Swami Viditatmananda Saraswatiji 1

Swamiji ni vani Part-26: ચોરીનો પ્રકાર ગમે તે હોય, ભગવાન ચોક્કસપણે સજા તો કરશે જ..

Swamiji ni vani Part-26 આધ્યાત્મિક ચોરી: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી.

इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: ||

ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરી: Swamiji ni vani Part-26: ભગવાન ચોરીની વ્યાખ્યા આપે છે. પેલી ભૌતિક ચોરીથી તો આપણે બધા પરિચિત છીએ જ – સ્થૂળ ચોરી, જેવી કે કસ્ટમની ચોરી, ઇન્કમટૅક્સની ચોરી વગેરે. આવી ચોરી કરનાર બુદ્ધિમાન ગણાય છે અને તેવું ન કરનાર મૂર્ખમાં ખપે છે. વળી, આવી ચોરીઓ માટે લોકો વધારે બુદ્ધિવાળા કન્સલ્ટન્ટ રાખે છે – ટૅક્સ કન્સલ્ટન્ટ, ટૅક્સ પ્લાનિંગ ! સરકારની કરચોરી કરવી, અન્યનું ઝૂંટવી લેવું, બીજાના ધન પર બૂરી નજર કરવી,

આ મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે. તેથી ઉપનિષદ કહે છે કે કોઈના પણ ધનની લાલચ ન રાખ – તારા કે બીજાના પણ. ભગવાન અહીં ગીતામાં પણ એક પ્રકારની નૈતિક ચોરીની વાત કરે છે. વૈદિક યજ્ઞમાં દેવતાઓનું આવાહન કરવામાં આવે છે અને પછી તેમને આહુતિ આપવામાં આવે છે, જેનાથી તેઓ પુષ્ટ થાય, સંતુષ્ટ થાય. આ યજ્ઞભાગ દેવોને આપવામાં ન આવે તો એ આધ્યાત્મિક ચોરી છે.

punishment for theft

ભગવાન કહે છે કે કર્મ પણ એક યજ્ઞ છે. જેમ પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ – બધાં જ સમર્પણની ભાવનાની કર્મ કરી રહ્યાં છે તેમ સમર્પણની ભાવનાથી જ આપણે પણ કર્મ કરીએ. જેમ વૈદિક યજ્ઞમાં આપવામાં આવેલી આહુતિ દેવતાઓને પહોંચતી હોય છે તેમ કર્મમાંની સમર્પણની ભાવનારૂપી આહુતિ પણ દેવતાઓને પહોંચતી હોય છે અને દેવતાઓ તેનાથી સંતુષ્ટ થતા હોય છે.

‘યજ્ઞથી પ્રસન્ન થયેલ દેવતાઓ તમને જરૂર ઇચ્છિત ભોગો પ્રદાન કરશે’. આ જે કાંઈ વસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થાય છે તે કોને કારણે પ્રાપ્ત થાય છે ? દેવતાઓના કે ઈશ્વરના અનુગ્રહને કારણે. આપણે એમ માનતા હોઈએ કે પોતાની શક્તિથી, પોતાની બુદ્ધિથી આપણે આ મેળવ્યું છે તો તે માત્ર મિથ્યા અહંકાર જ છે. સાચું તો એ છે કે જે કાંઈ પ્રાપ્ત થાય છે તે દેવતારૂપી ઈશ્વરથી જ પ્રાપ્ત થાય છે. માનવીએ અભિમાની ન બનવું જોઈએ. માનવીએ એમ ન માનવું જોઈએ કે તેણે તેની સ્વતંત્ર બુદ્ધિ કે શક્તિથી કાંઈક મેળવ્યું છે, કારણ કે માનવી હાથથી જ્યારે કર્મ કરે છે ત્યારે હાથ કોને કારણે કર્મ કરી શકે છે ? દેવતાઓ માત્ર સ્વર્ગમાં જ નિવાસ નથી કરતા, આપણા દેહમાં પણ આ દેવતાઓ અંશરૂપે નિવાસ કરતા હોય છે.

Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

આપણા દેહની કે ઇન્દ્રિયની જે કાંઈ ક્રિયાઓ છે તેનું આ દેવતાઓ સંચાલન કરતા હોય છે અને તેમના અનુગ્રહથી જ સર્વ ક્રિયાઓ શક્ય બને છે. ઇન્દ્રનો અનુગ્રહ જતો રહે તો હાથ ઊંચો થાય જ નહીં. પગના દેવતા વિષ્ણુ છે. એમનો અનુગ્રહ ન હોય તો પગ કામ ન કરે, ચાલી શકે નહીં. આંખો બરાબર કામ કરતી નથી, તો સૂર્યનો અનુગ્રહ નથી. ડૉક્ટરો ભલે બીજાં બીજાં કારણો આપતા હોય. અંગ કામ કરતું અટકી જાય ત્યારે તે અંગના સંબંધિત દેવતાનો અનુગ્રહ જતો રહ્યો એમ કહેવાય. શાસ્ત્રોમાં આ માટે મંત્રો આપવામાં આવ્યા છે. એ આખું જુદું વિજ્ઞાન છે. એ આપણો અત્યારનો વિષય નથી તેથી તેની ચર્ચામાં અહીં નહીં ઊતરીએ. છતાં એટલું તો આપણે સ્વીકારવું જ પડશે કે જે તે દેવતાનો અનુગ્રહ હોય ત્યારે જ આપણે તે તે કાર્ય કરી શકતા હોઈએ છીએ. અર્થાત્‌ આપણે કર્મ કરવા શક્તિમાન છીએ તે બધા દેવતાઓના અનુગ્રહના કારણે.

હું બહુ બુદ્ધિમાન છું, મારામાં જ્ઞાન છે. પણ એ કોના કારણે ? ભગવાન કહે છે કે ‘બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું…બળવાનોનું બળ હું છું…’ આ પ્રમાણે વિચાર કરીએ તો પછી અહંકાર, દર્પ કે ગર્વને સ્થાન રહેતું નથી. છતાં મનુષ્ય આ વસ્તુનો સ્વીકાર ન કરે અને એમ માને કે ‘મેં સ્વતંત્ર પ્રયત્નથી પ્રાપ્ત કર્યું છે અને એ બધું હું જ ભોગવું. મારે આમાંથી કોઈને કાંઈ ભાગ આપવો નથી, દેવતાના અનુગ્રહને હું સ્વીકારતો નથી’, અને પછી એકલો જ બધું આરોગી જાય તો તે શું કહેવાય ?

स्तेन एव स: આ મનુષ્ય ચોર છે.
ભગવાન આવા માણસો માટે જુદા જુદા શબ્દો વાપરે છે.

  • अघायु: – એટલે પાપ જ જેનું આયુષ્ય છે.
  • इन्द्रियाराम: જે ઇન્દ્રિયોમાં જ રમનારો છે.
  • मोघं स जीवति: એનું જીવન વ્યર્થ છે. એટલું જ નહીં, ચોર હોવાને કારણે એને દંડ પણ મળવાનો છે. એ છટકી જઈ શકે તેમ નથી. તો આ પ્રકારની ચોરી ન કરવી એ આપણો ધર્મ છે.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *