Swamiji ni Vani part-24: જાણો..મન સાથે મિત્રતા કરવાથી જીવનમાં લાભ થાય કે નુકસાન

Swamiji ni Vani part-24: મન સાથે મિત્રતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni Vani part-24: મન એ ભગવાને આપણને આપેલું એક સુંદર સાધન છે, કરણ છે; જ્યારે હું એનો ઉપયોગ કરનાર કર્તા છું. મોટરગાડીનું સ્ટિયરિંગ આપણા કાબૂમાં હોય તો જ મોટરગાડી ઉપર આપણે નિયંત્રણ જાળવી શકીએ. નહીંતર તો મોટરગાડી આપણો કબજો લઈ લે અને અકસ્માત સર્જાય. તે જ પ્રમાણે ઈશ્વરે આપેલ મનરૂપી ગાડીનું સ્ટિયરિંગ મારા કાબૂમાં હોય, જ્યાં સુધી હું કહું તેમ મન કરતું હોય ત્યાં સુધી તો બરોબર છે; પરંતુ જો મન મને કહે તે પ્રમાણે હું કરતો હોઉં તો આખી વ્યવસ્થા ઊલટી થઈ જાય.
સ્વામી દયાનંદજી એક સુંદર દૃષ્ટાંત આપે છે. આપણે ઘેર આવીએ ત્યારે આપણું પાળેલું કૂતરું આપણી પાસે આવીને પૂંછડી પટપટાવે તે કેવું સુંદર લાગે ! પરંતુ તેથી વિપરીત, પેલી પૂંછડી કૂતરાને પટપટાવે તો ?
એ જ રીતે આપણા મનને આપણે પટપટાવીએ તે તો બરોબર છે, પરંતુ મન આપણને પટપટાવવા લાગે તો ?
મોટા ભાગે આમ જ બનતું હોય છે. મન જ આપણું નિયંત્રણ કરતું હોય છે.
જપ કરવા બેસીએ ત્યારે સૌનો અનુભવ છે કે મન એકાગ્ર થતું નથી. વારંવાર આપણે વિચારોના ચગડોળે ચઢી જઈએ છીએ. મન એક વિચારમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, આમ કૂદાકૂદ કર્યા જ કરતું હોય છે. ક્યાંનું ક્યાં ફર્યા કરે અને પાછું જપના વિષય ઉપર આવે. પણ તેય તે બહુ નજીવા સમય માટે અને વળી પાછું ચઢી જાય ચગડોળે. અન્ય કામ કરતા હોઈએ ત્યારે પણ મન તો વિચાર્યા જ કરતું હોય છે. આપણે બેધ્યાન બની જતા હોઈએ છીએ. જાતજાતના વિચારો, જાતજાતના આવેગો આપણો કબજો લઈ લેતા હોય છે. મન જાણે આપણું વેરી હોય તેમ વર્તતું હોય છે.
મનને ગુલામ બનાવવાની જરૂર નથી, જરૂર છે તેને મિત્ર બનાવવાની. મિત્ર કહ્યા વિના કામ કરે, જ્યારે ગુલામ તો કહીએ એટલું જ અને કહીએ ત્યારે જ કરે. મિત્ર સમજીને આપોઆપ જ કરે, ગુલામ પોતાની અક્કલ વાપરે જ નહીં અને તેથી કોઈ વાર આપણે તેને લીધે સહન કરવાનું પણ આવે. આમ, મન આપણને અનુકૂળ બને, ઉપલબ્ધ બને તે આવશ્યક છે. કઠોપનિષદ કહે છે કે
મનનો પ્રસાદ અર્થાત્‌ પ્રસન્નતા પ્રાપ્ત થવી જોઈએ. તો જ આપણે જીવન-ધ્યેયની દિશામાં પ્રગતિ કરી શકીશું.
આ માટે આપણી પોતાની શક્તિ એકલી પૂરતી નથી. ઈશ્વરનો અનુગ્રહ જરૂરી છે. કોઈ પણ સફળ પ્રયત્નમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બંને વસ્તુઓ રહેલી હોય છે. પ્રારબ્ધ એટલે ઈશ્વરનો અનુગ્રહ. માત્ર વ્યાવહારિક પ્રયત્નોમાં જ નહીં, પણ આધ્યાત્મિક પ્રયત્નોમાં પણ સફળતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરનો અનુગ્રહ આવશ્યક છે.
વિવેકચૂડામણિમાં શ્રીશંકરાચાર્યજી કહે છે કે સંસારમાં ત્રણ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ છે: મનુષ્યદેહ, મુમુક્ષત્વ અર્થાત્‌ મોક્ષની ઇચ્છા અને સત્સંગ. આમ, જીવનમાં ક્ષણે ક્ષણે ઈશ્વરનો અનુગ્રહ જરૂરી છે. આ અનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત કરવો ? ઈશ્વરની આરાધના દ્વારા. ઈશ્વરની આરાધનાથી, સેવાથી, પૂજાથી ઈશ્વરને પ્રસન્ન કરવો જોઈએ. ભગવાન ગીતામાં કહે છે કે જેને કારણે જગતમાં સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ છે અર્થાત્‌ જે સર્વને ચેતનતા પ્રદાન કરે છે, જેની પ્રેરણાથી આ સમગ્ર જગત ચાલી રહ્યું છે અને જેના વડે સમગ્ર જગત વ્યાપ્ત છે એવા ઈશ્વરની પોતાનાં કર્મ દ્વારા પૂજા-અર્ચના, આરાધના કરતાં કરતાં મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
કઈ સિદ્ધિ ?
અનુકૂળ અંતઃકરણની પ્રાપ્તિરૂપી સિદ્ધિ, મનની સહજ ઉપલબ્ધતારૂપી સિદ્ધિ, અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિ.
ઈશ્વરના અનુગ્રહથી માનવી મનનો પ્રસાદ પ્રાપ્ત કરે છે, મનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, મન તેને અનુકૂળ બને છે.

Swamiji ni Vani part-23: દાન વિષે ભગવદ્દ ગીતા કહે છે;

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *