GTU office

Mass copy case: પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને જીટીયુએ કડક સજા ફરમાવી, વાંચો શું છે મામલો?

Mass copy case: માસ કોપી કેસમાં 2 કૉલેજના સેન્ટર આગામી 2 પરીક્ષા  માટે રદ્દ કરાયાં.

અમદાવાદ, 08 જાન્યુઆરી: Mass copy case: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ગત બી. ઈ. સેમેસ્ટર 3 અને 5ની યોજવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં ભરતાં જુદાં – જુદાં લેવલની સજા કરવામાં આવી છે.  કુલ 233 વિદ્યાર્થીઓને યુએફએમ (અનફેરમીન્સ) અંતર્ગત તાજેતરમાં જીટીયુ ખાતે હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી 18 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણવિદો દ્વારા જીટીયુની યુએફએમ કમિટીનું ગઠન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીને પૂરતી તક આપીને નિષ્પક્ષ તપાસ કરીને કમિટી દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ અને માસ કોપી જેવી ગંભીર બાબતો સામે જીટીયુ દ્વારા ભૂતકાળમાં પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે. તેમજ કોઈ પણ કૉલેજ ફરીથી આ પ્રકારની ગેરરીતિ કરતાં ઝડપાશે તો , એફિલેશન રદ્દ કરવા સુધીની કડક સજા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat liquor seized: ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છંતા 2021માં દર 11 મિનિટ બોટલો થઇ રહી છે જપ્ત, ચોકાવનારા આંકડા આવ્યા સામે

આ અંતર્ગત 1 વિદ્યાર્થીને લેવલ -2ની સજા ફરમાવવામાં આવી છે. જેમાં ચાલુ સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થી દ્વારા આપેલ તમામ પરીક્ષા રદ્દ કરવામાં આવેલ છે. 213 વિદ્યાર્થીઓને લેવલ-3ની સજા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આગામી 1 વર્ષ સુધી કોઈ પણ પરીક્ષા આપી નહીં શકે. જ્યારે 1 વિદ્યાર્થીને લેવલ – 4ની સજા ફરમાવવામાં આવેલ છે. જેને આગામી 3 વર્ષ માટે પરીક્ષા આપવા નહી મળે.  વધુમાં જીટીયુએ માસ કોપીમાં દોષી પુરવાર થયેલ કૉલેજો સામે પણ કાર્યવાહી કરતાં આગામી 2 પરીક્ષાઓ માટે તેમનું સેન્ટર રદ્દ કરીને રૂપિયા 1 લાખનો દંડ ભરવાની સજા ફરમાવી છે.    

Whatsapp Join Banner Guj