Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય
“ચાર પુરુષાર્થ”
Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે દુઃખ નોતરતા હોઈએ છીએ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી.
Swamiji ni vani Part-27 આપણાં શાસ્ત્રોમાં ચાર પ્રકારના પુરુષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ પૈકી અર્થ અને કામ – આ બે પુરુષાર્થથી આપણે સૌ પરિચિત છીએ જ. ‘અર્થ’ એટલે ધન-સંપત્તિ, સુખ-સગવડ, માન-પ્રતિષ્ઠા. મનુષ્યને આ બધાની પ્રાપ્તિની ઇચ્છા છે અને તેની પૂર્તિ માટે તે પ્રયત્ન કરે છે. શારીરિક સ્તરે અને બુદ્ધિના સ્તરે પણ સલામતી, સન્માન વગેરે પ્રાપ્ત કરવાની સ્વાભાવિક ઇચ્છાને પૂરી કરવાના પ્રયત્નને કહે છે અર્થ. અર્થ એ પહેલો પુરુષાર્થ છે, કારણ કે પહેલી માગ છે સલામતીની, સગવડની. પહેલાં શરીરની માગ સંતોષાય ત્યાર પછી ઇન્દ્રિયોની માગ પૂરી કરી શકાય. ઇન્દ્રિયોના ઉપભોગોનું નામ છે ‘કામ’. કામ કે સુખની આપણી સ્વાભાવિક ઇચ્છા છે. એને પૂરી કરવા માટે ‘અર્થ’ એટલે કે ધન-સંપત્તિ સાધનરૂપ બને છે. આમ ‘અર્થ’ અને ‘કામ’ સામાન્ય રીતે સાથે જ જતા હોય છે.
‘અર્થ’ અને ‘કામ’ પ્રથમ જરૂરિયાતો હોવા છતાં પણ આપણાં શાસ્ત્રોમાં ‘ધર્મ’ને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્યને ‘અર્થ’ અને ‘કામ’ની ઇચ્છા છે; એને સલામતી, સુખ, માન ઇત્યાદિ જોઈએ છે. શાસ્ત્રો આ સ્વીકારે છે. પરંતુ આ બધાની પ્રાપ્તિ ‘ધર્મ’ના માર્ગે થવી જોઈએ. ધર્મનો ભોગ અપાય નહીં એ વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે. ધર્મ અર્થાત્ જે સમગ્ર જીવનને, સમગ્ર જગતને ધારણ કરે છે તે. જગતમાં એક એવો કોઈ ધર્મ છે, નિયમ છે, જે જગતને ધારણ કરી રહ્યો છે. જગતના વિવિધ તત્ત્વોને જોડનારી, સર્વમાં સંવાદિતા રાખનારી કોઈ સાંકળ છે જેને કહેવાય છે નિયતિ, મૂળભૂત નિયમ, મૂળભૂત ધર્મ. એને આધારે જ સમગ્ર જગત કાર્ય કરી રહ્યું છે.
આ પણ વાંચો:– Swamiji ni vani Part-26: ચોરીનો પ્રકાર ગમે તે હોય, ભગવાન ચોક્કસપણે સજા તો કરશે જ.
મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે દુઃખ નોતરતા હોઈએ છીએ, આપણે માટે અને અન્યને માટે પણ. દાખલા તરીકે, ભારતમાં નિયમ છે કે વાહન રસ્તાની ડાબી બાજુ જ હંકારવું. આ નિયમનું પાલન ન કરીએ અને જમણી બાજુ ગમે તેમ હંકારીએ તો આપણે માટે મુશ્કેલી અને અન્યને માટે પણ મુશ્કેલી નોતરવાનું થાય.
સૃષ્ટિના નિયમનું સામાન્ય જ્ઞાન બધાને હોય જ છે. ભગવાને બધાને આ પ્રકારનું સામાન્ય જ્ઞાન આપીને જ મોકલ્યા છે. દરેકેદરેક મનુષ્યને બીજાએ તેની સાથે કેમ વર્તવું તેનું પૂરેપૂરું જ્ઞાન છે. એ બાબતે એના મનમાં પૂરેપૂરી સ્પષ્ટતા છે. આ જ બતાવે છે કે મારે અન્યની સાથે કેમ વર્તવું એનું પણ મને જ્ઞાન છે, કારણ કે હું અન્ય પાસે જેવા વર્તનની આશા રાખું તેમ અન્ય પણ તેવા જ વર્તનની મારી પાસે આશા રાખે. એટલે એવું તો કોઈ ન જ કહી શકે કે જગતમાં જે ધર્મ છે કે નિયમ છે તેનું પોતાને જ્ઞાન નથી. આ ધર્મને કહે છે સામાન્ય ધર્મ. સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું, સુરાપાન ન કરવું, માંસ-ભક્ષણ ન કરવું, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી – આ બધા જે વિધિ-નિષેધ આપણાં શાસ્ત્રોમાં આપેલા છે તે આ સામાન્ય ધર્મને અનુલક્ષીને જ આપવામાં આવ્યા છે.
શાસ્ત્ર આપણી પાસે બીજી કોઈ વધારે વસ્તુની અપેક્ષા નથી રાખતું. જે વર્તન કરવા આપણે શક્તિમાન હોઈએ, જે વસ્તુ આપણા સામર્થ્યની મર્યાદાની અંદર હોય તે જ વસ્તુ કરવાનું આપણને શાસ્ત્ર કહે છે. એવું નથી કે આપણા ઉપર કોઈ પ્રકારનું બળ કરવામાં આવતું હોય. એવું પણ નથી કે આ બધા વિધિ-નિષેધ દ્વારા આપણા ઉપર કોઈ જાતનો બોજ લાદવામાં આવતો હોય. સામાન્ય રીતે મને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે મારી અંદર આપોઆપ જ એક પ્રકારનો પ્રતિકાર ઉત્પન્ન થાય છે કે ‘મને વળી કહેનાર કોણ ?’ શાસ્ત્ર સામે પણ આપણે બળવો પોકારીએ છીએ. ‘એ વળી અમારું નિયંત્રણ કરનાર કોણ ?’ પરંતુ કદાચ આપણને ખ્યાલ ન હોય તો શાસ્ત્ર આપણને માત્ર સ્મરણ જ કરાવે છે કે કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય. યોગ્ય કર્મ કરવું, અને અયોગ્ય કર્મ ન કરવું, આનું જ નામ ધર્મ. ધર્મ અનુસાર કર્મ કરવું એ માનવમાત્રની ફરજ છે.