Sarswati

Second day of the festival of Diwali: દિવાળીનાં મહાપર્વનો બીજો દિવસ આસો વદ બારસ એટલે કે વાક્ બારસ

Second day of the festival of Diwali: (વિશેષ નોંધ : દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ બીજો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને વર્ષની અંતિમ એકાદશી એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. પહેલાં મણકામાં રમા એકાદશીની વાત કરી અને હવે મણકો ૨ – વાક્ બારસ)

હું ઘણા વર્ષોથી લખતી આવી છું કે દિવાળીનાં મહાપર્વનો બીજો દિવસ આસો વદ બારસ એટલે કે વાક્ બારસ છે, વાઘ બારસ નથી. વાક્ એટલે વાચા કે વાણી, વાણીનાં દેવી સરસ્વતીની પૂજા થતી હોવાથી આ બારસને વાક્ બારસ કહેવામાં આવે છે.

વાક્ બારસ એટલે વાગ્દેવી અને એમનો આ દિવસ અપભ્રંશ થઈને વાઘબારસમાં ક્યારે પલટાઈ ગયો એ ખબર જ ના પડી. લોકો માનવા લાગ્યા કે અંબા માતાનું શક્તિનું વાહન વાઘ એટલે આ એમનો દિવસ છે. આમ જોવા જાઓ તો અંબા માતાનાં એક નહીં, નવ-નવ દિવસ છે, અધૂરામાં પૂરું વિજયાદશમી પણ એમના ખાતે જ કહેવાય.

વાક્ બારસ એ મા સરસ્વતીનો દિવસ છે અને એ લક્ષ્મીજીનાં દિવસ પહેલાં મુકાયો છે એની પાછળ પણ ખુબ અગત્યનું કારણ છે. કલમની પૂજા કર્યા પછી જ સોના-ચાંદીનાં કે આજનાં ચલણમાં વપરાતાં ખણખણતાં સિક્કાની પૂજા થાય છે. જોકે લક્ષ્મીજીની પૂજા તો ધનતેરસનાં દિવસે પણ નથી કરવાની હોતી પણ એના વિશે વિસ્તારથી કાલનાં ત્રીજા મણકામાં વાત કરીશ.

Second day of the festival of Diwali: Vaibhavi Joshi

લોકજીભે ‘વાક્’ને બદલે વાઘબારસ ઉચ્ચારણ થતાં આ નામ પડતાં પડી તો ગયું પણ મને વિચાર એ આવ્યો કે આમ સાવ ‘વાક્’માંથી વાઘ થઇ જાય એ પણ માનવું જરા અઘરું તો ખરું જ. આની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ જોઈએ તો એવું લાગે કે સાવ એવું ન પણ હોય. એક માન્યતાં પ્રમાણે આજનાં દિવસે ભગવાન શિવ રાજા મુચકુંદની પરીક્ષા કરવા માટે વાઘ બન્યા અને માતા પાર્વતી ગાય તથા પુત્ર કાર્તિકેય વાછરડું બન્યાં હતા. માટે કદાચ આ દિવસને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવતી હશે.

તો વળી એક દંતકથા મુજબ, ભગવાન વિષ્ણુએ વાઘ નામનાં દૈત્યનો આજ રોજ વધ કર્યો હોવાને કારણે પણ કદાચ વાઘબારસ એવું નામ આવ્યું હશે. જોકે આનું કોઈ જ શાસ્ત્રોક્ત પ્રમાણ નથી મળી આવતું એટલે આમાં કેટલું સાચું ને કેટલું નહિ એ અલગથી ચર્ચાનો વિષય બને પણ મારી દ્રષ્ટિએ વાક્ બારસનાં દિવસે મા સરસ્વતી દેવીની આરાધના કરવાનો મહિમા છે.

આજનાં દિવસે વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પૂજન કરવાનો વિશેષ મહિમા ભલે હોય પણ એટલા પૂરતું જ સીમિત નથી. આજનો દિવસ ઘણા બધા નામથી ઓળખાય છે જેમ કે વસુ બારસ, ગૌ-વત્સ દ્વાદશી અને એક તો પોડા બારસ પણ. ‘વસુ’ એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.

