ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલીક ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ કરે: ડૉ. મનિષ એમ. દોશી

School Student

ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ બંધ કરવાના અવિચારી નિર્ણયને ગુજરાતના હિત માટે તાત્કાલીક રદ કરવા બાબત.

ગાંધીનગર, ૦૩ ડિસેમ્બર: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નિતી રીતી હોય તે રીતે એક પછી એક પગલા ભરી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતી વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાખવા માટે આ સંસ્થાઓમાં અવસાન, નિવૃત્તી સહિત ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક અંગે મંજુરી કે કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી રહ્યો નથી. ગ્રાન્ટેડ સંસ્થાઓને ફરજીયાત સેલ્ફ-ફાઈનાન્સ વર્ગો શરૂ કરવા અને ક્રમશઃ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા આયોજન બધ્ધ રીતે શિક્ષણ વિભાગ દબાણ કરીને શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ઓછી સંખ્યાના નામે રાજ્ય સરકાર લાંબા સમયથી પ્રથમ સૈધ્ધાંતિક નિર્ણય અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું મોટાપાયે શરૂ કરી નાખ્યું છે, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. આદિવાસી વિસ્તારની સ્થિતિ તો અત્યંત નાજુક છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના સીધા આદેશથી તા. ૨૩-૧૧-૨૦૨૦ના પત્રથી અંતરીયાળ વિસ્તાર અરવલ્લી જીલ્લામાં ૭૬ શાળાઓને તાત્કાલીક અસરથી ખંભાતી તાળા લાગી ગયા છે. આજ રીતે શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના તા. ૨૩-૧૧-૨૦૨૦ના પત્ર થી કચ્છ જીલ્લાની ૧૭૯ શાળાઓને તાળા લાગી ગયા છે. જેના લીધે કચ્છના ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને સામાન્યવર્ગના બાળકો જેમા ખાસ કરીને દિકરીઓના ભણવાનો અધિકાર છિનવાશે. રાજ્યમાં દરેક જીલ્લાઓમાં સરકારશ્રીના આદેશથી ગ્રામ્ય વિભાગની સરકારી શાળાઓને તાળા લાગી રહ્યા છે, જે ગંભીર અને ચિંતાજનક છે.

ગુજરાતમાં ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ બંધ કરવાના રાજ્ય સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના હજારો બાળકો શિક્ષણના અધિકારથી વંચીત રહેશે. આપશ્રીને નમ્ર વિનંતી છે કે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલીક ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *