Bharat Parv 2026: એકતાનગરમાં ‘ભારત પર્વ-2026’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો શુભારંભ
Bharat Parv 2026: ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર આયોજિત ‘ભારત પર્વ’માં વિવિધ રાજ્યોના પેવેલિયનની વડાપ્રધાનએ મુલાકાત લીધી

- ફૂલોથી બનેલી BHARAT PARV 2026’ રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
- વડાપ્રધાનએ રાજ્યોના હસ્તકલા કારીગરો, કલાકારો સાથે સંવાદ કરી તેમના કલા-કૌશલ્ય, ઉત્પાદનો વિશે જાણકારી મેળવી
- તા. ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન ૫,૦૦૦ જેટલા કલાકારો રજૂ કરશે ભારતની સાંસ્કૃતિક વિવિધતા
રાજપીપળા: Bharat Parv 2026: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘ભારત પર્વ-૨૦૨૬’ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર (Bharat Parv 2026) આયોજિત આ મહોત્સવના શુભારંભ સાથે દેશની સાંસ્કૃતિક વિવિધતાનો ઉત્સવ શરૂ થયો છે. વડાપ્રધાનએ મહોત્સવનો પ્રારંભ કરાવી ‘કલ્ચર થી કોમર્સ’ના સંકલ્પને સાકાર કરતા વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લઈ પ્રદર્શિત સાંસ્કૃતિક વિરાસત નિહાળી હતી. ફૂલોથી તૈયાર કરાયેલી ‘BHARAT PARV 2026’ની આકર્ષક રંગોળી પણ તેમણે નિહાળી હતી. આ દરમિયાન વડાપ્રધાનશ્રીએ પરંપરાગત હસ્તકલા અને હાથશાળ સાથે જોડાયેલા કારીગરોના સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના કલા-કૌશલ્ય, ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી.
૧ થી ૧૫ નવેમ્બર-૨૦૨૬ દરમિયાન આયોજિત ભારત પર્વ મહોત્સવનો હેતુ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખને એક જ મંચ પર લાવવાનો છે. આ સમયગાળા દરમિયાન અંદાજે ૫,૦૦૦ કલાકારો લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કલાઓની પ્રસ્તુતિ કરશે. ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મેઘાલય સહિતનાં રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ-વ્યંજનોનાં પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે.

એકતાનગરના આંગણે શરૂ થયેલો (Bharat Parv 2026) આ ઉત્સવ દેશની ‘વિવિધતામાં એકતા’ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અદભુત ઝાંખી જોવા મળશે તેમજ દેશભરના પ્રવાસીઓ અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વિશ્વભરમાં ‘બ્રાન્ડ ઇન્ડિયા’ની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરનારા દેશના હુનરમંદ કારીગરોની કળાને પ્રોત્સાહિત કરીને સ્વદેશી ઉત્પાદનો તથા ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ફળીભૂત કરવામાં ભારત પર્વ સહાયક બનશે.
આ પણ વાંચો:- Synthetic Drugs: ઉત્તર પ્રદેશમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ, 1,100 કિલો નશીલા પદાર્થો જપ્ત કર્યા
નોંધનીય છે કે, એકતાનગર ખાતેનો આ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી માસમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા યોજાતા ‘ભારત પર્વ’થી અલગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડની જેમ વાર્ષિક ‘ભારત પર્વ’ યોજવાની જાહેરાત કરી હતી.