ગાયને રૂંવે રૂંવે દેવ છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી ૩૩ કોટી (પ્રકાર) દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. સંસ્કૃતમાં કોટી એટલે પ્રકાર પણ એને કરોડમાં ગણી લઇ ૩૩ કરોડ દેવીદેવતાઓનો ખોટો ખ્યાલ સદીઓથી પ્રચલિત છે જે તદ્દન પાયાવિહોણો છે. એક માન્યતાં અનુસાર બારસનાં દિવસે સમુદ્રમંથનમાંથી નન્દીની નામની કામધેનુ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં એટલે આ દિવસે ગાય અને વાછરડાંની પૂજાનું વિશેષ મહત્વ છે.

Kaju Katri Recipe: ઘરે જ આ રીતે બનાવો કાજુ કતરી, નોંધી લો સરળ રેસિપી…

આ દિવસે વૈષ્ણવો ગાય અને વાછરડાંની પૂજા કરીને તેમને અડદનાં વડાં ખવડાવે છે એટલે એને ગૌ-વત્સ દ્વાદશી પણ કહે છે. અગિયારસનાં દિવસે અડદનાં વડાં બનાવી રાખે છે. અડદનાં વડાં બારસનાં દિવસે સાંજે ગોધૂલી સમયે ગાયોની પૂજા કરી ખવડાવે છે. ગામમાં પ્રવેશતી કે ગભાણમાં જઈ વાછરડાં સહિત પાર્વતી અને કાર્તિકેય સ્વરૂપે ગંધ, પુષ્પ અને અક્ષતથી પૂજન કરાય છે. રાત્રે સરસ્વતીમાતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાયો પ્રિય હોવાથી વૃંદાવનમાં બચ્છબારસ પણ ઉજવાય છે.

વાક્ બારસથી ગુજરાતીઓ ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. ઘરનાં ઊંબરાને ધોઈને એની બંને બાજુ સ્વસ્તિક અને એના ઉપર પાંચ ચાંલ્લા કરી આંગણામાં રંગોળી પૂરવાની પ્રથા છે. ગામડાઓમાં ગારાનાં ઘર હોય છે અને તેને છાણનું લીંપણ કરવામાં આવે છે. ચોમાસું ગયું છે અને સામે દિવાળી છે એટલે જૂંનું લીંપણ કાઢી નાંખીને, એનાં પોડાં ખોદી કાઢી નવું લીંપણ કરવામાં આવે છે. આ કારણથી આ દિવસ પોડા બારસ તરીકે પણ ઓળખાય છે.

બહુ ઓછાને ખ્યાલ હશે કે, છાણનાં લીંપણમાં પડતી તિરાડમાં “વ્હાઈટ ફ્લાય” નામની એક માખી ઉછરે છે જેનાં ડંખથી નાનાં બાળકોને ચાંદીપુરમ્ વાઈરસ નામનો અતિ ઘાતક રોગ થાય છે. ચોમાસા પછીનો સમય એનો ઈંડા મૂકવાનો સમય છે એટલે નવા લીંપણ થકી આ તિરાડો પૂરાઈ જતાં નાનાં બાળકો માટે અતિ ઘાતક એવો આ રોગ અટકે છે. દિવાળી માટે પાણિયારે ગોઠવેલી ઉતરડ બરાબર ઉટકીને ચકચકાટ કરાય છે અને ઘરમાં ચૂનાનો એક હાથ પણ લાગી જાય છે.

ઈચ્છીત ફળ આપનારી કામધેનુ આપ સૌના મનોરથ પૂર્ણ કરે અને મા સરસ્વતીનાં આશીર્વાદ આપ સહુ પર સદાય કાયમ રહે એવી મારી અંતઃકરણપૂર્વકની કામના.

આપ સહુને મારા તરફથી વાક્ બારસ અને વસુ બારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *