંકિંગ ક્ષેત્રમાં નિયમ-આધારિત શિસ્ત અને રાજકોષીય રીતે સમજદાર નીતિઓ લાવવામાં આરબીઆઈની સિદ્ધિની નોંધ લઈને પ્રધાનમંત્રીએ બેંકોને સરકારના સમર્થનની ખાતરી આપવાની સાથે-સાથે સક્રિય પગલાં લેવા માટે વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોનો આગોતરો અંદાજ લગાવવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ફુગાવાને નિયંત્રણમાં રાખવાનાં પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કે આરબીઆઈને લક્ષ્યાંક બનાવવાનો અધિકાર આપવો અને આ સંબંધમાં નાણાકીય નીતિ સમિતિની કામગીરીની પ્રશંસા કરી હતી. કોરોનાના કપરા કાળમાં પણ સક્રિય ભાવ નિરીક્ષણ અને રાજકોષીય મજબૂતી જેવા પગલાંએ ફુગાવાને મધ્યમ સ્તરે રાખ્યો હતો.

પ્રધાનમંત્રીએ નાણાકીય સર્વસમાવેશકતા અને ડિજિટલ ચુકવણી માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો શ્રેય આપ્યો, જેણે નાના ઉદ્યોગો અને શેરી વિક્રેતાઓની નાણાકીય ક્ષમતામાં પારદર્શકતા ઊભી કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, “આ માહિતીનો ઉપયોગ તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે થવો જોઈએ.”

પીએમ મોદીએ આગામી 10 વર્ષમાં ભારતની આર્થિક આત્મનિર્ભરતા વધારવા પર પણ ભાર મૂક્યો જેથી વૈશ્વિક મુદ્દાઓની અસર ઓછી થાય. મોદીએ જણાવ્યું કે, “હાલ ભારત વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં 15 ટકા હિસ્સા સાથે વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બની રહ્યું છે.” તેમણે સમગ્ર વિશ્વમાં રૂપિયો વધારે સુલભ અને સ્વીકાર્ય બનાવવાનાં પ્રયાસો પર ભાર મૂક્યો. તેમણે અતિશય આર્થિક વિસ્તરણ અને વધતા જતા દેવાના વધતા વલણો પર પણ વાત કરી અને ધ્યાન દોર્યું કે ઘણા દેશોના ખાનગી ક્ષેત્રના દેવાએ તેમનો જીડીપી બમણો કર્યો છે. તેમણે કહ્યું કે, ઘણા દેશોના દેવાના સ્તર પણ દુનિયા પર નકારાત્મક અસર પેદા કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, આરબીઆઈ ભારતની વૃદ્ધિની સંભવિતતા અને સંભાવનાને ધ્યાનમાં રાખીને આ અંગે અભ્યાસ હાથ ધરે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો